ગાંધીનગર: આજે બપોરે અમદાવાદ (Ahmedabad) આવી પહોંચેલા પીએમ (PM) નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકારના ગુજસેલ ખાતે દોઢ કલાક સુધી બેઠકોનો દોર યોજ્યો હતો. જેમાં પીએમ મોદીએ ખાસ કરીને સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલ તથા મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન (લોકપ્રિય રીતે કે.કે. તરીકે જાણીતા) સાથે મહત્વ પૂર્વ બેઠક યોજી હતી. અમદાવાદના એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ, માર્ગ મકાન મંત્રી જગદીશ પંચાલ તથા મહેસુલ – ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને સિનિયર અધિકારીઓ હાજર રહ્યા હતા.
સ્વાગત બાદ પીએમ મોદીએ ગુજસેલ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા ગુજરાત સરકારમાં સૌથી વધુ શક્તિશાળી અધિકારી કે કૈલાશનાથન સાથે બંધ બારણે મહત્વની બેઠક યોજી હતી. જેમાં સિનિયર પોલીસ અધિકારીઓની ચૂંટણી પહેલાની આંતરીક બદલીઓ, ગાંધી આશ્રમ રિ-ડેવલોપમેન્ટ પ્રોજેકટ, વહીવટીતંત્રમાં ફેરફાર સહિતના મહત્વના મુદ્દાઓ ચર્ચાયા હોવાનું મનાય છે. ખાસ કરીને રાજ્યના વહીવટીતંત્રમાં ધરખમ ફેરફાર આવી શકે છે તેવા સંકેત મળી રહ્યા છે. પીએમ મોદીએ રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર, પોલીસ વડા આશિષ ભાટિયા, સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેવી જ રીતે પીએમ મોદીએ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ સાથે પણ મહત્વની બેઠક યોજી હતી.
મોદીએ 7500 ખાદી કારીગરો સાથે રેંટિયો કાત્યો
એરપોર્ટથી પીએમ મોદી સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ખાદી મહોત્સવમાં પહોંચ્યા હતા. અહીં તેમણે 7500 ખાદી કારીગરો સાથે રેંટિયો કાંત્યો હતો. પીએમ મોદીએ વધુમાં 94 વર્ષ જુનો રેંટિયો પણ કાંત્યો હતો.
બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચેલા પીએમ મોદી આવતીકાલે ભૂજની મુલાકાતે જશે એટલું જ નહીં અહીં નિર્માણ કરાયેલા ‘સ્મૃતિ વન મેમોરિયલ’ની મુલાકાત લઈ તેનું ઉદઘાટન કરશે. આ મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદી સવારે ૧૧:૩૦ કલાકે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા-KSKV યુનિવર્સિટી ગ્રાઉન્ડ, ભુજ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જનસંબોધન કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદી બપોરે ૧૨.૦૦ કલાકે ભુજથી વિવિધ વિકાસ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત તેમજ તૈયાર પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કરીને ગાંધીનગર પરત આવશે. ત્યાર બાદ પ્રધાનમંત્રી મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે સાંજે ૫.૦૦ કલાકે યોજાનાર ‘ભારતમાં સુઝુકીના ૪૦ વર્ષ’ સ્મૃતિ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપશે અને સાંજે ૬.૪૦ કલાકે દિલ્હી જવા રવાના થશે.
