શોખીન સુરતીઓ ઓડિટોરીયમ્સમાં નાટક, નૃત્ય જેવા વિવિધ કાર્યક્રમો જોવા જતા જ હશો. આવા હોલમાં 1000થી 1200 લોકો બેસી શકે એટલી વ્યવસ્થા હોય છે ત્યારે તે જમાનામાં મોટા ભરચક હોલમાં આવા કાર્યક્રમો ગોઠવવામાં આવતા, જેનું ભાડું પણ વધારે હોય છે. બદલાતા જમાના સાથે નવા-નવા ટ્રેન્ડ બહાર આવે છે, જેમાં આજકાલ એવા કેફેઝ અને સ્મોલ ઇટીંગ પ્લેસીસનો ટ્રેન્ડ છે જયાં કોર્પોરેટ આયોજકો કે કોઇ એસોિસયેશનના લોકો મળીને સ્ટેન્ડ-અપ કોમેડી, લાઇવ મ્યુઝીકલ પ્રોગ્રામ, મોટીવેશનલ સ્પીકીંગ, બુક મીટસ, ઓફિસ મિટિંગ્સ વિ. જેવા પ્રોગ્રામ ગોઠવતા હોય છે જેની સાથે તેજ જગ્યા પર લાઇટ સ્નેક્સ તથા ચા-કોફીનો પણ તમે આનંદ માણી શકો છો. આવા કાર્યક્રમો મોટે ભાગે 100-200 કે એટલા ઓછા લોકો સાથે મળીને આયોજાય છે. એક્ચ્યુઅલ માં આ નવો ટ્રેન્ડ શું છે? સ્મોલ ગ્રૂપના પીપલની નજર કેમ આવા સ્પેસીસ પર પડી રહી છે તે આપણે આવા સ્પેસીસ ઉભા કરનારા સંચાલકો પાસેથી જાણીએ.
બુક રીડર્સ મીટ, બુક લોન્ચિંગ કાર્યક્રમ માટે બનાવ્યું કોફી હાઉસ: વૈભવ ચાહવાલા
વેસુમાં દોઢ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવેલા એક કોફી હાઉસના સંચાલક વૈભવ અને કોનલ ચાહવાલાએ જણાવ્યું કે અહીં 100 વ્યક્તિઓ માટેની સ્પેસ છે. યંગ પીપલ વધારે અહીં પ્રોગ્રામનું આયોજન કરે છે. સ્ટોરી ટેલિંગ, ટ્રેનિંગ, સેમીનાર, બુક લોન્ચિંગ, સ્ટોરી ટેલિંગ જેવા અમુક ચોક્કસ સ્મોલ ગ્રૂપના કાર્યક્રમ માટે આ જગ્યાને પસંદ કરાય છે. સ્મોલ ગેટ ટૂ ગેધર પણ કરી શકાય છે. કોફી, ડેઝર્ટ, સેન્ડવીચ જેવા લાઈટ ફૂડ પીરસી શકાય છે. ક્યારેક એવું પણ બને છે કે લોકો મોટા હોલ બુક કરાવે તો તેનું રેન્ટ વધારે ચૂકવવું પડે તેની જગ્યાએ આ પ્રકારની સ્પેસ લોકો વધારે પ્રીફર કરતા થયા છે. 50-60 લોકો નો ઓફિસ સ્ટાફ હોય તેમના માટે ઓફિસ બહાર મિટિંગ માટે આવા સ્પેસ પર નજર દોડવામાં આવે છે.
અમે તૈયાર કરી મીની ઓડિટોરિયમ જેવી સ્પેસ : સંજય પટેલ
ગૌરવ પથ રોડ પાલમાં 5 મહિના પહેલાં મીની ઓડીટોરીયમ જેવું સ્પેસ તૈયાર કરનાર સંજયભાઈ પટેલે જણાવ્યું કે સાઉન્ડ સિસ્ટમ સાથેની આ સ્પેસ 100 જેટલી વ્યક્તિઓ માટે છે. અહીં કોંફરન્સ, સેમીનાર, મ્યુઝીકલ ઇવેન્ટ માટે રિહર્સલ, કરાઓકેના શો માટે, નવરાત્રીના રહીર્સલ માટે આ સ્પેસ તૈયાર કરાઇ છે. અહીં લાઈટ ફૂડ, હાઇટી અલાઉડ છે પણ લંચ, ડિનર માટે અલાઉડ નથી. સ્ટેન્ડ અપ કોમેડીના શો પણ થઈ શકે છે. પ્રોફેશનલ નહીં પણ પોતાનાં આત્મસંતોષ માટે સિગિંગ કરવા આ જગ્યા પસંદ કરાઈ રહી છે. 35થી 40 વર્ષના અને તેથી પણ મોટી ઉંમરના લોકો પણ આ જગ્યાને એમના ગ્રુપ પૂરતા કાર્યક્રમ માટે મીની ઓડિટોરિયમ પસંદ કરી રહ્યા છે.
કોફી હાઉસમાં પર્ફોર્મિંગ એરિયા બનાવ્યો છે: મંથન જોશી
પીપલોદ સ્થિત એક કોફી હાઉસના સંચાલક મંથન જોશી, પાર્થ બ્રહ્મભટ્ટ, વ્યોમેશ પારેખે જણાવ્યું કે અહીં લાઈબ્રેરી પણ છે, પર્ફોર્મિંગ એરિયા છે અને એકઝીબિશન કોર્નર પણ છે. નવી જનરેશન જેઓ કોલેજમાંથી પાસ આઉટ થઈને બહાર નીકળ્યા છે તેમને કૉમેડીના પ્રોગ્રામ કરવા છે કે ડ્રામા કરવા છે તેમને અહીં સ્પેસ મળે છે. આ જગ્યા િલટરેચર ક્ષેત્રના લોકો પસંદ કરી રહ્યા છે. અહીં ફેમિલી ફંકશન કરવું હોય કે કરાઓકે કરવું હોય તેમના માટે આ આર્ટ હાઉસ છે. ઓફ બીટ ફિલ્મ માટે પણ સ્પેસ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
લોકલ આર્ટિસ્ટને સ્પેસ મળે તે માટે પર્ફોમિંગ આર્ટ કલબ બનાવ્યું: કુણાલ મુંદ્રા
કુણાલ મુંદ્રાએ જણાવ્યું કે સુરતના લોકલ આર્ટિસ્ટને પોતાની કલા ઉજાગર કરવા માટેની સ્પેસ મળે તે પર્પઝથી વેસુમાં પર્ફોર્મિંગ આર્ટ કલબ બનાવી છે. અહીં 40થી 50 વ્યક્તિઓ માટેની સીટીંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે. માઇક સાથેના પ્રોગ્રામ અહીં થઈ શકે છે. સ્ટેન્ડ અપ કોમેડી, પોયેટ્રી , સ્ટોરી ટેલિંગ માટે આ સ્પેસ સ્મોલ ગ્રુપના લોકો માટે ઉભી કરાઇ છે. ડોક્ટર્સ તથા અન્ય પ્રોફેશનલ વ્યક્તિઓ માટેની મિટિંગ અને ગેટ ટૂ ગેધર થઈ શકે છે. જોકે અહીં ફૂડ એલાઉડ નથી પણ ચા, કોફી, કોલ્ડ ડ્રિન્ક્સ પીરસી શકાય છે. આ મુખ્યત્વે આર્ટિસ્ટ માટેની પ્લેસ છે.