Columns

આપણે જે રીતે હેપ્પી દિવાલી અને હેપ્પી ન્યૂ યર કહીએ છીએ તેમ મિચ્છામિ દુક્કડં કહેવાય નહીં

ક્ષમા વીરસ્ય ભૂષણમ્. જે વીર હોય એમને જ ક્ષમા આપવાનો અધિકાર છે. કાયરની ક્ષમા એ ક્ષમા નથી પણ નિર્બળતાની નિશાની છે. ક્રોધનાં કડવાં ફળ હોય છે એમ જ્ઞાનીઓ કહે છે. જૈન ધર્મમાં સંવત્સરી પર્વ એ મહાપર્વ ગણાય છે. આરાધકો સાયંકાળે લગભગ ત્રણ કલાકનું સાંવત્સરિક પ્રતિક્રમણ કરે છે, જેમાં વર્ષભરમાં કરેલાં અનેક પાપોનું પ્રાયશ્ચિત્ત કરે છે. ભૂલોનો પસ્તાવો કરી ‘મિચ્છામિ દુક્કડં’ એ સૂત્રથી ક્ષમા માંગે છે. જ્યાં સુધી છદ્મસ્થ દશા છે ત્યાં સુધી ભૂલો અવશ્ય સંભવે છે અને જ્યાં સુધી ભૂલો સંભવે છે ત્યાં સુધી ભૂલોના પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિક્રમણની આવશ્યકતા છે. અર્થાત્ પાપદોષોથી મલિન થયેલા જીવની શુદ્ધિ માટે મહાજ્ઞાનીઓએ પ્રતિક્રમણનું અનુષ્ઠાન બતાવેલું છે. ભગવાન મહાવીર સ્વામીએ પ્રરૂપેલા ધર્મમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય તથા તપ એ મુખ્ય છે. ધર્મધ્યાન, સાધના, સેવા-પૂજા, આધ્યાત્મિક ક્રિયાકાંડો, વ્રતો-ઉપવાસ, આયંબીલ, ઉપધાન તપ, વર્ધમાન તપ, વીસ સ્થાનક ઓળી તપ વગેરેનો અર્ક તથા રસ-કસ એ આ સંવત્સરી છે.

મહાવીર સ્વામી ભગવાન સ્વયં ક્ષમાના સાગર હતા. એમના ઉપર અનેક વિઘ્નો અને ઉપસર્ગો આવ્યા છતાં તેઓ સર્વે જીવો પ્રત્યે સમતાભાવે જ રહેતા હતા. ચંડકોશિયા મહાનાગે એમને અનેક ડંખ માર્યાં છતાં તેઓ ક્ષમાવાન જ રહ્યા. તેઓ વીતરાગ અને સર્વજ્ઞા ભગવંત હતા. એમના પ્રમુખ શિષ્ય ગણધર ગૌતમ સ્વામી પ્રત્યે એમને રાગ ન હતો, જ્યારે ચંડકોશિયા મહાસાપ પ્રત્યે દ્વેષ ન હતો. સર્વ જીવ-માત્ર પ્રત્યે કરુણા અને દયાની ભાવના એ આ મહાન સંવત્સરી પર્વની સાચી શીખ છે. માનવમાત્ર દ્વારા જાણે કે અજાણે થયેલાં અપરાધ કે પાપોને ધોવાનું પર્વ પર્યુષણ છે.

મેલાં કપડાં સાબુથી સાફ થાય. અસાધ્ય રોગ હોય તો પણ દવા- ઑપરેશનથી દૂર થઈ શકે. પાપના નિવારણ માટે કોઈ દવા કે ઑપરેશન નથી. પાપના નિવારણ માટે પસ્તાવો કે પ્રાયશ્ચિત્ત સિવાય અન્ય કોઈ ઔષધ નથી. ભલભલા પાપનું નિવારણ એકમાત્ર અંતઃકરણપૂર્વક કરેલી ક્ષમાયાચના કે પ્રાયશ્ચિત્તથી થઈ શકે છે. જૈનોનો આ મહામંત્ર ફક્ત જૈનો પૂરતો સીમિત નથી. આ મંત્ર માનવમાત્ર માટે છે. મિચ્છામિ દુક્કડં મહામંત્ર ફક્ત વર્ષમાં એક જ દિવસ ઉપયોગમાં લેવા માટેનો મંત્ર નથી. માનવમાત્ર જ્યારે કોઈનો અપરાધ કે પાપ કરે ત્યારે ‘મિચ્છામિ દુક્કડં’ મહામંત્રને હૃદયમાં રાખી દિલના શુદ્ધ ભાવથી ક્ષમાયાચના કરે તો જીવનમાં થતાં અપરાધો કે પાપથી બચી શકે છે.

