ગાંધીનગર: મુખ્યપ્રધાન (CM) ભૂપેન્દ્ર પટેલે આજે સુરેન્દ્રનગરમાં વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાની (Fair) મુલાકાત લઈને અહીં ત્રિનેત્રેશ્વર મહાદેવની પાજ અર્ચના કરી હતી. ખાસકરીને આ આયોજીત ગ્રામીણ ઓલિમ્પિક પણ મુલાકાત લીધી હતી. ભૂપેન્દ્ર પટેલે તરણેતર મેળામાં જણાવ્યું હતું કે દર વર્ષે ગુજરાતમાં ૧૫૦૦થી વધુ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ૪૦૦થી વધુ મેળાઓનું આયોજન થાય છે ત્યારે લોકજીવન અને ગ્રામ્ય સંસ્કૃતિમાં મેળાનું મહત્વ સમજી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ લોકમેળા, સાંસ્કૃતિક મેળાઓ સહિતના મેળાઓને પ્રોત્સાહન આપવાની નીતિ અમલમાં મૂકી હતી. મેળાઓ આપણી વૈવિધ્યસભર અને અનેક વિશેષતાઓ ધરાવતી લોકસંસ્કૃતિની પરંપરા જાળવી રાખવાનું અને સંવર્ધન કરવાનું કામ કરે છે. સરકાર મેળાઓમાં તેમનું સ્વરૂપ જાળવી રાખી આ સાથે વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે દિશામાં કાર્યરત છે.
મુખ્યમંત્રીએ તરણેતરના મેળા સ્થળે તળાવના બ્યુટીફિકેશન સહિતના પગલા લઈ તેને મુલાકાતીઓ માટે વધુ સુવિધાઓયુક્ત બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. મેળાની સમૃદ્ધ પરંપરા જાળવી રાખવા માટે યુવાનો મેળાઓ સાથે વધુ ને વધુ પ્રમાણમાં જોડાય તેવા વિઝનરી વિચાર સાથે તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૪માં ગ્રામીણ ઓલિમ્પિકની શરૂઆત કરાવી હતી. જેના કારણે યુવાનોને ગ્રામ્ય સ્તરે ખેલ પ્રતિભા દર્શાવવાની તક મળે છે અને પરંપરાગત રમતો માટે મેળાનું વિશાળ મંચ તેમને ઉપલબ્ધ થાય છે. તરણેતરના મેળામાં લંગડી, માટલા દોડ, ખાંડના લાડુ ખાવાની સ્પર્ધા, દોરડાકૂદ સહિતની પરંપરાગત રમતો ઉપરાંત દોડ, વોલીબોલ, કૂદ, કુસ્તી, કબડ્ડી જેવી રમતોના આયોજન કરાય છે.