SURAT

ઇંગ્લેન્ડ ખાતે રહેતા દંપતીને પોતાનાં માતા-પિતા બતાવી તેમના 8 પ્લોટ બીજાને વેચી મરાયા

સુરત: શહેરમાં પાલી ગામમાં આવેલા આઠ પ્લોટના માલિક દંપતી વર્ષોથી ઇંગ્લેન્ડમાં (England) રહે છે. બે વકીલોએ એક સ્ટેમ્પ વેન્ડર (Stamp vendor) સાથે મળી દંપતીના બોગસ પુત્રના નામે બતાવી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી વેચાણ કરી છેતરપિંડી કરવામાં આવી હતી. ઇકો સેલ દ્વારા ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધી બે વકીલ અને એક સ્ટેમ્પ વેન્ડરની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી. ઘનશ્યામ સોનાણી દ્વારા ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં જણાવ્યા મુજબ સચિન જી.આઇ.ડી.સી.ના પાલી ગામ ખાતે આવેલા બ્લોક નં.41ના પ્લોટ નં-313થી 320 સુધીના એમ કુલ આઠ પ્લોટના માલિકો માણેકલાલ ભગવાનદાસ ચૌહાણ, તેમનાં પત્ની ચન્દ્રકલા ચૌહાણ, જગદીશ બેચર રાજપૂતે વર્ષ-1998ના વર્ષથી ઇંગ્લેન્ડ ખાતે રહે છે.

તેમના આ પ્લોટો જે ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટીના કારણે તે જમીનના અસલ દસ્તાવેજો બહુમાળી ખાતે સબ રજિસ્ટાર કચેરીમાં જમા છે. આ અંગેની માહિતી આરોપીઓએ કોઇક રીતે મેળવી લીધી હતી. તે અસલ દસ્તાવેજો સબ રજિસ્ટારની કચેરીમાંથી છોડાવી લીધા હતા. ત્યારબાદ દસ્તાવેજોમાં જણાવેલા અસલ માલિકોનાં નામ સાથે મળતા આવતાં બીજા અન્ય વ્યક્તિઓ સાથે મળી કાવતરું રચ્યું હતું, જેમાં હિતેશ માણેકલાલ ચૌહાણના નામનો ખોટો વ્યક્તિ ઊભો કરાયો હતો. તેણે માણેકલાલ ભગવાનદાસ ચૌહાણ, ચન્દ્રકલાબેન પોતાનાં સગાં માતા-પિતા થતા હોવાનું અને તેઓએ પાવર આપેલો હોવાનું જણાવ્યું હતું.

ખોટા પાવરો વર્ષ-2006માં ઊભા કરી તે પાવરોનો આધાર લઇ સબ રજિસ્ટ્રાર રૂબરૂ પોતે જ માલિક હોવાનું જણાવ્યું હતું. અને તેના દસ્તાવેજ બનાવી આપ્યા હતા. ત્યારબાદ જગદીશ બેચર રાજપૂત નામનો ખોટો વ્યક્તિ પણ ઊભો કરાયો હતો. પાલી ગામના આ પ્લોટ પોતાની માલિકીના હોવાનું જણાવ્યું હતું. ખોટી રીતે સબ રજિસ્ટારમાં રૂબરૂ પોતે માલિક હોવાનું જણાવી તેના વેચાણ દસ્તાવેજ વર્ષ-2016માં બનાવી આઠેય પ્લોટના વેચાણ દસ્તાવેજ કરી આપ્યા હતા. અને તેના રૂપિયા બે વકીલ અને એક સ્ટેમ્પ વેન્ડરે મેળવી છેતરપિંડી કરી હતી. ઇકો સેલ દ્વારા ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ રીતે બંને વકીલોએ સ્ટેમ્પ વેન્ડર સાથે મળી કાવતરું રચ્યું હતું
મુકેશ રામગોન્ડેએ ઇંગ્લેન્ડ ખાતે વર્ષોથી સ્થાયી થઇ ગયેલા જમીન માલિકોના અસલ દસ્તાવેજો ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટીના કારણે સબ રજિસ્ટાર ઓફિસમાં જમા હતા તે અસલ દસ્તાવેજો ખોટી રીતે છોડાવ્યા હતા. અને બાદમાં આરોપીઓ સાથે મળી ખોટા વ્યક્તિઓ ઊભા કરી પ્લોટ વેચાણ કરાવ્યા હતા. બાદમાં સ્ટેમ્પ વેન્ડર અશોકકુમાર પોતાના મળતાં સ્ટેમ્પનો દૂર ઉપયોગ કરી વર્ષ-2015-16ના વર્ષના સ્ટેમ્પ પેપર હોવાનું પોતે જાણતા હોવા છતાં તે સ્ટેમ્પ પેપર ઉપર વર્ષ-2006નું વર્ષ લખી જૂના વર્ષનું સ્ટેમ્પ બનાવી ખોટી રીતે આપ્યું હતું. બાદ વકીલ ચેતનભાઈ સાથે મળી વર્ષ 2015-16ના વર્ષનો સ્ટેમ્પ હોવાનું તે જાણતા હોવા છતાં 2006ના વર્ષનો ઇંગ્લેન્ડ ખાતે સ્થાયી થઇ ગયેલા પ્લોટ માલિકના પાવર ઓફ એટર્નીનાં લખાણ ઊભાં કર્યાં હતાં. અને તે આધારે વેચાણ દસ્તાવેજો ઊભા કર્યા હતા.

Most Popular

To Top