વડોદરા : લાલબાગ રેલ્વે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા એક રૂમમાં ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓને રહેવા માટે મજબૂર કરતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા.વિદ્યાર્થીઓએ ફ્લોર પર બેસી જઈ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.તેમજ જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ વિદ્યાર્થીઓએ ઉચ્ચારી હતી. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી રેલવે યુનિવર્સિટીમાં આવેલી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.રેલવે યુનિવર્સિટીની એચએસઆરટીઆઈ હોસ્ટેલમાં એક રૂમમાં બે વિદ્યાર્થીઓની વ્યવસ્થા હોવા છતાંય યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા એક રૂમમાં ત્રણ ત્રણ વિદ્યાર્થીઓ ને રહેવા માટે મજબૂર કરતા આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એ ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
દેશની સર્વપ્રથમ રેલવે યુનિવર્સિટી વડોદરામાં સ્થાપવામાં આવી છે.જ્યાં રેલવેને લગતા વિવિધ અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે.અહીં દેશભરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવ્યા છે અને યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલી હોસ્ટેલમાં તેઓ રહીને અભ્યાસ કરે છે.હોસ્ટેલમાં એક રૂમમાં હાલ સુધી 2 વિદ્યાર્થીઓ રહેતા હતા.ત્યાં બે વિદ્યાર્થીઓ રહી શકે એટલી જ વ્યવસ્થા ધરાવતી રૂમમાં હવે યુનિવર્સિટી સત્તાધીશો ત્રણ વિદ્યાર્થીઓને રહેવા માટે મજબૂર કરી રહ્યા છે.ત્યારે આ મામલે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી સત્તાધીશોને રજુઆત કરતા તેઓ પાસે રજુઆત કરવાનો અધિકાર નથી તેઓ ઉદ્ધત જવાબ મળતા વિદ્યાર્થીઓએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યુ હોવાના આક્ષેપ વિદ્યાર્થીઓએ કર્યા હતા.સાથે રેલવે યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ભેગા થઈને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.