Madhya Gujarat

ખેડામાં દારૂના કટીંગનું નેટવર્ક: પોણા કરોડનો મુદ્દામાલ જપ્ત

નડિયાદ: ખેડા તાલુકાના મલારપુરા સીમમાં વિદેશી દારૂનું મોટાપાયે કટીંગ ચાલતું હોવાની બાતમીને આધારે ખેડા ટાઉન પોલીસમથકના પી.એસ.આઈ સહિતની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે સ્થળ પરથી એક કન્ટેનર તેમજ ત્રણ પીકઅપ ડાલામાંથી રૂ.૩૮,૫૩,૧૪૦ કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતાં. પોલીસે વિદેશી દારૂનો જથ્થો, ચાર વાહનો, ત્રણ મોબાઈલ તેમજ રોકડ મળી કુલ રૂ.૭૩,૬૯,૭૧૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કુલ ૧૧ વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડા ટાઉન પોલીસમથકના પી.એસ.આઈ રીનાબેન ચૌધરી પંથકમાં વિદેશી દારૂનું દૂષણ નાથવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે. દરમિયાન ખેડા તાલુકાના મલારપુરા ગામની સીમમાં ગોરપુરા તરફ જવાના માર્ગ પર આવેલ કે.કે હાઉસહોલ્ડ પ્રા.લિમીટેડના પ્લોટ નં ૫ પાસે આવેલ રોયલ ઈન્ડસ્ટ્રીઝ આગળ પાર્ક કરેલ બંધ બોડીનાં કન્ટેનરમાંથી અન્ય નાના વાહનોમાં વિદેશી દારૂનું કટીંગ કરવામાં આવતું હોવાની બાતમી ખેડા ટાઉન પોલીસમથકના પી.એસ.આઈ રીનાબેન ચૌધરીને મળી હતી. જેથી પી.એસ.આઈ રીનાબેન પોતાની ટીમ લઈને બુધવારના રોજ મોડી રાત્રીના સમયે બાતમી મુજબની જગ્યાએ પહોંચ્યાં હતાં.

જ્યાં કેટલાક ઈસમો કન્ટેરમાંથી વિદેશી દારૂની પેટીઓ ઉતારીને નજીકમાં પાર્ક કરેલાં ત્રણ લોડીંગ ટેમ્પામાં ભરી રહ્યાં હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી પોલીસની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. તે વખતે પોલીસને જોઈ મચેલી નાસભાગમાં કેટલાક ઈસમો અંધારાનો લાભ લઈ ભાગી છુટ્યાં હતાં. જોકે, પોલીસે સ્થળ પરથી પીકઅપ ડાલાનો ચાલક અર્જુનસિંહ હરીઓમ પાંડે (મુળ રહે. જેથરા, જી.એટા, ઉત્તરપ્રદેશ, હાલ રહે.વસ્ત્રાલ, અમદાવાદ), જશવંતસિંહ ઉર્ફે સાહિલ ભાવસિંહ ડોડીયા (રહે.દરબારવાસ, બિડજ, તા.ખેડા) અને મહેન્દ્રસિંહ પ્રમોદસિંહ સિસોદીયા (રહે.દરબાર ફળીયું, બિડજ, તા.ખેડા) ને ઝડપી પાડ્યાં હતાં.

જે બાદ પોલીસે સ્થળ પર પાર્ક કરેલાં બંધ બોડીના કન્ટેનર નં આરજે ૧૪ જેજી ૩૭૮૪ ની તલાશી લેતાં તેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૪,૦૬૪ નંગ બોટલો મળી આવી હતી. જ્યારે બાજુમાં પાર્ક કરેલાં પીકઅપ ડાલા નં જીજે ૨૭ ટીટી ૮૮૩૪ માંથી વિદેશી દારૂની ૭૮૦ બોટલો, પીકઅપ ડાલા નં જીજે ૨૭ ટીટી ૭૭૯૩ માંથી વિદેશી દારૂની ૭૨૦ બોટલો અને પીકઅપ ડાલા નં જીજે ૨૭ ટીટી ૭૧૯૭ માંથી વિદેશી દારૂની ૭૮૦ નંગ બોટલો મળી આવી હતી. આમ, પોલીસે ચારેય વાહનોમાંથી કુલ રૂપિયા ૩૮,૫૩,૧૪૦ કિંમતની ૧૬,૦૪૪ નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી અને પકડાયેલાં ત્રણેય શખ્સોની પુછપરછ હાથ ધરી હતી.

