મુંબઈ: અભિનેતા અને ફિલ્મ સમીક્ષક કમલ આર ખાન (KRK) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. મલાડ (Malad) પોલીસે કેઆરકેની ધરપકડ (Arrest) કરી છે. વિવાદોમાં રહેલા કેઆરકે વિરુદ્ધ મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે તેને કસ્ટડીમાં લઈ લીધો છે.
KRKની શા માટે ધરપકડ કરવામાં આવી?
કમાલ આર ખાન પોતાના એક ટ્વીટના કારણે મુશ્કેલીમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેઆરકે વિરૂદ્ધ કાર્યવાહી એક વિવાદાસ્પદ ટ્વીટના કારણે કરવામાં આવી છે. મલાડ પોલીસે કમાલ આર ખાનને એરપોર્ટ પરથી અટકાયતમાં લીધો હતો અને પૂછપરછ બાદ તેની ધરપકડ કરી હતી. કમાલ આર ખાનની વર્ષ 2020માં નોંધાયેલા કેસમાં મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. KRK પર સોશિયલ મીડિયા પર ધર્મ વિશે વિવાદાસ્પદ ટ્વીટ કરવાનો આરોપ છે. KRK વિરુદ્ધ ફરિયાદ યુવા સેનાના સભ્ય રાહુલ કનાલે કરી હતી. તેને આજે બોરીવલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
રાહુલ કનાલે કહ્યું- મારી ફરિયાદ પર આજે કમાલ આર ખાનની ધરપકડ કરવામાં આવી છે. હું મુંબઈ પોલીસની આ કાર્યવાહીનું સ્વાગત કરું છું. કમાલ ખાન સોશિયલ મીડિયા પર અપમાનજનક ટિપ્પણી કરે છે અને અપમાનજનક ભાષાનો પણ ઉપયોગ કરે છે. આ પ્રકારનું વર્તન સમાજમાં સ્વીકારી શકાય નહીં. તેની ધરપકડ કરીને મુંબઈ પોલીસે આવા લોકોને કડક સંદેશ આપ્યો છે.
કેઆરકે વિવાદાસ્પદ ટ્વીટ માટે જાણીતો છે
આ પહેલીવાર નથી કે જ્યારે કમાલ આર ખાન પોતાની કોઈ ટ્વીટને કારણે મુશ્કેલીમાં મુકાયો હોય. તે અવારનવાર પોતાના વિવાદાસ્પદ ટ્વીટને કારણે ચર્ચામાં રહે છે. કમાલ આર ખાન બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સને ટાર્ગેટ બનાવતા રહે છે. તેણે પોતાના ટ્વિટમાં સલમાન ખાનથી લઈને શાહરૂખ ખાન સુધીના બોલિવૂડ સુપરસ્ટાર્સ વિશે ખરાબ વાત કરી છે.
કેઆરકે આ પહેલા પણ કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ચૂક્યો છે
તમને જણાવી દઈએ કે કેઆરકે ભૂતકાળમાં પોતાના ટ્વીટને લઈને માનહાનિની કાનૂની લડાઈમાં ફસાઈ ચૂક્યો છે. બોલિવૂડના દબંગ અભિનેતા સલમાન ખાને તેની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ખરેખર, કેઆરકેએ સલમાનની ફિલ્મ રાધેનો નેગેટિવ રિવ્યુ કર્યો હતો અને સાથે જ તેણે સલમાન પર પર્સનલ એટેક પણ કર્યો હતો. આ કારણસર સલમાને કેઆરકે સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. સલમાન સિવાય અભિનેતા મનોજ બાજપેયીએ પણ અપમાનજનક ટ્વીટને કારણે KRK વિરુદ્ધ કાર્યવાહી કરી છે. કમાલ આર ખાને ઘણી હિન્દી અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ફિલ્મોનું નિર્માણ પણ કરે છે. કેઆરકેએ વર્ષ 2005માં ‘સિતમ’થી નિર્માતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેણે ઓછા બજેટની ઘણી ભોજપુરી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું.