Charchapatra

સ્ત્રી સશક્તિકરણની ડંફાસો અને બળાત્કારીઓનો છૂટકારો

તારીખ: ૩-૩-૨૦૦૨ના રોજ થયેલી એક ઘટના: ૨૧ વર્ષની ગર્ભવતી મહિલા બિલ્કીસ બાનો પર સામુહિક બળાત્કાર થાય છે અને તેના પ મહિનાના ગર્ભની નિર્મમ હત્યા થાય છે . તેની ૩ વર્ષની દિકરી સહિત પરિવારના ૭ સભ્યોને તેની નજર સામે રહેંસી નાખવામાં આવે છે. આ ઘટનામાં સંડોવાયેલા ૧૧ લોકોને જાન્યુઆરી’૨૦૦૮ માં સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવે છે અને મે’૨૦૧૭ માં બોમ્બે હાઈકોર્ટ દ્વારા સજા સામેની અપીલને રદ કરીને સજાને માન્ય રાખવામાં આવે છે.

૧૫-૫-૨૦૨૨ ના રોજ આ ૧૧ દોષિતો પૈકી એક દોષિત કે જેણે  ૧૫ વર્ષ જેલમાં પસાર કર્યાં હતાં તેમના દ્વારા વહેલી જેલમુકિત માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી.સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત સરકારને અરજી મોકલવામાં આવી. ૧૫ મી ઓગસ્ટ,૨૦૨૨ ના રોજ એટલે કે આઝાદીની ૭૫ મી વર્ષગાંઠ પર આ બળાત્કાર અને હત્યાના દોષિતોને ગુજરાત સરકાર દ્વારા બનાવાયેલી કમિટી (કે જેમાં BJPના જ બે ધારાસભ્યોનો સમાવેશ થતો હતો)ની ભલામણથી ગુજરાત સરકારની વહેલી સજામુક્તિની નીતિ હેઠળ ગોધરા જેલમાંથી સજા પૂરી થયા પહેલાં જ છોડી મૂકવામાં આવ્યા.આઘાતજનક વાત તો એ છે કે જે કમિટીની ભલામણથી આ બળાત્કાર અને હત્યાના દોષિતોને છોડી મૂકવામાં આવ્યા તે કમિટીના સભ્ય સી.કે.રાઉલજી દ્વારા બળાત્કાર અને હત્યાના દોષિતોને “સંસ્કારી બ્રાહ્મણ” કહીને તેમનો બચાવ કરવામાં આવ્યો. હિંદુ સંસ્કૃતિ મૂલ્યોના રક્ષણનો દાવો કરતી વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આ બળાત્કારીઓ અને હત્યારાઓનું મીઠાઈ અને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું.

આ ઘટનાને લગતા મહત્ત્વના સવાલ છે. શું એક સ્રીના હકો પ્રત્યે રાજ્યની કોઈ ફરજ નથી?, શું બળાત્કારીઓ અને  હત્યારાઓનું સન્માન કરવાથી હિંદુ ધર્મની પ્રતિષ્ઠાને અસર થતી નથી?, બળાત્કારીઓ અને  હત્યારાઓને સરકારી કમિટીના સભ્ય સી.કે રાઉલજી દ્વારા “સંસ્કારી બ્રાહ્મણ” કહીને સરકાર શું સિધ્ધ કરવા માંગે છે? શું સરકાર “સંસ્કાર”ની નવી વ્યાખ્યા ઘડવા માંંગે છે?, શા માટે સ્ત્રી સશક્તિકરણની વાતો કરતા આપણા વડાપ્રધાન આ મુદ્દે મૌન છે?, સરકારી પત્રકારો અને કહેવાતા બુધ્ધિજીવીઓ શા માટે આ મુદ્દે મૌન છે?, સમાજ એક  સ્ત્રીના હકો પ્રત્યે શા માટે માનસિક નપુંસક જેવૌ અભિગમ અપનાવી રહ્યો છે?, સમાજે નક્કી કરવાનું છે કે બિલ્કીસ બાનો પહેલાં એક મુસલમાન વ્યક્તિ  છે કે એક સ્રી?
સુરત – સી.એ. દર્શક શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top