જેમાં આ દારૂનો જથ્થો અમદાવાદમાં રહેતાં સોનુ રાજપુત, તેના મિત્ર કાલુ તેમજ પીકઅપ ડાલાનો ચાલક ટીટ્ટુએ મંગાવ્યો હતો અને આ ત્રણેય જણાં પોલીસને જોઈ ભાગી ગયાં હોવાનું અર્જુન પાંડેએ કબુલ્યું હતું. જ્યારે પકડાયેલાં જશવંતસિંહ ઉર્ફે સાહિલ અને મહેન્દ્રસિંહ સીસોદિયા ગામમાં રહેતાં ભરતભાઈ શેલાભાઈ ભરવાડના કહેવાથી દારૂની પેટીઓ ઉંચકવાની મજુરી માટે આવ્યાં હોવાનું જણાવ્યું હતું. પોલીસે વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂ.૩૮,૫૩,૧૪૦, કન્ટેનર કિંમત રૂ.૨૦,૦૦,૦૦૦, ત્રણ પીકઅપ ડાલા કિંમત રૂ.૧૫,૦૦૦, ત્રણ મોબાઈલ કિંમત રૂ.૧૩,૫૦૦ તેમજ રોકડા રૂ.૩૦૭૦ મળી કુલ રૂ.૭૩,૬૯,૭૧૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પકડાયેલા અર્જુન પાંડે, મહેન્દ્રસિંહ સિસોદીયા, જશવંતસિંહ ઉર્ફે સાહિલ, તેમજ ભાગી છુટેલાં રાજુ રાજપુત, કાલુ, ટીટ્ટુ, ભરત ભરવાડ, કન્ટેનર ચાલક, બે પીકઅપ ડાલાના ચાલક તેમજ સામંત ઉર્ફે સાવંત સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના ત્રણ બુટલેગર મિત્રોએ આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો
ખેડા ટાઉન પોલીસે ઝડપી પાડેલો વિદેશી દારૂનો જથ્થો સોનું રાજપુત, તેના મિત્ર કાલુ અને પીકઅપ ડાલાના ચાલક ટીટ્ટુએ મંગાવ્યો હતો. જોકે, દારૂ ભરેલું કન્ટેનર લઈ અમદાવાદ પહોંચવામાં જોખમ હોવાથી તેઓએ ખેડા તાલુકાના મલારપુરા સીમમાં કન્ટેનર ઉભું રાખ્યું હતું. જ્યાંથી દારૂનો જથ્થો પીકઅપ ડાલામાં ભરી છુટક-છુટક રીતે અમદાવાદના છારાનગર વિસ્તારમાં રહેતાં સામંત ઉર્ફે સાવંતને ત્યાં પહોંચાડવાનો હતો.

પોલીસે ઝડપેલો મુદ્દામાલ
વિદેશી દારૂ કિંમત રૂપિયા ૩૮,૫૩,૧૪૦
કન્ટેનર – કિંમત રૂ. ૨૦,૦૦,૦૦૦
ત્રણ પીકઅપ ડાલા – કિંમત રૂ. ૧૫,૦૦,૦૦૦
ત્રણ મોબાઈલ – કિંમત રૂ. ૧૩,૫૦૦
રોકડા રૂપિયા ૩૦૭૦

મહારાજના મુવાડા ચેકપોસ્ટ પરથી દારૂ સાથે દાહોદના બે ઝબ્બે
સેવાલિયા પોલીસની ટીમ બુધવારના રોજ રાત્રીના સમયે ગળતેશ્વર તાલુકાના મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ ઉપર વાહનચેકીંગમાં હતી. દરમિયાન ગોધરા તરફથી આવનાર કાળા કલરની વર્ના ગાડી નં જીજે ૦૧ એચપી ૬૩૪૭ માં સીટ નીચે બનાવાયેલાં ચોરખાનામાં વિદેશી દારૂ સંતાડેલો હોવાની બાતમી પોલીસની ટીમને મળી હતી. જેથી પોલીસની ટીમે ચેકીંગ સઘન બનાવ્યું હતું. દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળી વર્ના ગાડી આવતાં પોલીસે તેને રોકી, ચાલક અજય રીક્શનબાઈ મીનામા (રહે.રાજપુર ફળીયું, બોરડી, તા.જિ.દાહોદ) તેમજ ગાડીમાં સવાર સતીષ મેઘજીભાઈ મોહનીયા (રહે.નવા ફળીયા, ગરબાળા, જિ.દાહોદ) ની અટકાયત કરી હતી. જે બાદ ગાડીની તલાશી લેતાં તેમાં પાછળની સીટ નીચે બનાવવામાં આવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૩૬ નંગ બોટલો કિંમત રૂ.૪૩,૩૨૦ તેમજ રૂ.૯૩૭૪ કિંમતના ૪૩ નંગ ક્વાર્ટરીયા મળી આવ્યાં હતાં. પોલીસે વિદેશી દારૂના જથ્થા ઉપરાંત વર્ના ગાડી કિંમત રૂ.૧,૦૦,૦૦૦, બે મોબાઈલ કિંમત રૂ.૧૦,૦૦૦ તેમજ રોકડા રૂ.૩૦૦ મળી કુલ રૂ.૧,૬૨,૯૯૪ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે પકડાયેલાં બંને શખ્સો સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top