ગાંધીનગર : (Gandhinagar) કેન્દ્ર સરકારના નેશનલ ઇન્ડસ્ટ્રિયલ કોરીડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન NICDC દ્વારા ગાંધીનગરમાં આયોજિત ઇન્વેસ્ટર્સ (Investors) રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં (Round Table Conference) સંબોધન કરતાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે (Piyush Goyal) કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (P.M. Narendra Modi) જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના દ્રષ્ટિવંત આયોજન અને વિવિધ નીતિઓના કારણે આજે ગુજરાતનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે અને વિકસિત રાજ્ય બન્યું છે એના અનુભવનો લાભ આજે દેશવાસીઓને મળી રહ્યો છે. ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એવું જ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આજે દેશભરમાં જોવા મળી રહ્યું છે. ગુજરાતે ઉદ્યોગકારો માટે અનેકવિધ નીતિઓ અમલી બનાવી છે.
ગુજરાત આજે તેજ ગતિથી વિકાસ પામી રહ્યું છે
ગોયલે જણાવ્યું હતું કે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે સેમિકન્ડક્ટર્સ પોલિસી જાહેર કરી છે એ દેશમાં કોઈ જગ્યાએ નથી. એટલું જ નહીં iT/iTES પોલિસીના માધ્યમ દ્વારા ગુજરાત આજે તેજ ગતિથી વિકાસ પામી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરા આજે ખૂબ જ તેજ ગતિથી વિકાસ કરી રહ્યો છે .ધોલેરાના વિકાસ માટે અબજો રૂપિયાનું મૂડી રોકાણ આવી રહ્યું છે હાલ ૨૨ ચોરસ કિલોમીટર વિસ્તારમાં દશકો સુધી વિકાસ થશે.
ધોલેરા ખાતે વિવિધ માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવામાં આવનાર છે
સિક્સ લેન નેશનલ હાઈવે અમદાવાદથી ધોલેરા તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાનું વિશ્વનું મોટુ એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. આ બંને પ્રોજેક્ટ વર્ષ-૨૦૨૪માં શરૂ થશે. ધોલેરા ખાતે વિવિધ માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં વીજળી, પાણી, રિસાયકલ વોટર પ્લાન્ટ અને સ્માર્ટ સિટીની કલ્પના કરાઈ છે જે આગામી સમયમાં સાકાર થતાની સાથે જ ધોલેરા-SIR વિશ્વનું સૌથી મોટું શ્રેષ્ઠ મેન્યુફેક્ચરિંગ ઈન્વેસ્ટમેન્ટ ઝોન બની જશે. ગુજરાત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે એનાથી પણ વધુ તેજ ગતિથી ધોલેરાનો વિકાસ થશે તેમ તેમણે ઉમેર્યું હતું. ધોલેરા-SIR એ વિશ્વનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનશે તેનો વિકાસ જોવા માટે આગામી સમયમાં વિશ્વભરના દેશો સહિત વિવિધ રાજ્યોના પ્રતિનિધિ મંડળો આવશે એવો મને વિશ્વાસ છે.