Columns

ઉત્તર ભારતના કિસાનો શા માટે દિલ્હીમાં ફરીથી આંદોલન કરી રહ્યા છે?

ઇ.સ. ૨૦૨૦-૨૧ દરમિયાન ભારતના જનજીવનમાં બે મુદ્દાઓ સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા. પહેલો મુદ્દો કોવિડ-૧૯ નો હતો, તો બીજો મુદ્દો કિસાન આંદોલનનો હતો. ૨૦૨૦ ના ઓક્ટોબર મહિનામાં શરૂ થયેલું કિસાન આંદોલન દુનિયાનું મોટામાં મોટું અને લાંબામાં લાંબું આંદોલન હતું. તેમાં ત્રણથી ચાર લાખ કિસાનો એક વર્ષ કરતાં પણ વધુ સમય સુધી દિલ્હીની સરહદ પર નેશનલ હાઈ વે રોકીને બેઠા હતા. કિસાનો વરસતા વરસાદમાં, કડકડતી ટાઢમાં અને ધોમ તડકામાં પણ વિચલિત થયા નહોતા. લાખોની સંખ્યામાં કિસાનો એકત્રિત થયા હોવા છતાં હિંસાની કોઈ મોટી ઘટના જોવા મળી નહોતી. એક વર્ષના આંદોલન પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ઝૂકવું પડ્યું હતું અને સંસદમાં પસાર થયેલા ત્રણ કાયદાઓ કોઈ પણ જાતની શરત વિના ૨૦૨૧ ના નવેમ્બરમાં પાછા ખેંચ્યા હતા. કિસાનોની બધી માગણી સંતોષાઈ નહોતી તો પણ તેમણે શરતો સાથે પોતાનું આંદોલન પાછું ખેંચી લીધું હતું. હવે કિસાનોનું આંદોલન ફરીથી શરૂ થઈ રહ્યું છે.

૨૦૨૧ ના નવેમ્બરમાં કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ કાયદાઓ પાછા ખેંચી લેવામાં આવ્યા તે પછી યમુના નદીમાં ઘણું પાણી વહી ગયું છે. કિસાનોની જે મુખ્ય માગણી હતી કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ બાબતમાં કાયદો બનવો જોઈએ, તે માગણી પૂરી કરવામાં આવી નથી. બીજી માગણી એ હતી કે આંદોલન દરમિયાન મરણ પામેલા કિસાનોનાં પરિવારોને વળતર આપવામાં આવે. તે માગણી પણ પૂરી થઈ નથી, કારણ કે સરકાર પાસે મરણ પામેલા કિસાનોનો કોઈ ડેટા જ નથી. કિસાનોની ત્રીજી માગણી આંદોલન કરનારા કિસાનો સામે કરવામાં આવેલા તમામ કેસો પાછા ખેંચવાની હતી. તે કેસો પણ પાછા ખેંચાયા નથી. તદુપરાંત ગયા વર્ષના ઓક્ટોબર મહિનામાં લખીમપુર ખેરીમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષે પોતાની જીપમાં આઠ લોકોને કચડી નાખ્યા તે કેસમાં અજય મિશ્રાને પણ આરોપી બનાવવાની કિસાન સંગઠનોની માગણી સરકારે સ્વીકારી નથી.

