Vadodara

તંત્રને જગાડવા થાંભલા પર જાહેર સુચનાના બેનર લાગ્યા

વડોદરા: વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. જેને લઈને રાહદારીઓની મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. રખડતા ઢોરોને કારણે કેટલાક લોકોના હાથ પગ તૂટ્યાની અનેક ઘટના સામે આવી ચુકી છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં તો લોકો મોતને પણ ભેટ્યા છે. ત્યારે ગતરોજ રખડતા ઢોરને કારણે વડોદરાના એક આધેડ પુરૂષે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આજે સ્ટ્રીટ લાઇટની સમસ્યાને અનોખી રીતે ઉજાગર કરવાની ઘટના સામે આવી છે.  ગોત્રી સુભાનપુરા વિસ્તારમાં આવેલી એક સ્ટ્રીટ લાઇટમાં છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં હોવાના કારણે લોકોને અવર જવરમાં મુશ્કેલીનો પારાવાર સામનો કરવો પડી રહ્યો છે. નઘરોળ તંત્રને જાગૃત કરવા માટે નાગરિક લોકેશ ત્રિપાઠીએ નવતર પ્રયોગ અજમાવ્યો હતો. ધૃતરાષ્ટ્ર જેવા તંત્રને નજરે પડે તેવા ઈરાદે થાંભલા પર જ એક બેનર મારી દીધું.  જાહેર સુચના: “છેલ્લા એક વર્ષથી આ થાંભલા પર લાઇટ નથી.અકસ્માત થાય તો જવાબદારી સ્ટ્રીટલાઇટ ખાતાના અધિકારીઓની રહેશે. જેની નોંધ લેવી. – એક જાગૃત નાગરિક. આ બેનર કૃણાલ ચાર રસ્તા, સુરેશ ભજીયા હાઉસ પાસે, સુભાનપુરા વિસ્તારમાં લગાડવામાં આવ્યું છે.આ લખાણ વાંચીને સેકડો નગરજનોએ તંત્રની ટીકાઓ પણ કરી છે. પરંતું મલાઈદાર સેવાના ભેખધારી એવા ચુંટાયેલા પ્રતિનીધીઓ અને સરકારી અધિકારીઓ શું કરે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નેતાઓ  વિકાસની મોટી-મોટી ગુલબાંગો ફૂકી રહયા છે.શહેરના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી રહી છે. વડોદરામાં વોર્ડ નં-9માં આવેલા રસ્તા પર સ્ટ્રીટ લાઈટ બંધ હોવાને કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે. જેની જવાબદારી સ્ટ્રીટલાઈટ વિભાગની છે. તે વિભાગના પાપે નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે. લોકેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, લાઈટ ચાલુ કરાવવા અધિકારીને સતત જાણ કરી છે.લાઈટ નથી, માણસ નથી,લાઈટ નાની કે મોટી સાઈઝની છે જેવા વારંવાર  કંઈકને કંઈક બહાના કાઢતા હોવાથી ત્રણ-ચાર દિવસ પહેલા આવું બોર્ડ લગાવવાનો વિચાર આવતા  સ્ટ્રીટલાઈટ પર બોર્ડ લગાવીદીધું. આ અંગેની જાણ વિસ્તારના અધિકારીને કરીને ફોન પર માહિતી આપી દીધી હતી. થોડાક દિવસ પહેલા જ અમારા ઓળખીતા લોકોમાંથી એક વ્યક્તિનું ગાયના અડફેટે આવી જતા મૃત્યુ થયું હતું. જેમાં મોતનું કારણ સ્ટ્રીટ લાઈટ બંધ હોવાનું કારણ બતાવવામાં આવ્યું હતું. તેમણે અપીલ કરતા જણાવ્યું હતું કે, જો તમારા વિસ્તારમાં પણ આ પ્રકારે કોઇ સમસ્યા હોય તો તમે પણ આગળ આવો અને લોકોની જાહેરમા બોર્ડ જ મુકી દો.

 વિકાસના નામે આપેલા મોટા-મોટા વચનો પર વિશ્વાસ કરીને ચૂંટીને લાવેલા પ્રતિનીધીઓ પણ નાગરિકોની રજૂઆતો ધ્યાને લેવા ના બદલે કુંભકરણની નિંદ્રા માણી રહયા  છે. ચૂંટણીના સમયે સ્થાનિકોનો વિશ્વાસ જીતવા માટે નેતાઓ મોટી-મોટી વાતો કરી વચનોનઅને વિશ્વાસ અપાવતા હોય છે કે, તે લોકો શહેરનો વિકાસ કરશે અને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડશે. પરંતુ, ચૂંટણી પૂરી થતાની સાથે જ તેઓ બધા વચનો અને કરેલી વાતો ભૂલી જતા હોય તેમ લાગી રહ્યું છે.

Most Popular

To Top