સુરત : ટેક્સટાઇલ માર્કેટમાં (Textile Market) આગ (Fire) લાગવાના બનાવો અટકતા નથી. શુક્રવારે ભાઠેના મેઇન રોડ પર મિલેનીયમ માર્કેટ-2માં ત્રીજા માળે એક દુકાનમાં (Shop) આગ લાગતા મનપાનો ફાયર વિભાગની ત્રણ ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ મોકલાઇ હતી. અગાઉ કાપડ માર્કેટમાં વિકરાળ આગના બનાવોના અનુભવને ધ્યાને રાખી ફાયરની ટીમો તમામ તૈયારીઓ સાથે દોડી ગઇ હતી. જો કે ત્યાં ગણા પછી જાણ થઇ હતી કે, માર્કેટમાં ત્રીજા માળે 323 નંબરની જતીન નામના વેપારીની ભાડાની દુકાનમાં માળીયામાં શોર્ટસર્કીટના કારણે આગ લાગી હતી. ફાયરની ટીમોએ તુરંત પાણીનો મારો ચલાવી આગને માત્ર કાબુમાં લીધી હતી પરંતુ ત્યા સુધીમાં દુકાનમાં પડેલી 500થી વધુ સાડી બળીને ખાખ થઇ ગઇ હતી.
પાંડેસરાની ડાઈંગ મિલમાં મશીનમાં ઓવર હિટિંગના કારણે આગ
સુરત: પાંડેસરા જીઆઈડીસીમાં આવેલા ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં સેન્ટર મશીનમાં ઓવર હિટિંગના કારણે આગ લાગવાની ઘટના બની હતી. ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, પાંડેસરા જી.આઇ.ડી.સી ગણેશનગર ખાતે આવેલી જુની પારસ મિલમાં શુક્રવારે સવારે સેન્ટર મશીનમાં આગ લાગી હતી. ફાયરમાં જાણ થતાં જ ભેસ્તાન, ડિંડોલી અને મજુરા ફાયર સ્ટેશનથી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સામાન્ય હોય, તરત જ આગ કાબુમાં આવી હતી. આગને કારણે મશીનમાં રહેલો કાપડનો જથ્થો બળી ગયો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવામાં આવ્યું હતું.