સુરત: (Surat) શહેર માટે અતિ મહત્ત્વના પ્રોજેક્ટ એવા મેટ્રો રેલની (Metro Rail) કામગીરી પૂરઝડપે થઈ રહી છે. શહેરમાં ખાસ કરીને સેન્ટ્રલ ઝોન અને કાપોદ્રા રૂટ પર રસ્તા બંધ કરીને મેટ્રોની કામગીરી ચાલી રહી છે. ત્યારે ગણેશ વિસર્જન (Ganesh Visarjan) દરમિયાન આ રૂટ પર બેરિકેટ હટાવી રસ્તો ખોલી આપવા મનપા કમિશનરે મેટ્રોના અધિકારીઓને સૂચના આપી હતી. હાલમાં તાજિયા જુલૂસ માટે પણ મેટ્રોની કામગીરી 2 દિવસ બંધ કરાવી બેરિકેટ હટાવી રસ્તો ખોલી આપવામાં આવ્યો હતો.
કોરોના સંક્રમણ હળવું થયા બાદ આ વર્ષે તમામ તહેવારો લોકો હર્ષોલ્લાસથી ઉજવી રહ્યા છે. તહેવારોની ઉજવણી માટે કોઈપણ નીતિનિયમો કે પ્રતિબંધ ન હોવાથી શહેરીજનો રંગેચંગે તહેવારો મનાવી રહ્યા છે. દેશભરમાં સુરત શહેર ગણેશોત્સવ ખૂબ જ ઉમંગ ઉત્સાહથી ઉજવવામાં મોખરે છે. આ વર્ષે શહેરમાં ગલીગલીએ અને ઘરે ઘરે લોકો ગણેશજીની સ્થાપના થશે ત્યારે ગણેશ વિસર્જનમાં કોઈ વિક્ષેપ ન પડે એ માટે મનપા કમિશનરે આગોતરાં આયોજન કરી લીધાં છે. હાલમાં શહેરમાં મેટ્રોની કામગીરીને લઈ ઠેકઠેકાણે બેરિકેટિંગ કરી રસ્તા બંધ કરાયા છે. જેના પગલે ગણેશ વિસર્જન દરમિયાન ખાસ કરીને સેન્ટ્રલ ઝોનમાં સાંકડા રસ્તા હોવાથી મેટ્રોની કામગીરીમાં શક્ય હોય તો ગણેશોત્સવ પૂરતું આ રસ્તા ખુલ્લા કરવા મનપા કમિશનરે મેટ્રોની અધિકારીઓને સૂચના આપી હતી.
સુરતમાં ખાડીપુર આવ્યા બાદ મનપા તંત્ર હરકતમાં આવ્યું
સુરત: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે લિંબાયત ઝોન વિસ્તારમાં મીઠી ખાડી વિસ્તાર, વરાછા ઝોન વિસ્તારમાં કાપોદ્રા ખાતે, વાલક સણીયા હેમાદ વિસ્તારોમાં પાણી ભરાય જાય છે. આ તમામ વિસ્તારો પૈકી માત્ર સણીયા હેમાદ-મીઠી ખાડી પાસેના વિસ્તારોમાં પાણીનો ભરાવો વધુ થઈ રહ્યો છે. જ્યારે અન્ય વિસ્તારોમાંથી પાણીનો નિકાલ થઈ રહ્યો છે. પરંતુ સણીયા હેમાદ અને મીઠી ખાડીના પાણીનો નિકાલ થતો ન હોવાથી સ્થાનિકોને પણ મુશ્કેલી થઈ રહી છે. જેથી પાણીનો નિકાલ થવો જોઈએ.
સુરત મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ વિસ્તાર સણીયા હેમાદ તથા કુંભારિયા ગામ સાથે સાથે મીઠી ખાડીમાં જે પાણીનો ભરાવો થાય છે તેને અન્ય ખાડીમાં ડાયવર્ટ કરી શકાય કે કેમ અને સણીયા હેમાદથી મીઠી ખાડી તરફ જે પાણી આવે છે તેને કેનાલમાં ડાયવર્ટ કરી શકાય કે કેમ ? તે અંગે હવે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવશે તેમ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
ખાડીપૂરની સમસ્યા દર વર્ષની છે. આ વર્ષે પણ ભારે વરસાદને કારણે સ્થાનિકોને ખાડીપૂરનો ભોગ બનવું પડ્યું હતું. જેના પગલે આવતા વર્ષે મનપાની ડિઝાસ્ટર બુકમાં એસ.ઓ.પી. હશે અને તે માટે અત્યારથી જ મેપિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું. શહેરમાં ખાડી-કેનાલને લિંક કરી શકાય કે કેમ અને તમામ ખાડીનું ઈન્ટરલિંક થઈ શકે? તેમજ લો-લાઈન એરિયાને કેવી રીતે અપ કરી શકાય એ માટે ખાડીઓની એક બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવશે. સાથે જ ખાડીઓના પાણીને ડાયવર્ટ કરવા માટે ફિઝિબિલિટી ચકાસણી કરી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે. જેથી આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય.