ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) તૈયારીઓ કોંગ્રેસે (Congress) પણ શરૂ કરી દીધી છે. મંગળવારે ગાંધીનગર ખાતે વિધાનસભા ચૂંટણીના ઓબ્ઝર્વર અશોક ગેહલોત અને રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે.સી. વેણુગોપાલે ધારાસભ્યો, પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને આગામી વિધાનસભાની ચૂંટણી અંગે રણનીતિ ઘડી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસના વિધાનસભાના અશોક ગેહલોતે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ મજબૂતાઈથી ચૂંટણી લડશે અને જીતશે. 27 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ શાસનમાં ન હોવા છતાં પ્રજાના અવાજને મજબૂતાઈથી હિંમતભેર કોંગ્રેસના કાર્યકરો ઉઠાવી રહ્યા છે. ગુજરાતના લોકો હવે તકવાદી અને છેતરામણી જાહેરાતો વાયદાઓ પર વિશ્વાસ નહીં કરે આગામી દિવસમાં ગુજરાતમાં કોંગ્રેસ સરકાર પ્રસ્થાપિત કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
રાષ્ટ્રીય કોંગ્રેસના સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલે પ્રદેશ કોંગ્રેસના પદ અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપ ઈડીનો દુરુપયોગ કરી રહી છે. ભૂતકાળમાં આઝાદીની લડતમાં કેટલાક લોકો અંગ્રેજો સાથે જોડાયા હતા. અત્યારે પણ અંગ્રેજોની વિચારધારાને અનુસરનારા લોકો ધાકધમકી સહિતના હથકંડાઓ અપનાવી લોકશાહી ઢબે ચૂંટાયેલા સભ્યોને તોડી રહ્યા છે.