ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી (Election) પહેલાં ભાજપ (BJP) સરકાર સામે વિવિધ આંદોલનો ચાલી રહ્યાં છે, તેના કારણે સરકારની છબીને નુકસાન થાય તેવી સંભાવના છે. આ સ્થિતિમાં આંદોલનો ત્વરિત ઉકેલાય તે માટે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલે તત્કાલ પાંચ સિનિયર મંત્રીઓની એક મહત્ત્વની કમિટી બનાવી હતી. આ કમિટીમાં સમાવિષ્ટ સિનિયર મંત્રીઓ હવે આંદોલનકારી કર્મચારીઓના મંડળો સાથે સંવાદ કરીને હડતાળો સમેટાય તેવા પ્રયાસ કરી રહ્યા છે. જો કે, કર્મચારીઓને સરકારનો લેખિત ઠરાવ બહાર પડે તેમાં રસ છે. માત્ર મૌખિક વચનોથી હડતાળ સમેટાય તેવું લાગતું નથી. હડતાળ યથાવત હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.
હજુ ગઈકાલે જ આશા વર્કરોનું આંદોન સમેટાઈ ગયું છે, તેવી જાહેરત કરાઈ છે. જો કે, અંદરખાને તેવું કાંઈ જ નથી. આશા વર્કરો સરકારન લેખિત ઠરાવની માંગ કરી રહ્યા છે. આરોગ્યકર્મીઓ, માજી સૈનિકો, GISFના જવાનો, બાળવિકાસ વિભાગના કર્મચારીઓ સહિત કેટલાય કર્મચારીઓ હજુયે હડતાળના મૂડમાં છે. સરકાર જે મૌખિક વચનો આપી રહી છે, તેના પર કર્મચારી મંડળોના અગ્રણીઓને ભરોસો નથી. તેઓ લેખિત ઠરાવ ત્વરિત બહાર પડે તીવ્ર માંગ કરી રહ્યા છે. હવે આગામી ઓક્ટોબરમાં તો ચૂંટણી જાહેર જશે એટલે તે પછી તો મૌખિક વચનોનું કોઈ મૂલ્ય જ નથી. ભાજપની નેતાગીરી તથા સરકાર દ્વારા ગુજરાતમાં વિકાસ તથા ડબલ એન્જિનવાળી સરકારના લાભોની વાત પ્રચાર દરમિયાન કરી રહ્યા છે, ત્યારે આ આંદોલનો સરકારની છબીને નુકસાન પહોંચાડે તેવી સંભાવના છે.
17000 આરોગ્યકર્મી ભથ્થાં તથા ગ્રેડની પેની માંગણી લઈને ગાંધીનગર આવ્યા હતા. માજી સૈનિકો માટે પણ સરકાર લેખિત જાહેરત કરે તીવ્ર માંગ કરાઈ છે. મહિલા બાળ વિકાસ વિભાગના કર્મચારીઓ પણ પગારના મામલે સરકાર સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે. નશાબંધી આબકારી વિભાગના કર્મચારીઓ પણ પગારના મુદ્દે ઉપવાસ આંદોલન કરનાર છે. ગુજરાત ઈન્ડ. સિક્યુરિટી ફોર્સના જવાનો પણ પગારની વિસંગગતા મામલે કેજરીવાલને રજૂઆત કરી ચૂક્યા છે. રાજ્યમાં કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગના કર્મચારીઓએ પણ પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિને હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. તેમની માંગ છે કે અમને કાયમી કરવા જોઈએ.