સુરત: સુરત (Surat) શહેરમાં તલાટીઓની લાલિયાવાડી બહાર આવ્યા બાદ આ કચેરીઓમાં સૌથી વધુ વિધવા બહેનો, વિદ્યાર્થીઓ અને વૃદ્ધો આવતા હોવાથી કચેરીનો સમય નક્કી કરવાની માંગ થઈ રહી છે. વિદ્યાર્થીઓને (Student) આવકના દાખલા કે પછી નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કે પછી વિધવા બહેનોને સહાય કે વૃદ્ધોને કોઈ પણ ફોર્મ પર સહી (Signature) કરાવી હોય તો તલાટીના સહી સિક્કા ફરજિયાત કરાવવા પડે છે. આથી તલાટીની કચેરીઓમાં વધુ ભીડ રહે છે. ત્યારે ઘણી વખત તલાટીઓ ઓફિસમાં મળતા નથી કે પછી અલગ અલગ બહાનાં બતાવે છે. તો બપોર પછી મામલતદાર કચેરીએ બોલાવે છે એમ કહીને કચેરી બંધ કરીને ચાલ્યા જાય છે. જેના કારણે વિદ્યાર્થીઓ-વિધવા બહેનોને કચેરીમાં ચપ્પલ ઘસવી પડે છે.
આવી લાલિયાવાડીના કારણે શહેરભરમાંથી માંગ થઈ રહી છે કે તમામ તલાટીઓનો ઓફિસનો સમય નક્કી કરો. અને આ સમયે તલાટી હાજર રહે તેવી માંગ કરાઇ છે. સાથે જ તલાટીઓના આવવા-જવાના સમય માટે થમ્બ ઇમ્પ્રેશન કે આઈ સ્કેનર મૂકવો. જેથી સરળતા રહે. વધુમાં આવવા-જવાનો સમય નક્કી નહીં હોવાથી વિદ્યાર્થીઓ, વિધવા બહેનો કલાકોના કલાકો લાઈનમાં ઊભાં રહે છે. ઘણી વિધવા બહેનો કે વૃદ્ધો લાઇનમાં ઊભાં રહી શકતાં નથી. તો ઘણાને વારંવાર કચેરીએ આવવું પોસાઇ તેમ નહીં હોવાથી કચેરીનો સમય નક્કી કરો. તેમજ આવા અરજદાર સાથે કેવી રીતે વર્તન કરવું તેના પણ પાઠ ભણાવવા માંગ કરાઈ છે અને છેલ્લે ત્રણ કે ચાર વર્ષથી એક જ જગ્યાએ જામી પડેલા તલાટીઓની પણ બદલી કરવા માંગ ઊઠી છે.