Editorial

કાશ્મીરમાં આતંકવાદી ફરી 1989 જેવી સ્થિતિ ઊભી કરે તે પહેલા જ ડામી દેવા જોઈએ

ઓક્ટોબર 2021માં કલમ 370માં સુધારા પછી આતંકીઓ દ્વારા બનાવાયેલી રણનીતિ પર હવે ખીણમાં દહેશત ફેલાવવાનું શરૂ થયું છે. મોદી સરકાર સામે આ એક અનડિકલેર્ડ યુદ્ધ છે. મંદિર-મસ્જિદના વિવાદોને કોરાણે મૂકી સરકાર માટે ઘાટીમાં ઊભી થઈ રહેલી દહેશતને ડામવી એ પ્રાથમિકતા હોવી જોઈએ. કેન્દ્ર કાશ્મીરી પંડિતો અને હિંદુઓને કાશ્મીર ખીણમાંથી જમ્મુ ખસેડવાની તરફેણમાં નથી, જો એવું થશે તો એ 1990ના દાયકાની પરિસ્થિતિનું પુનરાવર્તન હશે. આતંકવાદી જૂથોએ વ્યૂહરચના બદલી છે! આજે કાશ્મીરમાં ફરી 1989-90ના એ વર્ષોની બર્બરતાપૂર્ણ ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે, પણ બધા ચૂપ છે! કાશ્મીરમાં ફરી એક વખત ચૂની ચૂનીને હિંદુઓને આતંકીઓ નિશાન બનાવી રહ્યાં છે! ફરીથી કાશ્મીરી પંડિતો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે.

છેલ્લા 22 દિવસમાં આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલિંગમાં નવ નાગરિકોના મોત થયા છે, જેમાં એક કાશ્મીરી પંડિત કર્મચારી, જમ્મુના એક હિંદુ સ્કૂલ ટીચર અને રાજસ્થાનના એક બેંક મેનેજરનો પણ સમાવેશ થાય છે. આનાથી ખીણમાં લઘુમતી સમુદાયોમાં વિરોધની લહેર ફરી વળી છે. 12 મેએ એક બેંક કર્મચારી રાહુલ ભટને તેમની ઓફિસમાં જ નિશાન બનવાયા ત્યારથી વિરોધનો શોર ઊઠ્યો છે.

ખાસ પેકેજ હેઠળ ભરતી કરાયેલાં 4,000થી વધુ પંડિત કર્મચારીઓ 1990ના દાયકાની જેમ અન્ય સ્થળાંતરની માગણી કરી રહ્યાં છે. અલબત્ત, જો આ હિન્દુ પંડિતોને અન્ય બદલી કરવામાં નહીં આવે તો સામૂહિક હિજરત અને રાજીનામા પર વિચાર કરી રહ્યાં છે! અત્યારે માહોલ ધીમે ધીમે ફરી બગડી રહ્યો છે. સ્થાનિકો સરકાર પાસે જલ્દી કડક પગલાં ભરવાની માગણી કરી રહ્યાં છે. આંચકાજનક દ્રશ્યો તો સામે એવાં આવ્યાં છે કે, અહીંના કાશ્મીરી પંડિતો અને કાશ્મીરી મુસ્લિમો, મતલબ કે કાશ્મીરના લોકો એક અવાજે આતંકીઓ દ્વારા અંજામ અપાતી આ વારદાતોનો સખત વિરોધ કરી રહ્યાં છે. અને આપણે એક ફિલ્મને લઈને આમનેસામને હતા!