પર્યુષણ પર્વ આવે ત્યારે જૈનો ઉપરાંત જૈનેતરો પણ એકબીજાને મિચ્છામિ દુક્કડં કહેવાની હરીફાઈમાં ઊતરે છે. આપણે જે રીતે હેપ્પી દિવાલી અને હેપ્પી ન્યૂ યર કહીએ છીએ તેમ મિચ્છામિ દુક્કડં કહેવાય નહીં. દિલમાં સાચો ક્ષમાભાવ ધારણ કરીને જ સાચું મિચ્છામિ દુક્કડં કરવું જોઈએ. તેને જ ધર્મમાં સાચું અનુષ્ઠાન કહેવામાં આવ્યું છે. એક જમાનામાં મિચ્છામિ દુક્કડં કહેવા માટે ક્ષમાપના કાર્ડ છાપીને સગાંવહાલાંઓને મોકલી આપતા હતા. આ કાર્ડ એવાં દૂરનાં સંબંધીઓને પણ મળતાં, જેમની સાથે આખા વર્ષમાં કોઈ વ્યવહાર થયો ન હોય. થોડા સમય પહેલાં ક્ષમાપના કાર્ડનું સ્થાન મોબાઈલના માધ્યમથી થતાં મેસેજે લીધું હતું. હવે આ સ્થાન ફેસબુકે અને વ્હોટ્સ એપે લીધું છે. સોશ્યલ મીડિયામાં જે ક્ષમાપના કરવામાં આવે છે, તેનું જૈન ધર્મમાં કોઈ મૂલ્ય નથી. 

જૈન ધર્મ પ્રમાણે ક્ષમાપના ત્રણ પ્રકારે કરવાની હોય છે. પહેલી ક્ષમાપના પોતાના આત્માની સાક્ષીએ કરવાની હોય છે, જેમાં વ્યક્તિ પોતે જ પોતાના પાપો યાદ કરીને તેની ક્ષમાપના કરે છે. આ ક્ષમાપના પ્રમાણમાં સહેલી છે. બીજી ક્ષમાપના ગુરુની સાક્ષીએ કરવાની હોય છે. તેમાં ગીતાર્થ ગુરુ સમક્ષ પોતાના બધા અપરાધોને યાદ કરીને તેનું પ્રાય‌શ્ચિ‌ત્ત લેવાનું હોય છે. કોઈ આત્મા જ્યારે ગીતાર્થ ગુરુ પાસે પોતાના પાપની આલોચના કરવા જાય ત્યારે ગુરુ તેને તેના શત્રુની ક્ષમા માગવા અચૂક મોકલે છે. ગુરુના કહેવાથી તેનામાં શત્રુ પાસે જવાની અને ક્ષમા માગવાની હિંમત આવે છે. જેઓ આ પહેલા બે પ્રકારની ક્ષમાપના કરે છે, તેઓ જ ત્રીજા પ્રકારની ક્ષમાપના સહેલાઈથી કરી શકે છે.

જે વ્યક્તિ સાચી ક્ષમાપના કરવા ઈચ્છતી હોય તેણે બે યાદીઓ બનાવવી જોઈએ. પહેલી યાદીમાં એવી વ્યક્તિઓનાં નામો લખવાં જોઈએ, જેને વર્ષભરમાં ક્યારેય મળવાનું નથી થયું અથવા જેમની સાથે કોઈ મનદુ:ખ નથી થયું. આવી વ્યક્તિઓ સાથે મિચ્છામિ દુક્કડં કરવાની કોઈ જરૂર નથી. બીજી યાદીમાં એવી વ્યક્તિઓનાં નામો લખવાં જોઈએ, જેની સાથે ખરેખર મનદુ:ખ થયું હોય કે ગંભીર પ્રકારનો ઝઘડો થયો હોય, વિવાદ થયો હોય કે બોલાચાલી થઈ હોય અને દુશ્મનાવટ થઈ હોય. આ યાદીમાં જેટલાં નામો હશે તેની સાથે મિચ્છામિ દુક્કડં કરવાની મન ના પાડશે.