વિશ્વમાં ભારતની ખાદીનો ડંકો વાગશે : મોદી
પીએમ મોદીએ કહ્યું હતું કે ખાદી ફોર નેશન, ખાદી ફોન ફેશન સાથે ખાદી ફોર ટ્રાન્સફોર્મેશનનો સંકલ્પ જોડ્યો છે. લોકોને ખાદીની પ્રોડક્ટ ખરીદવા પ્રોત્સાહિત કર્યા છે. ભારતના ટોપ ફેશન બ્રાન્ડ ખાદી સાથે જોડાઇ રહ્યાં છે. ભારતમાં ખાદીનું રેકોર્ડ ઉત્પાદન થઇ રહ્યું છે. 8 વર્ષમાં ખાદીના વેચાણમાં 4 ઘણો વધારો થયો છે. ટર્ન ઓવર 1 લાખ કરોડથી વધી ગયું છે. ખાદીનું વેચાણ વધવાનો લાભ લોકોનો થયો છે. ખાદીનું વેચાણ વધાતા ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓને પણ લાભ થયો એટલું જ નહીં ખાદીના વેચાણથી મહિલા સશક્તિકરણ થયું છે. વિશ્વમાં ભારતની ખાદીનો ડંકો વાગશે, એટલું જ નહીં વિશ્વના માર્કેટમાં ખાદીની માંગ વધશે. ખાદીને લોકલથી ગ્લોબલ થતા કોઇ શક્તિ નહી રોકી શકે તે વાત હવે નિશ્વિત બની છે. આપણે પ્રસંગોમાં પણ લોકોને ગીફ્ટમાં ખાદી આપીએ. આપણે આપણી વિરાસત પર ગર્વ કરીશુ તો વિશ્વ તેનું પણ સન્માન કરશે. આજે ભારતના રમકડા ઇન્ડસ્ટ્રીઝને નવું જીવન મળ્યું છે. ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલ રમકડા બને છે, વિદેશની રમકડાઓને કારણે ઇન્ડસ્ટ્રીઝ પડી ભાંગી હતી, જો કે હવે સરકારના પ્રયાસથી પરિસ્થિત બદલાઇ છે. આજે વિશ્વમાં ભારતીય રમકડાઓની માગ વધી છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે ચરખો કાંતવો એપણ એક સાધના છે. મહાત્મા ગાંધીજીના મૂલ્યોને આગળ વધારવાનો ન્દ્ર સરકાર સતત પ્રયાસ કરી રહી છે.
ખાદીને ફરીથી જીવનદાન આપવાનું કામ ગુજરાતે કર્યું છે
મોદીએ વધુમાં કહ્યું હતુ કે આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન પૂર્ણ થઇ રહ્યું છે. 15 ઓગસ્ટે મે પંચ પ્રાણોની વાત કરી હતી, આજે સાબરમતીના તટે પંચ પ્રાણોને ફરીથી યાદ કરૂ છું. ગુલામીના માનસિકતાથી સંપૂર્ણપણે ત્યાગ, વિરાસત પર ગર્વ, રાષ્ટ્રની એક્તા વધારવા પૂરજોશ પ્રયાસ, દરેક નાગરિકનું કર્તવ્ય. એમ આજનો ખાદી ઉત્સવ પંચ પ્રાણોનો સંકલ્પ છે. આઝાદી બાદ ખાદીને હિન ભાવનાથી જોવામાં આવતી હતી. ખાદી સાથે જોડાયેલો ગ્રામોદ્યોગ તબાહ થઇ ગયો હતો. જો કે ગુજરાતનો ખાદી સાથે એક અનોખો સંબંધ છે. ખાદીને ફરીથી જીવનદાન આપવાનું કામ ગુજરાતે કર્યું છે. 2003માં ખાદીની સ્થિતિ સુધારવા ખાદી ફોર નેશનનો સંકલ્પ લીધો હતો. ગુજરાતમાં ખાદીના પ્રમોશન માટે અનેક ફેશન શો કરાયા. જાણિતી હસ્તીઓને જોડવામાં આવી ત્યારે લોકો અમારો મજાક કરતા હતા. ખાદીની ઉપેક્ષા ગુજરાતને સ્વીકાર નહતી. છેવટે ગુજરાતે ખાદીને જીવનદાન આપ્યું છે. 2014માં દિલ્હી જવાનો આદેશ થયો ત્યારે ગુજરાતના અનુભવનો મેં ઉપયોગ કરીને ખાદીનો વિસ્તાર કર્યો છે.
1920ના દાયકાથી ઉપયોગમાં લેવાતી વિવિધ પેઢીઓના 22 ચરખાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલી 7500 ખાદી કારીગર મહિલાઓએ એક જ સમયે અને એક જ જગ્યાએ ચરખા કાંતતા ‘ખાદી ઉત્સવ’માં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં એક પ્રદર્શન પણ જોવા મળ્યું હતું, જેમાં 1920ના દાયકાથી ઉપયોગમાં લેવાતી વિવિધ પેઢીઓના 22 ચરખાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે આજની ટેકનોલોજી અને નવીનતા પર આધારિત છે, આ દરમિયાન પાંડુરુ ખાદીના ઉત્પાદનનું ‘લાઈવ’ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. આમાં ‘યરવડા ચરખા’ જેવા ચરખાનો સમાવેશ થાય છે, જે સ્વાતંત્રતા સંગ્રામ દરમિયાન ઉપયોગમાં લેવાતા ચરખાનું પ્રતીક છે.