આજે કાશ્મીરમાં 4,000થી વધુ સરકારી કર્મચારીઓ છે. તેઓ સતત વિરોધ કરી રહ્યાં છે અને સુરક્ષિત સ્થાનો પર પોસ્ટિંગની માગ કરી રહ્યાં છે. રાજ્યપાલ મનોજ સિંઘાએ હિંદુ કર્મચારીઓને સુરક્ષિત વિસ્તારોમાં તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. આ બધું હોવા છતાં ગુરુવારે સાંજે ફરીથી બડગામમાં બિહારના એક મજૂરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અત્યારે પરિસ્થિતિ એવી છે કે, પીએમ પેકેજ હેઠળ કામ કરતાં કાશ્મીરી પંડિત શરણાર્થીઓના એક ફોરમે કોન્ટ્રેક્ટ પર રાખેલાં કામદારોને ખીણ છોડીને જમ્મુમાં વિરોધ કરવા કહ્યું છે. કેન્દ્રએ પીએમ પેકેજ હેઠળ કર્મચારીઓ માટે ખીણમાં 6,000 ટ્રાન્ઝિટ કેમ્પ સ્થાપવાની જાહેરાત કરી હતી, ત્યારે હજુ સુધી માત્ર 15 ટકા કામ પૂર્ણ થયું છે. પીએમ પેકેજ હેઠળ શરણાર્થીઓ માટે જાહેર કરાયેલી 6,000 નોકરીઓમાંથી લગભગ 5,928 ભરાઈ ગઈ છે. મીડિયાના એક અહેવાલ અનુસાર, તેમાંથી 1,037થી વધુ સુરક્ષિત વિસ્તારોમાં નથી રહેતા.

અહેવાલો અનુસાર, ઓગસ્ટ 2019થી માર્ચ 2022 સુધી 14 કાશ્મીરી પંડિત, હિંદુ અને બિન-કાશ્મીરી કામદારોને ઉગ્રવાદીઓએ ગોળી મારી હતી. ઓગસ્ટ 2019માં રાજ્યનો વિશેષ દરજ્જો નાબૂદ કરવામાં આવ્યા બાદ આ ઉગ્રવાદી હુમલા વધુ તીવ્ર બન્યા છે. 1990ના દાયકામાં રાજ્યમાં સશસ્ત્ર ચળવળ શરૂ થયાં પછી ઘાટીમાં રહેતાં ઘણાં કાશ્મીરી પંડિતોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. તે પછી તેઓ ભારતના વિવિધ ભાગોમાં સ્થાયી થયાં હતાં. હાલમાં કાશ્મીરમાં લગભગ 9 હજાર કાશ્મીરી પંડિતો રહે છે. આમાં એવાં લોકોનો પણ સમાવેશ થાય છે, જેમણે ક્યારેય કાશ્મીર છોડ્યું ન હતું. રાહુલ ભટ્ની હત્યા બાદ કાશ્મીરના રાજકીય પક્ષોએ સવાલ ઊઠાવ્યો છે કે ભારત સરકારના મતે કાશ્મીરમાં બધું જ સામાન્ય છે તો પછી આ હત્યાઓ કેમ થઈ રહી છે?

જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ સરકારને સવાલ કર્યો છે કે, શા માટે સરકારે દાવો કર્યો હતો કે કલમ 370ના કારણે કાશ્મીરમાં સ્થિતિ સારી નથી, તો હવે કેમ તેને દૂર કર્યા પછી પણ કાશ્મીરમાં રહેતાં પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે? સરકાર કહે છે કે કાશ્મીરમાં બધુ બરાબર છે. જો બધું બરાબર છે તો આ બધું શું થઈ રહ્યું છે? કલમ 370 હટાવીને કાશ્મીરમાં સ્થિતિ સુધારી હોવાનો સરકારનો દાવો ખોટો સાબિત થયો છે.

