Sports

ટેનિસ સ્ટાર રાફેલ નડાલે પોતાના જ નાક પર માર્યું રેકેટ, લોહી નીકળવા લાગ્યું, વીડિયો થયો વાયરલ

નવી દિલ્હી: સ્પેનના (Spain) ટેનિસ (Tennis) સ્ટાર રાફેલ નડાલે (Raffle Nadal) યુએસ ઓપન 2022માં (US Open 2022) તેનું જોરદાર પ્રદર્શન જાળવી રાખ્યું છે. નડાલે બીજા રાઉન્ડમાં શાનદાર જીત મેળવી હતી, પરંતુ આ દરમિયાન નડાલ અકસ્માતનો શિકાર બન્યો હતો. તેના નાકમાં ઈજા થઈ હતી. ખરેખર નડાલ વર્ષની છેલ્લી ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ યુએસ ઓપનમાં તેના બીજા રાઉન્ડની મેચ રમવા શુક્રવારે (2 સપ્ટેમ્બર) ના રોજ ઉતર્યો હતો. તેનો મુકાબલો ઈટાલીના ફેબિયો ફોગ્નીની સામે થયો હતો. આ મેચમાં નડાલનું રેકેટ આકસ્મિક રીતે તેના નાકમાં વાગી ગયું હતું, જેના કારણે નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. નડાલે ચાર સેટ સુધી ચાલેલી મેચ જીતી લીધી હતી.

સારી વાત એ છે કે જ્યારે નડાલને ઈજા થઈ ત્યારે તેણે લગભગ મેચ જીતી લીધી હતી. ખરેખર, નડાલે પહેલો સેટ 2-6થી ગુમાવ્યો હતો. આ પછી, તેણે આગલા ત્રણ સેટમાં વાપસી કરી અને છેલ્લા ત્રણ સેટ 6-4, 6-2, 6-1થી જીતીને મેચ જીતી લીધી. દરમિયાન, ચોથા સેટમાં, તેણે શોટ બચાવવાના પ્રયાસમાં આકસ્મિક રીતે તેના જ રેકેટથી તેના નાક પર અથડાયો. જેના કારણે તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું. જોકે કોર્ટમાં નડાલના નાક પર પટ્ટી બાંધવામાં આવી હતી. આ પછી તેણે ચોથો સેટ પણ રમ્યો અને મેચ જીતી લીધી.

મેચ બાદ નડાલે આ ઘટનાને ફની રીતે લીધી હતી. નડાલ હાલમાં વિશ્વમાં સૌથી વધુ 22 વખત ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતનાર ખેલાડી છે. આ ઘટનાને પગલે આર્થર એસ સ્ટેડિયમમાં વિચિત્ર સ્થિતિ સર્જાઈ હતી અને લગભગ 5 મિનિટ સુધી રમત અટકાવી દેવામાં આવી હતી. નડાલે તરત જ બંને હાથ વડે પોતાનું મોં ઢાંક્યું અને મેચ બાદ પણ આ ઘટના વિશે રમુજી રીતે વાત કરી. નડાલને પૂછવામાં આવ્યું કે શું તેની સાથે આ પહેલા પણ આવી ઘટના બની છે, તો તેણે મજાકમાં કહ્યું, ‘આ ગોલ્ફ કોર્સ પર બન્યું હતું, પરંતુ ટેનિસ રેકેટથી આવું ક્યારેય બન્યું ન હતું. શરૂઆતમાં મને થોડા ચક્કર આવતા હતા. પછી થોડો દુ:ખાવો થયો હતો. જોકે થોડી જ વારમાં સ્વસ્થ થયા બાદ મેચ ફરી શરૂ થઈ હતી.

Most Popular

To Top