તાજેતરમાં મોસ્કો પર ચેસ ઓપન સ્પર્ધા ચાલતી હતી. સાત વર્ષનો એક ખેલાડી એક એવા ખેલાડી સાથે રમતો હતો જે ક્ષણભરમાં વળતી ચાલ નક્કી કરી શકતો હતો. બાળ ખેલાડીએ એક પ્યાદું ઓચિંતુ એક ખાનામાં મૂકયું અને સામેના ખેલાડીએ ઉશ્કેરાઇને એ બાળ ખેલાડી પર હુમલો કર્યો અને તેના હાથની આંગળી મરડીને તોડી નાંખી. બાળ ખેલાડીને હોસ્પિટલમાં ખસેડવો પડયો. આ બાળ ખેલાડી સામે જે ખેલાડી રમતો હતો તેને એવું પૂછાય તેમ નહતું: તારામાં માનવતા નથી? ન હોય કારણ કે એ માનવ ન હતો યંત્ર માનવ હતો. બાળ ખેલાડીએ બહુ ઝડપથી ચાલ ચાલી સલામતીના ‘નિયમો’નું ઉલ્લંઘન કર્યું હતું અને યંત્ર માનવ ઉશ્કેરાઇ ગયો હતો.
માનવની જોહુકમી સામે બળવો કરી યંત્ર માનવ પૃથ્વી પર કબ્જો લેવાની કોશિષ કરે છે એવી વાર્તા વિજ્ઞાન કથાઓમાં અને ફિલ્મોમાં ઘણીવાર આવી છે પણ માનવી જયારે યંત્ર માનવ બનાવીને બહાર મૂકે છે ત્યારે એ ચોક્કસાઇ કરે છે કે યંત્ર માનવ માનવની જેમ નહીં પણ યંત્ર માનવની જેમ જ વર્તે અને હજી એમ ચાલતું આવ્યું છે. ક્રિસ્ટોફર એટકેસન નામના એક યંત્ર માનવ નિષ્ણાત-એટલે કે રોબોટિકસ નિષ્ણાત કહે છે કે યંત્ર માનવમાં આજુબાજુ શું ચાલી રહ્યું છે તે સમજવાની બુધ્ધિ મર્યાદિત છે.
ચેસ રમતા જે છોકરાની આંગળી યંત્ર માનવે મચડી નાંખી તે છોકરો નસીબદાર કહેવાય. 2018ના ડિસેમ્બરમાં ચીનના એક કારખાનામાં ઝુ તરીકે જ ઓળખાવાયેલો એક કારીગર કારખાનામાં કામ કરતો હતો ત્યાં ફરજના ભાગ રૂપે એક કદાવર યંત્ર માનવ આવ્યો અને 49 વર્ષના ઝુ પર ઓચિંતો ઢગલો થઇને પડયો અને ઝુના શરીરના હાથ અને છાતીમાના એક એક ફુટ લાંબા સ્ટીલના સળિયા ટૂપી ચાર હાથ ભોંકી દીધા હતા. ઝુ જેમતેમ બચ્યો હતો.
માર્ચ 2018માં ઉબેરે ડ્રાઇવર વગરની કાર બેરિઝોનાના ટેમ્પેમાં ફોરલેન રોડ પર ચલાવવા મૂકી અને ડ્રાઇવિંગ સીટ પર એક માણસ કારનું ધ્યાન રાખવા બેઠો હતો. પણ આ ડ્રાઇવર વગરની કારે 49 વર્ષની એલેન હર્ઝબર્ગ નામની સાયકલ સવારને અડફટમાં લઇ મારી નાંખી હતી. ડ્રાઇવર વગરના વાહનથી આ પહેલો ઘાતકી અકસ્માત થયો હોવાનું નોંધાયું છે.
2015ના ફેબ્રુઆરીમાં ત્રણ બાળકનો પિતા એવો એક નિવૃત્ત સંગીત શિક્ષક સ્ટીફન પીંટીટ બ્રિટનના ન્યુકેસલ અપોન ટાયરની ફ્રી મેન હોસ્પિટલમાં હૃદયના વાલ્વની શસ્ત્રક્રિયા માટે દાખલ થયો.
ડો. સુકુમારન નાયર નામના સર્જને દ વિન્સી નામના સર્જિકલ યંત્ર માનવને કામે લગાડયો. આ યંત્ર માનવને સૂક્ષક્મ ધ્વનિ મારફતે આદેશ અપાતા હતા અને આદેશમાં શું ગરબડ થઇ તે એ લોકો જાણે પણ દ વિન્સીએ આડેધડ વાઢકાપ કરી અને નર્સે તેને રોકવાની કોશિષ કરી તો તેને પણ યંત્ર માનવે ઇજા પહોંચાડી. પીંટીટ યંત્ર માનવ પાસે શસ્ત્રક્રિયા ન કરાવી હોત તો તેને બચવાની તક 90 થી 98 ટકા હતી.
2015ના જૂન મહિનામાં જર્મનીના ર્બોનાતાલના ફોકસવેગનના પ્લાંટમાં એક યાંત્રિક હાથ મશીનનો કોઇ ભાગ ઉંચકવા માંગતો હતો અને તે હાથ 22 વર્ષના એક કામદાર પર પડયો. તેણે આ કામદારને ઊંચકીને ધાતુની એક પ્લેટ પર પટકી દીધો. આ કામદારને છાતી પર સખત ઇજા થઇ અને તેને બચાવવાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. મૂળ વાત એ છે કે એસેમ્બ્લી પ્રક્રિયાના ભાગ રૂપે આ યાંત્રિક હાથે જુદા જુદા ભાગ ઉંચકીને કારમાં યોગ્ય સ્થળે જોડવાના હતા પણ કંઇક માનવીય તરલને કારણે તેની કામગીરીમાં ખામી આવી ગઇ એમ ફોકસવેગનના એક પ્રવકતાએ કહ્યું હતું.
1981માં જાપાનના આકાશમાં કાવાસાકી હેવી ઇન્ડસ્ટ્રીઝ પ્લાંટમાં એક હાઇડ્રોલિક યંત્ર માનવની ‘તબિયત’ જોવા ગયેલા 37 વર્ષનાં કેન્જી યુરાડા નામના આ શખ્સને વીજળી પુરવઠો બંધ કરવા જતા યાંત્રિક હાથે ભીંસી દીધો હતો અને કેન્જી જાપાનમાં યંત્ર માનવના ‘ખૌફ’નો પહેલો ભોગ બન્યો હતો. પણ જગતમાં યંત્ર માનવની ‘ભૂલ’ને કારણે મોતને ભેટનાર પહેલો કામદાર અમેરિકાનો મિશિગનનો ફલેટરોકનો રોબર્ટ વિલિયમ હતો જેને અભરાઇ પરથી સામાન ઉતારવા જતાં યંત્ર માનવે માથામાં કોઇક રીતે ફટકો મારી દીધો હતો. કંપનીએ તેને એક કરોડ ડોલરનું વળતર આપ્યું હતું પણ તેથી શું?
– નરેન્દ્ર જોશી