એ જમાનાની વાત કરીએ તો, ભારતની આઝાદીના 30 વર્ષ પછી જમ્મુ અને કાશ્મીરમાં લોકશાહીનું સ્વરૂપ જોવા મળ્યું હતું. 1977 પહેલાં પણ ચૂંટણીઓ યોજાઈ હતી, પરંતુ તે પછી કોંગ્રેસ પર ગોટાળાનો આરોપ લાગ્યો હતો. 1977ની ચૂંટણીમાં પ્રથમ વખત શેખ મોહમ્મદ અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સે કોંગ્રેસનો સફાયો કર્યો હતો. સપ્ટેમ્બર 1982માં શેખનું અવસાન થયું અને તેમનાં પુત્ર ફારૂક અબ્દુલ્લાએ 1983ની વિધાનસભા ચૂંટણીમાં જંગી વિજય મેળવ્યો, પરંતુ 1984માં કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સના 12 ધારાસભ્યોનાં પક્ષપલટાની મદદથી ફારુકની જગ્યાએ ગુલામ મોહમ્મદ શાહને મુખ્યમંત્રી બનાવ્યાં હતાં. ઈન્દિરા ગાંધીનાં અવસાનને કારણે કોંગ્રેસ સમર્થિત સરકાર લાંબો સમય ટકી ન હોવા છતાં ગુલામ મોહમ્મદ શાહે જમ્મુમાં સિવિલ સચિવાલયના પરિસરમાં એક મસ્જિદ બંધાવી, જેનાંથી વિવાદ થયો. ટૂંક સમયમાં જ બાબરી મસ્જિદમાં પૂજા કરવાની પરવાનગી પણ આપવામાં આવી હતી, જેનાં કારણે રાજ્યોમાં કોમી રમખાણો થયાં હતાં.

તે સમયે હિંદુ મંદિરો પર હુમલા થયા હતા. ઘાટીમાં અલગતાવાદીઓને મુફ્તીનું મૌન સમર્થન મળી રહ્યું હતું. 2 ડિસેમ્બર 1989ના રોજ મુફ્તી કેન્દ્રમાં વીપી સિંહની સરકારમાં ગૃહ પ્રધાન બન્યાં. સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે જેકેએલએફના આતંકવાદીઓએ મુફ્તીની પુત્રી રુબૈયાનું અપહરણ કર્યું અને બદલામાં પાંચ ટોચના કમાન્ડરોને મુક્ત કરાવ્યાં હતા.

એ પછી મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કેન્દ્રના દબાણને વશ થઈને આતંકવાદીઓને છોડાવવાના પરિણામોની જવાબદારી કેન્દ્ર પર નાખી હતી. તે સાંજે આતંકવાદીઓની મુક્તિએ ખીણના માહોલને ઉત્તેજના અને ભારત સામે વિજયની ભાવનામાં ફેરવી નાખ્યો હતો. શ્રીનગર અને અન્ય શહેરોમાં આનંદની ઉજવણી શરૂ થઈ હતી

1 ઓગસ્ટ, 1988ના રોજ આતંકવાદીઓએ સેન્ટ્રલ ટેલિગ્રાફ ઓફિસ અને શ્રીનગર ક્લબને પ્રથમ નિશાન બનાવ્યું હતું. આ પછી કાશ્મીરમાં છૂટાછવાયા બનાવો બનતાં રહ્યાં હતાં. આજના જેવો માહોલ 1 નવેમ્બર 1989ના રોજથી શરૂ થયો હતો. તે દિવસે હબ્બકાદલ પુલ પર સ્થાનિક પંડિત મહિલા શીલા ટીકુની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અને એ પછી આ સિલસિલા થમ્યો નોહતો.

31 માર્ચ, 1992ના રોજ સોહન લાલ બ્રરુ, તેમની પત્ની બિમલા અને પુત્રી અર્ચનાની નિર્દય હત્યાના વિરોધમાં સ્થાનિક મુસ્લિમોના 5,000 લોકોનું વિશાળ પ્રદર્શન રસ્તા પર ઊતરી આવ્યું હતું. આ બધાએ કાશ્મીરી પંડિતોની મુશ્કેલીઓમાં વધારો કર્યો હતો. તેઓને સતત ધમકીઓ અને ‘ડેથ વોરંટ’ મળવા લાગ્યાં હતાં.

Most Popular

To Top