ગાંધીનગર : કચ્છના (Kutch) મુંદ્રા પોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ (Drugs) પકડાઈ રહ્યું છે, તેમ છતાં પોર્ટના સંચાલકો સામે ભાજપની (BJP) સરકાર કોઈ પગલા લેતી નથી તેવા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપનો વળતો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતમાં ડ્રગ્સ સામેથી પકડાતું નથી પણ ગુજરાત પોલીસની મહેનત-મક્કમતાથી અને રાજ્ય સરકારની દ્રઢ ઈચ્છાશક્તિના પરિણામે ડ્રગ્સ પકડાય છે. આ લડાઈ હજી ખૂબ લાંબી ચાલશે. મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, દિલ્હી, રાજસાથાન અને ઝારખંડ જેવા રાજ્યોનું ડ્રગ્સ નેટવર્ક તોડવામાં ગુજરાત પોલીસની ભૂમિકા અત્યંત મહત્વની પૂરવાર થઈ રહી છે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતાં કહ્યું હતું કે, ગુજરાત પોલીસે છેલ્લા એક વર્ષમાં કુલ ૪૮૫ કેસમાં ૭૬૩ આરોપીઓની ધરપકડ કરીને રૂપિયા 6004 કરોડથી વધુ કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે. યુવાનોને નશાના ચૂંગાલમાંથી છોડાવવા તથા પોલીસનું મનોબળ વધારવાના આશયથી દેશભરમાં ગુજરાતે ડ્રગ્સ રિવોર્ડ પોલીસી અમલી બનાવી છે જેના પરિણામે છેલ્લા એક વર્ષમાં મોટા જથ્થામાં ડ્રગ્સ પકડાયું છે અને એક પણ ડ્રગ્સ વેચનારને જામીન મળ્યા નથી.
સંઘવીએ કહ્યું હતું કે જ્યારે ડ્રગ્સ પકડવામાં ગુજરાત અગ્રેસર છે. ગુજરાત પોલીસે ગુજરાત બહાર મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી જેવા રાજ્યોમાં પણ ડ્રગ્સ પકડ્યું છે. ડ્રગ્સ જેવા સામાજિક દુષણ સામે લડવાને બદલે રાજનીતિ કરીને કહેવાતા રાષ્ટ્રીય યુવા નેતાએ પાપ કર્યું છે. NCRBના ૨૦૨૧ના અહેવાલમાં કોંગ્રેસ શાસિત એક પણ રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સારી નથી.
ગુજરાત પોલીસના અધિકારીઓએ ભિખારી, પાણીપુરીવાળા અને દૂધવાળા બનીને ડ્રગ્સ માફિયાઓને પકડ્યા છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ શાસન વખતે શાકભાજીની આડમાં ડ્રગ્સ વેચવાવાળા સલીમને ગુજરાત પોલીસે પકડ્યો છે.
સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સત્તા વિહોણી કોંગ્રેસ સત્તા મેળવવા હવે બેબાકળી બનીને સપના જોઈ રહી છે. આજે ડ્રગ્સ મામલે કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે જે નિવેદનો કર્યા છે તેની કડક આલોચના કરતાં તેમણે કહ્યું કે, તેઓ અભ્યાસ વગરના નિવેદનો કરીને ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરી ગુમરાહ કરવા નીકળ્યા છે એ શોભતું નથી રાજયની પ્રજા હવે એમને ઓળખી ગઈ છે.