Gujarat

વડોદરામાં ગણેશ યાત્રા દરમિયાન પત્થરમારો થતાં ધાર્મિક સ્થળનો કાચ તૂટી ગયો

વડોદરા (Vadodara) : કોરોના (Corona) મહામારીના લીધે બે વર્ષ સુધી ઉત્સવોની (Festivals) ઉજવણી વિના વિતાવનાર ભક્તો (Devotees) આ વર્ષે ખૂબ જ ધામધૂમપૂર્વક ગણેશોત્સવ (Ganeshtosav) ઉજવવા થનગની રહ્યાં છે. આખાય રાજ્યમાં ખૂબ જોરશોરથી ગણેશ સ્થાપન થઈ રહ્યાં છે. સરકાર દ્વારા સંપૂર્ણ છૂટ આપી દેવાતા લાખોના ખર્ચે મોટા મોટા આયોજનો થઈ રહ્યાં છે, ત્યારે વડોદરામાં સોમવારની રાત્રે રંગમાં ભંગ સમાન ઘટના બની હતી. વડોદરામાં સોમવારે મોડી રાત્રે એક ભક્ત મંડળ દ્વારા ગણેશજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. વાત એટલી વણસી હતી કે સામસામે પત્થરમારો થયો હતો. સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસ દોડી ગઈ હતી. અધિકારીઓએ કહ્યું કે, મોડી રાત્રે થયેલી આ અથડામણમાં 13 લોકોની અટકાયત કરાઈ છે.

  • વડોદરાના પાણીગેટ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ
  • ભેગા થવા મુદ્દે બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પત્થરમારો
  • મસ્જિદનો કાચ તૂટી જતા ધાર્મિક લાગણી દુભાઈ
  • પોલીસ કાફલાએ ઘટનાસ્થળે ધસી જઈ સ્થિતિ કાબુમાં લીધી
  • 13 તોફાની તત્વોની અટકાયત, સીસીટીવીથી બીજાની શોધ જારી

વડોદરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ભેગા થવાના મામલે બે જૂથ વચ્ચે સોમવારે મોડી રાત્રે અથડામણ થઈ હતી. પોલીસે બંને સમુદાયના લોકો સામે રમખાણ, ગેરકાયદે રીતે ભેગા થવાના ગુના દાખલ કર્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આઈપીસી કલમ 143, 147, 336, 295 સહિતની કલમો લગાડવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલા પાણીગેટ દરવાજા પાસેથી રાત્રે લગભગ 11.15 કલાકે શોભાયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે અચાનક કોઈક મુદ્દે બે સમુદાયના લોકોમાં બોલાચાલી થઈ હતી અને બંને પક્ષો વચ્ચે પત્થરમારો શરૂ થઈ ગયો હતો. આ દરમિયાન એક મસ્જિદના મુખ્ય દ્વાર પર લાગેલો કાચ પત્થર લાગવાના લીધે તૂટી ગયો હતો. તેથી એક સમુદાયની ધાર્મિક લાગણી દુભાય હતી. વાત વણસે તે પહેલાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થિતિને કાબુમાં લીધી હતી.
પોલીસ અધિકારીઓએ કહ્યું કે, આ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ કર્મચારીઓની સંખ્યા વધારી દેવાઈ છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પેટ્રોલિંગ વધારી દેવાયું છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. સીસીટીવીના આધારે પોલીસે તોફાનીઓને શોધવાની ક્વાયત શરૂ કરી દીધી છે.

Most Popular

To Top