સુરત(Surat): ગુજરાત સરકાર ખેડૂતોને 24 કલાક વીજળી આપવાનો દાવો કરે છે ત્યારે ગુજરાતના સૌથી વધુ વિકસીત અને રાજ્યના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં વીજળીના અભાવે 500થી વધુ કાપડના કારખાના બંધ થઈ જવાની ઘટના બની છે. સુરતમાં છેલ્લાં 2 દિવસથી કાપડના કારખાના વીજળીના વાંકે બંધ રહેતા રોષે ભરાયેલા વીવર્સે આજે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કાપોદ્રા ખાતે આવેલી મુખ્ય કચેરી પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સુરતના સાયણ (Sayan) ખાતે આવેલા 500થી વધુ કાપડના (Weaving Unit) કારખાના છેલ્લાં બે દિવસથી બંધ થઈ ગયા છે. ઉત્પાદન કાપ કે કારીગરોની અછતના લીધે નહીં પરંતુ આ વખતે કાપડના કારખાના વીજકંપનીના વાંકે બંધ થયા છે. સાયણના ઔદ્યોગિક એકમોને વીજપુરવઠો (Electricity Cut) પુરો પાડતા દેલાડના ફીડરને 6 દિવસ માટે દક્ષિણ ગુજરાત વીજકંપની (DGVCL) દ્વારા બંધ કરી દેવામાં આવતા કાપડના કારખાના બંધ થયા છે, જેના લીધે વીવર્સને લાખો રૂપિયાનું નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે, ત્યારે આજે ફોગવાની (Fogwa) આગેવાનીમાં સાયણના વીવર્સે દક્ષિણ ગુજરાત વીજકંપનીની કાપોદ્રા ખાતે આવેલી મુખ્ય કચેરી પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આજે સવારે 10.30 કલાકે ફોગવાના અધ્યક્ષ અશોક જીરાવાલાની આગેવાનીમાં સાયણના વીવર્સ ભેગા થયા હતા. અહીં હમારી માંગે પૂરી કરો, ડીજીવીસીએલ હાય હાય.. જેવા નારા વીવર્સે પોકાર્યા હતા. ત્યાર બાદ ફોગવાની આગેવાનીમાં વીવર્સે ડીજીવીસીએલના એમડીને આવેદનપત્ર આપ્યું હતું.
વીવર્સની ફરિયાદ છે કે કીમથી સાયણ સુધી ક્ષમતા કરતા વધુ વીજપુરવઠો વહન થઈ રહ્યો છે. જેનો લોડ દેલાડ ફીડર પર આવે છે. વધારે વીજલોડના લીધે દેલાડના ફીડર પર ટેકનીકલ ખામી સર્જાઈ છે પરિણામે દેલાડનું ફીડર 6 દિવસ માટે બંધ કરી દેવાયું છે. બે દિવસથી ફીડર બંધ છે. હજુ ચાર દિવસ ફીડર બંધ રહેશે. આ ફીડર બંધ રહેવાના લીધે સાયણની જીઆઈડીસીમાં આવેલા 500 જેટલાં કાપડના કારખાના બંધ થઈ ગયા છે. રોજનું લાખો મીટર કાપડનું ઉત્પાદન અટકી ગયું છે, જેના લીધે વીવર્સને ખૂબ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નજીકના સમયમાં તહેવારોની સિઝન શરૂ થઈ રહી હોય હાલ ઉત્પાદનનો સારો સમય છે, ત્યારે જ કારખાના બંધ થઈ જતા વીવર્સ મુશ્કેલીમાં મુકાયા છે. વહેલી તકે દેલાડનું ફીડર શરૂ કરી વીજપુરવઠો પૂર્વવત્ કરવા વીવર્સ દ્વારા માંગણી કરાઈ છે.