એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટનો શનિવારથી આંરભ થઇ રહ્યો છે. આમ તો 4 ટીમો વચ્ચે 20 ઓગસ્ટથી જ ક્વોલિફાયર મેચની સાથે તેની શરૂઆત થઇ ચુકી છે એવું કહી શકાય, પણ મુખ્ય રાઉન્ડની મેચ 27 ઓગસ્ટના શનિવારથી શરૂ થઇ રહી છે અને તેની ફાઇનલ 11 સપ્ટેમ્બરે રમાવાની છે. જો કે ક્રિકેટ ચાહકોની નજર 28 ઓગસ્ટના રવિવારે રમાનારી મેચ પર મંડાયેલી છે, કારણકે એ દિવસે ભારતીય ટીમ પોતાની પહેલી મેચમાં પરંપરાગત હરીફ એવી પાકિસ્તાનની ટીમ સામે મેદાને પડવાની છે. આ ટૂર્નામેન્ટમાં કુલ છ ટીમો ભાગ લઇ રહી છે, જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની સાથે એક ક્વોલિફાયર ટીમ તેમાં સામેલ થશે.
1984માં પહેલીવાર આ ટૂર્નામેન્ટ યુએઇમાં રમાઇ હતી અને હવે 2022માં યજમાન શ્રીલંકા છે પણ ત્યાંની રાજકીય અસ્થિરતાને કારણે આ ટૂર્નામેન્ટ યુએઇમાં જ રમાવાની છે. છેલ્લા 38 વર્ષથી રમાતી આવેલી આ ઉપખંડીય ટૂર્નામેન્ટમાં ભારતનો ડંકો વાગે છે, કારણકે અત્યાર સુધી એશિયા કપનું 14 વાર આયોજન થયું છે અને તેમાં ભારતીય ટીમ 7 વાર ચેમ્પિયન બની છે. ભારત પછી બીજી સૌથી સફળ ટીમ શ્રીલંકા છે જે 5 વાર ચેમ્પિયન બની છે. જ્યારે પાકિસ્તાનની ટીમ 2 વાર ચેમ્પિયન બની છે. ઓક્ટોબર નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપ રમાવાનો છે ત્યારે તેને ધ્યાને લેતા એશિયા કપ ઉપખંડની તમામ ટીમો માટે મહત્વનો બની રહેશે.
યુએઇમાં 1984માં જ્યારે આ ટૂર્નામેન્ટનું આયોજન થયું હતું ત્યારે તેમાં માત્ર ત્રણ ટીમો ભારત, પાકિસ્તાન અને શ્રીલંકાએ ભાગ લીધો હતો અને તે સમયે ફાઇનલ રમાઇ નહોતી અને ભારતીય ટીમે રાઉન્ડ રોબિનની પોતાની બંને મેચ જીતી હોવાથી તેને ચેમ્પિયન જાહેર કરવામાં આવી હતી. 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન રમાનારી આ ઉપખંડીય ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ સૌથી સફળ ટીમ રહી છે. ભારતીય ટીમ 6 વાર વન ડે ફોર્મેટમાં અને એકવાર ટી-20 ફોર્મેટમાં ચેમ્પિયન બની છે. અત્યાર સુધી 14 વાર એશિયા કપનું આયોજન થયું છે જેમાં ભારતીય ટીમે 13 વાર ભાગ લીધો છે. જેમાંથી 6 વાર ફાઇનલ જીતવાની સાથે 7 વાર ચેમ્પિયન બન્યું છે.
2016માં માત્ર એકવાર એશિયા કપ ટી-20 ફોર્મેટમાં રમાઇ હતી અને તેમાં પણ ભારતે જ ટ્રોફી ઉંચકી હતી. પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ 13-13 વાર જ આ ટૂર્નામેન્ટ રમ્યા છે, જ્યારે શ્રીલંકાની ટીમે તમામ 14 આયોજનમાં ભાગ લીધો છે. શ્રીલંકાની ટીમ 5 વાર ચેમ્પિયન બનવાની સાથે 6 વાર રનર્સઅપ રહી છે. પાકિસ્તાનની ટીમ 2 વાર ચેમ્પિયન બનવા ઉપરાંત 2 વાર રનર્સ અપ રહી છે. એશિયા કપની અન્ય ટીમો હજુ પણ પોતાના પહેલા ટાઇટલની રાહ જુએ છે. આ વખતે આ ઉપખંડીય ટૂર્નામેન્ટનું આયોજન 4 વર્ષ પછી થઇ રહ્યું છે. છેલ્લે 2018માં જ્યારે આ ટૂર્નામેન્ટ યોજાઇ હતી ત્યારે પણ આયોજન સ્થળ યુએઇ જ હતું. ત્યારે ભારત જ ચેમ્પિયન બન્યું હતું. તે પછી કોરોનાના કારણે તેનું આયોજન અવરોધાયું હતું અને હવે ચાર વર્ષ પછી તેનું આયોજન થઇ રહ્યું છે. હવે પછી આવતા વર્ષે તેનું આયોજન પાકિસ્તાનમાં થવાનુ છે અને તે વર્ષે તે વન ડે ફોર્મેટમાં રમાશે. આવતા વર્ષે ભારતમાં વન ડે વર્લ્ડકપ રમાવાનો છે.
એશિયા કપ ક્વોલિફાયર્સ મેચો 20થી 24 ઓગસ્ટ દરમિયાન ઓમાનમાં રમાવાનું શરૂ થઇ ગયું છે. જેમાં યુએઇ, હોંગકોંગ, સિંગાપોર અને કુવેત ભાગ લઇ રહ્યા છે. તમામ ટીમો એકબીજા સાથે એક એક મેચ રમ્યા પછી તેમાંથી જે ટીમ ટોચના સ્થાને રહેશે તે મુખ્ય રાઉન્ડમાં પ્રવેશ કરશે. તે પછી મુખ્ય રાઉન્ડની મેચો 27 ઓગસ્ટથી શરૂ થશે. કુલ 6 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જેમાં એક ગ્રુપમાં ભારત, પાકિસ્તાન અને એક ક્વોલિફાયરનો સમાવેશ થાય છે. જ્યારે બીજા ગ્રુપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનો સમાવેશ કરાયો છે.
મુખ્ય રાઉન્ડમાં દરેક ગ્રુપની ટીમ પોતાના ગ્રુપમાં સામેલ ટીમ સાથે એક એક મેચ રમશે. તે પછી બંને ગ્રુપની ટોચની બે ટીમ સુપર-4માં જશે. સુપર-4માં દરેક ટીમે હરીફ ટીમ સામે એકવાર રમવાનું છે. તે પછી ટોચની બે ટીમ વચ્ચે 11 સપ્ટેમ્બરે ફાઇનલ રમાશે. જો ટૂર્નામેન્ટમાં માળખાને ધ્યાને લઇએ તો ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે આ ટૂર્નામેન્ટમાં 3 વાર સામનો થવાની સંભાવના છે. જેમાં પહેલા ગ્રુપ સ્ટેજની મેચ, તે પછી જો બંને ટીમ સુપર-4માં જશે તો ત્યાં ફરી એકબીજા સામે રમવાનું આવશે અને તે પછી જો તેઓ બંને ટોચના બે સ્થાને રહેશે તો બંને વચ્ચે ફાઇનલ પણ રમાઇ શકે છે.