ભારતે (India) બીજી વનડેમાં ઝિમ્બાબ્વેને (Zimbabwe) 5 વિકેટે હરાવી શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતની એશિયા કપ 2022ની ટીમમાં પસંદ ન થયેલા સંજુ સેમસનને ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સામેની બીજી વન ડે ઇન્ટરનેશનલ (ODI)માં 5 વિકેટે જીત મેળવીને ત્રણ મેચની (Cricket) શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવવામાં મદદ કરી હતી. ઝિમ્બાબ્વેના 162 રનના ટાર્ગેટનો પીછો કરતા શિખર ધવન અને શુભમન ગીલે ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. જે બાદ દીપક હુડ્ડા અને સેમસને ભારતને જીત અપાવી હતી. સેમસને 39 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 43 રન બનાવ્યા હતા.
શાર્દુલ ઠાકુરની આગેવાની હેઠળ બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે શનિવારે બીજી વનડેમાં ઝિમ્બાબ્વેને 38.1 ઓવરમાં 161 રનમાં પેવેલિયન ભેગા કરી દીધા હતા. ગત મેચના હીરો દીપક ચહરના સ્થાને ટીમમાં સામેલ કરાયેલા ઠાકુરે આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવતા સાત ઓવરમાં 38 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ, ફેમસ ક્રિષ્ના, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને દીપક હુડાને એક-એક વિકેટ મળી હતી. બે ખેલાડીઓ રનઆઉટ થયા હતા.
ભારત (પ્લેઈંગ ઈલેવન): શિખર ધવન, શુભમન ગિલ, ઈશાન કિશન, કેએલ રાહુલ (કેપ્ટન), દીપક હુડ્ડા, સંજુ સેમસન (વીકેટ કીપર), અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, પ્રણંદ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ
ઝિમ્બાબ્વે (પ્લેઇંગ ઇલેવન): ઇનોસન્ટ કાયા, ટાકુડ્ઝવાનાશે કૈતાનો, વેસ્લી માધવેરે, સીન વિલિયમ્સ, સિકંદર રઝા, રેઝિસ ચકબવા (w/c), રેયાન બર્લ, લ્યુક જોંગવે, બ્રેડ ઇવાન્સ, વિક્ટર ન્યાઉચી, તનાકા ચિવંગા
ઝિમ્બાબ્વેના બોલરોએ આપી જબરજસ્ત ફાઈટ
ટીમ ઈન્ડિયાએ ચોક્કસપણે આ મેચ 5 વિકેટે જીતી લીધી હતી પરંતુ એ કહેવું જરાય ખોટું નથી કે ઝિમ્બાબ્વેના બોલરોએ શાનદાર લડત આપી હતી. ઝિમ્બાબ્વેના બોલરોએ ભારતીય સૂરમાઓના ટોપ ઓર્ડરને નિષ્ફળ કરવામાં કોઈ કસર છોડી ન હતી. પ્રથમ વનડેમાં 10 વિકેટે જીત નોંધાવનાર કેપ્ટન કેએલ રાહુલ 1 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે શિખર ધવન અને શુભમન ગીલે 33-33 રનની ઇનિંગ રમી હતી. જોકે ટાર્ગેટ એટલો ઓછો હતો કે સંજુ સેમસનના અણનમ 43 રનની મદદથી ભારતે 25.3 ઓવરમાં ઝિમ્બાબ્વેને હરાવ્યું હતું. બીજી તરફ ઝિમ્બાબ્વે માટે સીન વિલિયમ્સે 42 બોલમાં એક છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 42 રન બનાવ્યા હતા.