કિસાન આંદોલન પાછું ખેંચી લેવામાં આવ્યું તેના ૯ મહિના પછી પણ સરકાર દ્વારા મિનિમમ સપોર્ટ પ્રાઇસની ગેરન્ટી આપતો કાયદો બનાવવાનું વચન પાળવામાં આવ્યું નથી. અગાઉના આંદોલન વખતે કિસાનોની ભૂલ એ થઈ ગઈ કે તેમણે ધરણા દિલ્હીની સરહદો પર કર્યા હતા, જેને કારણે રાજધાની નવી દિલ્હીના જનજીવન પર તેનો ખાસ પ્રભાવ પડ્યો નહોતો. કિસાનો દ્વારા આ વખતે મહાપંચાયત જંતરમંતર ખાતે યોજવામાં આવી છે, જે નવી દિલ્હીના હાર્દ સમા વિસ્તારમાં આવેલું છે. સામાન્ય રીતે દેશનો કોઈ પણ નાગરિક સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવા માગતો હોય તો તેને જંતરમંતર ખાતે કાયમી સવલત આપવામાં આવે છે, પણ કિસાનો દ્વારા આંદોલન કરવાનું એલાન કરવામાં આવ્યું કે તરત પોલીસ દ્વારા દિલ્હીમાં ૧૪૪ મી કલમ જાહેર કરવામાં આવી છે, જેમાં સભા-સરઘસ પર પ્રતિબંધ હોય છે. જો કે અગાઉની જેમ ૧૪૪ મી કલમની પરવા કર્યા વિના હજારો કિસાનો દિલ્હીમાં પ્રવેશીને જંતરમંતર પર પહોંચી ગયા છે.

દિલ્હીમાં કિસાન આંદોલન નવેસરથી ચાલુ કરવા કિસાન સંગઠનો એક મહિના કરતાં પણ વધુ સમયથી તૈયારી કરી રહ્યા હતા. સંયુક્ત કિસાન મોરચાના અધ્યક્ષ રાકેશ ટિકૈતે તા. ૩ જુલાઈના દિલ્હી નજીક આવેલા ગાઝિયાબાદ ખાતે મીટિંગ બોલાવી હતી, જેમાં તમામ કિસાન સંગઠનોના નેતાઓ હાજર રહ્યા હતા. તેમાં તા. ૨૦ ઓગસ્ટથી દિલ્હીમાં આંદોલન કરવાની યોજના તૈયાર કરવામાં આવી હતી. કિસાન નેતાઓનો આક્ષેપ છે કે નવેમ્બરમાં આંદોલન પાછું ખેંચવામાં આવ્યું ત્યારે સરકારે વચન આપ્યું હતું કે તે મિનિમમ સપોર્ટ પ્રાઇસ બાબતમાં કાયદો ઘડવા માટે સમિતિની રચના કરશે. સરકાર દ્વારા હજુ સુધી કમિટિની રચના બાબતમાં નિર્ણય લેવામાં આવ્યો નથી.

કેન્દ્રના કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમારે ત્રણ મહિના પહેલાં સંસદમાં જણાવ્યું હતું કે તેઓ કમિટિની રચના કરવાની વિચારણા કરી રહ્યા છે, પણ હજુ સુધી કમિટિ બની નથી. સરકારે કિસાન આંદોલનના નેતાઓને તેમના પ્રતિનિધિનાં નામો આપવા કહ્યું હતું, પણ કિસાનો નામ આપવા તૈયાર નથી, કારણ કે તેમને સરકાર પર ભરોસો નથી. કિસાનોને ડર છે કે સરકાર દ્વારા જે કમિટિ બનાવવામાં આવશે તેમાં ઉદ્યોગોના પ્રતિનિધિઓ પણ લેવામાં આવશે, જેની સામે કિસાનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. હરિયાણામાં આંદોલન કરતા કિસાનો સામે કુલ ૨૭૨ કેસો કરવામાં આવ્યા હતા, જેમાંના ૮૨ કેસો જ પાછા ખેંચવામાં આવ્યા છે. કિસાનોની માગણી તમામ કેસો પાછા ખેંચવાની છે. હરિયાણાની સરકાર કેસો પાછા ખેંચી લેવાની બાબતમાં બહુ ધીમી છે.

પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કિસાનો દ્વારા આટલું મોટું આંદોલન ઊભું કરીને નરેન્દ્ર મોદી જેવા શક્તિશાળી નેતાને નમાવી દેવામાં આવ્યા, પણ ચૂંટણીના રાજકારણમાં તેઓ પોતાનો પ્રભાવ દેખાડી શક્યા નહોતા. કિસાનોના આંદોલનને કારણે પંજાબમાં રહેલી કોંગ્રેસ સરકાર પ્રજામાં બહુ અળખામણી થઈ ગઈ હતી. ભાજપે પણ કિસાન આંદોલનનો વિરોધ કર્યો હોવાથી પંજાબના કિસાનો ભાજપના કટ્ટર વિરોધી થઈ ગયા હતા. કેટલાંક ગામોમાં તો ભાજપના નેતાઓને પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. આ વાતાવરણનો લાભ લઈને પંજાબમાં રાજકીય સત્તા હાંસલ કરવામાં કિસાન નેતાઓ નિષ્ફળ ગયા હતા.

પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં કિસાન સંગઠનોમાં ચૂંટણીમાં ભાગ લેવો કે નહીં? તે બાબતમાં ગંભીર મતભેદો ઊભા થયા હતા. ભારતીય કિસાન યુનિયનના નેતા જોગિંદર સિંહ ઉઘરન ચૂંટણીમાં ભાગ લેવાની વિરુદ્ધમાં હતા, પણ કેટલાક નેતાઓ ચૂંટણીમાં ભાગ લેવા માગતા હતા. ૩૨ જેટલા કિસાન નેતાઓ પંજાબની ચૂંટણી લડ્યા હતા, પણ હાર્યા હતા. તેમને સમ ખાવા પૂરતી એક પણ બેઠક મળી નહોતી. બીજી બાજુ ભાજપ અને કોંગ્રેસના વિરોધમાં કિસાન આંદોલન દ્વારા જે વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું તેનો લાભ આમ આદમી પાર્ટીને થયો હતો. તેમને પંજાબમાં પહેલી વખત બહુમતી મળી હતી. સંયુક્ત કિસાન પંચાયત દ્વારા ચૂંટણી લડનારા ૩૨ પૈકી ૨૨ નેતાઓની હકાલપટ્ટી કરવામાં આવી હતી. આ વિવાદને કારણે કિસાનોની એકતામાં મોટી તિરાડ પડી છે. હવે કિસાનોનું આંદોલન પહેલાં જેવું સફળ નહીં રહે તેવી પણ શંકા રહે છે.

ભારતના કિસાનોનું આંદોલન સફળ થયું તે સ્થાપિત હિતો સામે સંગઠિત થઈને લડી રહેલા નબળા વર્ગનો પ્રચંડ વિજય હતો. તેમાં એક બાજુ ભારત સરકાર, તેનું પોલીસ તંત્ર, લશ્કર, અદાણી અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓ અને વિદેશી કંપનીઓ હતી, જેઓ ભારતમાં જીએમ ફુડનો વેપાર કરવા ઉત્સુક છે. બીજી બાજુ અભણ અને અબુધ ગણાતા કિસાનો હતા, જેમની પાસે કોઈ સત્તા નહોતી કે કોઈ હથિયાર નહોતાં. તો પણ તેમણે શિસ્ત, સંગઠન અને શાંતિની તાકાત વડે બળવાન સરકારને પણ ઝૂકાવી હતી. કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાનૂન રદ કરીને કડવો ઘૂંટડો ગળવો પડ્યો હતો, કારણ કે ભારતના ફુડ સેક્ટર પર કબજો જમાવવાની ઉદ્યોગપતિઓની યોજના ધૂળમાં મળી ગઈ હતી.  કિસાનોને ડર છે કે સરકાર પાછલા બારણે ત્રણ કાયદાઓ પાછા લાવવાની તૈયારી કરી રહી છે. કિસાનોનું વર્તમાન આંદોલન પાણી પહેલાં પાળ બાંધવાની તકેદારી પણ સૂચવે છે.

Most Popular

To Top