આ લોકો સાથે જ ખરી ક્ષમાપના જરૂરી છે. બીજી યાદીમાં જે વ્યક્તિઓનાં નામો મૂકવામાં આવ્યાં છે, તેમની સાથે ક્ષમાપના કરવાની હિંમત કોઈ વીરલા જ કેળવી શકે છે, કારણ કે તેમાં અહંકારનો ભોગ આપવાનો હોય છે. જેઓ બીજી યાદીમાં રહેલી નિકટની વ્યક્તિઓ સાથે ક્ષમાપના કરવા તૈયાર થાય તેમને પણ ઔપચારિકતા નડી શકે છે. તેઓ જેમની સાથે મનદુ:ખ થયું હોય તેમને મોબાઈલ પર મેસેજ કરીને ક્ષમાપના કરી લે છે. આવી ક્ષમાપના પણ ઈચ્છિત ફળ આપી શકતી નથી. કોઈ પણ વ્યક્તિ સાથે ક્ષમાપના ત્યારે જ થઈ શકે જ્યારે આપણે તેના દિલને દુ:ખ પહોંચાડ્યું હોય અથવા અન્યાય કર્યો હોય, તેનો ભારોભાર અફસોસ આપણા દિલમાં પેદા થયો હોય. તેમને રૂબરૂ મળવું જોઈએ અને તેમની સાથે થયેલી ભૂલની ખુલાસાપૂર્વક ક્ષમાપના કરવી જોઈએ.

ઘણાં લોકો એવી ગેરસમજ કરતાં હોય છે કે મિચ્છામિ દુક્કડં માત્ર પર્યુષણ પર્વ દરમિયાન કે સંવત્સરીના દિવસે જ કરવાનું હોય છે. સંવત્સરી દરમિયાન કરવામાં આવતું મિચ્છામિ દુક્કડં તો ક્ષમાપના કરવાની છેલ્લામાં છેલ્લી તક હોય છે. જો આખા વર્ષ દરમિયાન કરવામાં આવેલા પાપનું સંવત્સરી વખતે પણ મિચ્છામિ દુક્કડં ન કરવામાં આવે તો તે પાપ વજ્રલેપ જેવું બની જાય છે. સૌથી શ્રેષ્ઠ મિચ્છામિ દુક્કડં તો પાપ કે ભૂલ થાય ત્યારે જ કરી લેવાનું હોય છે. ત્યારે ન થાય તો દિવસના કે રાતના અંતે કરવાનું હોય છે. છેવટે પખવાડિયામાં, ચોમાસામાં કે વર્ષમાં એક વાર કરવાનું હોય છે.

આ દુનિયામાં ઘણાં એવાં સ્વજનો, સંબંધીઓ અને મિત્રો પણ હશે, જેમનો તમે કોઈ અપરાધ નહીં કર્યો હોય, પણ તેમણે તમારો અપરાધ કર્યો હશે. કોઈએ તમારી સાથે દગો કર્યો હશે કે કોઈએ વિશ્વાસઘાત કર્યો હશે. કોઈએ તમારી સંપત્તિ પચાવી પાડી હશે કે કોઈએ તમને સમાજમાં ખોટી રીતે બદનામ કર્યા હશે. તેઓ અજાણ્યા લોકો સાથે ક્ષમાપના કરવા જશે, પણ તમારી સાથે ક્ષમાપના કરશે નહીં. કદાચ કરે તો પણ હૃદયના ઊંડાણથી નહીં કરે, પણ ઔપચારિકતા પૂરતી કરશે. આવી દંભી ક્ષમાપના કર્યા પછી પણ તેઓ તમારી સાથે અપરાધો કરવાનું ચાલુ જ રાખશે.

આ વ્યક્તિ તમારો ભાઈ હોઈ શકે, ભાગીદાર હોઈ શકે કે મિત્ર પણ હોઈ શકે. તેની સાથે કેવી રીતે ક્ષમાપના કરવી? જો તે વ્યક્તિ સાચી ક્ષમાપના નહીં કરે તો તે પોતાના આત્માને દુર્ગતિમાં લઈ જશે પણ જો તમારે તમારા આત્માનું કલ્યાણ કરવું હોય તો તેને અંત:કરણપૂર્વક માફ કરી દેવો જોઈએ. આ રીતે માફી આપ્યા પછી તમે તેની સાથેનો સંબંધ કાપી નાખો તો ચાલશે, પણ દિલમાં તેના પ્રત્યે રોષ સાથે જીવશો તો નહીં ચાલે. આ રોષ તે વ્યક્તિને નહીં પણ તમારા આત્માને જ નુકસાન કરશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top