નડિયાદ: નડિયાદ નગરપાલિકા દ્વારા ગયા વર્ષે જ્યાં સાડા ચારસો જેટલા જર્જરીત એકમોને ઉતારી લેવા નોટીસ અપાઈ હતી, ત્યાં આ વર્ષે કુલ 140 એકમોના માલિકોને નોટીસ ફટકારી છે. ગયા વર્ષે જૂજ માત્ર એકમો તોડી પડાયા હતા, પરંતુ આ વર્ષે તો જર્જરીત એકમો ઉતારી લેવામાં પાલિકાએ ખાસ્સી મહેનત કરી છે અને પાલિકાની માલિકીની દુકાનો પર જ બુલડોઝર ફેરવી દીધુ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ નડિયાદ નગરપાલિકાના જણાવ્યા મુજબ નગરપાલિકાની પાછળ આવેલી દુકાનોની હારમાળા ખૂબ જ જર્જરીત બની હતી.
60 દુકાનો બિસ્માર બનતા ગમે ત્યારે તૂટે તેવી પરિસ્થિતિ જણાઈ હતી અને નગરપાલિકા દ્વારા આ દુકાનદારોને ખાલી કરવા માટે નોટીસ ફટકારી દેવાઈ હતી. નોટીસ મળ્યા બાદ પણ દુકાનદારો હલ્યા નહોતા. આ દરમિયાન એક દુકાનનો જર્જરીત હિસ્સો કકડભૂસ થયો હતો. જેના કારણે નગરપાલિકા તત્કાલ દુકાનો ખાલી કરાવી બુલડોઝર ફેરવી દીધુ હતુ. ગયા વર્ષે સોનારૂપા કોમ્પલેક્ષનો એક હિસ્સો પડ્યો હતો, જેના પગલે તંત્રએ ખાલી કરવા માટે નોટીસ આપી દીધી હતી. તેમ છતાં અહીંયા એક પણ એકમ ખાલી થયા નથી. આ વર્ષે પણ અહીં જર્જરીત હિસ્સો પડ્યો હતો. જેથી જોખમરૂપ કોમ્પલેક્ષમાં રહેતા તમામને પાલિકાએ ફરીથી નોટીસ આપી ખાલી કરવા માટે જણાવ્યુ છે.
અન્ય એકમોમાં ગુજરાત હાઉસિંહ બોર્ડના મકાનોને પણ નોટીસ અપાઈ છે, તો આ તરફ નગરપાલિકાની સામે આવેલા જિલ્લા પંચાયતના ક્વાટર્સમાં રહેતા લોકોને પણ નોટીસો ફટકારાઈ છે. બીજીતરફ આખા શહેરમાં કુલ 140 જેટલા એકમના માલિકોને નોટીસો ફટકારવામાં આવી હતી. આ પૈકી 120 એકમોને તો ગયા વર્ષે પણ નોટીસ અપાઈ હતી અને ચાલુ વર્ષે પણ નોટીસ રીપીટ કરાઈ છે. તેમ છતાં જર્જરીત એકમો ઉતારવામાં ક્યાંક એકમોના માલિકોએ રસ દાખવ્યો નથી. ત્યારે કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા લોકો ચેતી જાય તે જરૂરી બન્યુ છે.