Vadodara

મહિસાગર બે કાંઠે ધસમસતી થતાં તંત્ર એલર્ટ

વડોદરા: નર્મદાની સાથે હવે લોકમાતા મહીસાગર પણ ઉફાન પર છે.ત્યારે વડોદરા જિલ્લા કલેકટરેએ તંત્રને મહી કાંઠાના તમામ ગામો અને ગામો લોકોને સાવધ કરવા તંત્રને સૂચના આપી છે.મહી નદીના કાંઠે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના 15,પાદરા તાલુકાના 10 અને વડોદરા તાલુકાના 5 મળીને કુલ 30 ગામો આવેલા છે.જ્યાં તકેદારીના જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. મહીસાગર પર આવેલા કડાણા ડેમના ઉપરવાસમાં વરસાદી વાતાવરણ છે.મહી બજાજ સાગર બંધ અને અનાસ નદીમાંથી બંધમાં પાણીની આવક થઇ રહી છે જેને અનુલક્ષીને હાલમાં આ બંધમાં થી 95480 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું હતું.

નડિયાદ ખાતેના મહી બેઝીન ફ્લડ સેલમાં થી જિલ્લા નિયંત્રણ કક્ષને મળેલી જાણકારી પ્રમાણે આજે સાંજના ચાર વાગ્યા થી કડાણા ડેમમાં થી નદીમાં 4 લાખ ક્યુસેક થી વધુ પાણી છોડવામાં આવશે. જેના પરિણામે રાત્રિના 11 વાગે વણાકબોરી આડબંધ ખાતે પાણીની સપાટી વધીને 238 ફૂટ થવાની સંભાવના છે જે વ્હાઈટ સિગ્નલ માટે ના નિર્ધારિત 236 ફૂટના લેવલ થી વધુ અને બ્લુ સિગ્નલ થી ઓછી છે. તેના પગલે ફ્લડ સેલ દ્વારા નદી કાંઠાના ગામોમાં સિગ્નલ લેવલની મર્યાદા પ્રમાણે સાવચેતીના સૂચિત પગલાં લેવા સંબંધિત જિલ્લા વહીવટી તંત્રોને સૂચના આપવામાં આવી છે.સ્થાનિક,જિલ્લા, તાલુકા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને પણ સાવચેતીના જરૂરી પગલાં લેવા જણાવવામાં આવ્યું છે.

સવારે 10 વાગે નર્મદા બંધના 23 દરવાજા માંથી 5 લાખ ક્યુસેક પાણી છોડાયું
સરદાર સરોવર જળાશયમાં ઉપરવાસથી સતત થઈ રહેલી જળ આવકને અનુલક્ષીને આજે સવારના 10 વાગે બંધના 23 રેડિયલ ગેટ 3.05 મીટર જેટલા ખોલવામાં આવ્યા હતા.તે સમયે નર્મદામાં છોડાતા પાણીનું પ્રમાણ વધીને 5 લાખ ક્યુસેક અને જળ વિદ્યુત મથકમાં થી છોડવામાં આવતા પાણી સાથે 5.46 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું.નર્મદા બંને કાંઠે વહી રહી છે તે જોતાં શિનોર,કરજણ અને ડભોઇ તાલુકાના નર્મદા કાંઠાના તમામ ગામોમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.ગામલોકોને પણ નદી કાંઠાથી દુર રહેવા ચેતવણી આપવામાં આવી છે.

Most Popular

To Top