સતત બે વર્ષ કોરોનાને કારણે ગણેશ ઉત્સવની ઉજવણી ફીકી રહી હતી. કોવિડ હવે જ્યારે બાય-બાય કરી રહ્યો છે ત્યારે તહેવારોની અસલ રોનક પાછી ફરી રહી છે. અત્યારે સુરતીઓમાં ગણેશ ઉત્સવને લઈને અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણપતિનું આગમન ધૂમધડાકા સાથે થવા લાગ્યું છે સુરતીઓ ઉત્સવ પ્રેમી છે જ તેમનો ઉત્સવો પ્રત્યેનો પ્રેમ વિવિધ માધ્યમો દ્વારા વ્યક્ત કરતાં જ હોય છે. આ વખતે યુવતીઓ પણ ગણેશ ઉત્સવ પ્રત્યેનો ઉત્સાહ નેલ આર્ટ દ્વારા વ્યક્ત કરી રહી છે. જન્માષ્ટમી અને આઝાદીકા અમૃત મહોત્સવની થીમ પર પણ સુરતની ઘણીબધી યુવતીઓએ નેલ આર્ટ કર્યું હતું. નેલ આર્ટ શું છે તે તેના શબ્દ પરથી જ ખબર પડી જાય છે કે તે નખ પર કરવામાં આવતું આર્ટ છે કલા છે. તેનાથી નખને એલીગન્ટ લૂક આપી શકાય છે.
બે કલાકની મહેનતમાં ગણેશજીના ચિત્રનું નેલઆર્ટ તૈયાર કર્યું : ઇશીતા જરીવાલા
નેલ આર્ટિસ્ટ ઇશીતા જરીવાલાએ જણાવ્યું કે કોવિડ બાદ આ વખતે બધાં જ તહેવારોની ભવ્ય ઉજવણી થવાની છે. 15 ઓગસ્ટે મેં મારા નેલ પર તિરંગા કલરમાં આર્ટ કર્યુ હતું. જન્માષ્ટમીની થીમ પર પણ મેં સતત બે કલાકની મહેનત બાદ મોરપીંછ અને શ્રી કૃષ્ણનું ચિત્ર તૈયાર કર્યું હતું. નેલ આર્ટ મેરેજ રિલેટેડ, ફેસ્ટિવલ રિલેટેડ હોય છે. કિડઝ ગર્લમાં કાર્ટૂન બેઝડ થીમ પર નેલ આર્ટનો ક્રેઝ છે. હવે યુવતીઓ ગણેશ ઉત્સવ માટે અષ્ટવિનાયકનું, ગણેશજીનું નેલ આર્ટ કરાવવા લાગી છે. મે બે કલાકની મહેનત ગણેશજીના ચિત્રનું નેઈલ આર્ટ કર્યું છે.
જન્માષ્ટમી પર મોરપીંછનું નેલ આર્ટનું આકર્ષણ હતું
નેલ આર્ટ કરતા ઇશીતા જરીવાલા એ કહ્યુ હતું કે, જન્માષ્ટમી પર તો યુવતીઓમાં નેલ આર્ટનું ક્રેઝ વધારે જોવા મળ્યું હતું. ખાસ કરીને કૃષ્ણના મોરપીંછનું નેલ આર્ટ વધારે પ્રખ્યાત બન્યું હતું. મોરપીંછ માટે અલગ-અલગ પ્રકારની જેલ પોલિશ લેવામાં આવી હતી. મોરપીંછનું નેલ આર્ટ નખ પર ખૂબ આકર્ષક લાગતું હતું એટલે મોરપીંછના નેલ આર્ટ માટે યુવતીઓની ઘેલછા દેખાઈ હતી.
કોલેજીયન યુવતીઓએ 15મી ઓગસ્ટની થીમ પર નેલ આર્ટ કરાવ્યું હતું
આઝાદીકા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગાથી પ્રેરિત થઈ સુરતની ઘણી બધી કોલેજીયન યુવતીઓએ દેશ ભાવનાને વ્યક્ત કરવા નેલ આર્ટનું માધ્યમ પસંદ કર્યું હતું. 15મી ઓગસ્ટને લઈને યુવતીઓએ નખ પર તિરંગા કલરના જેલ પોલિશથી નેલ આર્ટ કરાવ્યું હતું. નેલ આર્ટ લગભગ બે મહિના રહે છે.