ડૉક્ટર બનવા ઈચ્છતા વિદ્યાર્થીએ મેડિકલમાં પ્રવેશ મેળવવા કેટલું ડોનેશન આપવું પડે તે અંગેની જાણકારી મેળવવા અમે એક ડોક્ટર મિત્રને ફોન કર્યો. (ડોક્ટરને ફોન પર આવતા વાર લાગી એટલે તે સંવાદશૂન્ય સ્થિતિમાં અમને એ વિચારીને હસવું આવ્યું: મારા જેવો મામુલી મધ્યમવર્ગીય માણસ ડોક્ટર બનવાનો ભાવ પૂછે તે એવું લાગતું હતું જાણે કોઈ ભિખારી મારૂતિ કારનો ભાવ પૂછતો હોય..!) ડોક્ટર મિત્રે છ આંકડાની રકમ જણાવી તે સાંભળી બાજુમાં બેઠેલા બચુભાઈ બોલ્યા: ‘અન્ડરવર્લ્ડના ડોનની મદદ વિના આપણા જેવાથી તો દીકરાને ડોક્ટર બનાવી જ ના શકાય.. સિવાય કે હજાર બારસોમાં મળતી ડોક્ટરની બનાવટી ડિગ્રી મેળવી સંતોષ માનીએ..!’સુરતમાં થોડા સમય પહેલા એક બનાવટી ડોક્ટરની બાર ભૂલોવાળી અંગ્રેજી ચિઠ્ઠી છાપે ચમકી હતી. એવા Made in U.S.A (ઉલ્હાસનગર)ની ડિગ્રીવાળા ડોક્ટરોને કારણે સ્મશાનના કર્મચારીનો વર્કલોડ વધી જવા પામ્યો છે.
એક ડોક્ટર એક દિવસની દવાના સોને બદલે બસો રૂપિયા પડાવે ત્યારે સમજવું કે પેલા વધારાના સો રૂપિયા તેના પિતાશ્રીએ ચૂકવેલા વધારાના ડોનેશન પેટે દરદીઓએ ચૂકવવા પડે છે. કોઈ પિતા ખૂબ ઊંચુ ડોનેશન આપીને દીકરાને ડોક્ટર બનાવે છે ત્યારે સમાજના હજારો દરદીઓ અજાણપણે તેના ફાઈનાન્સર બની રહે છે. કેવળ ડોનેશનનું અનિષ્ટ નથી. સમાજમાં કોઈ પણ અનિષ્ટ વકરે ત્યારે પ્રત્યેક માણસે તેનો “હપતો’’ચૂકવવો પડે છે. આપણી ચોતરફ ભ્રષ્ટાચારના મોજા ઉછળી રહ્યાં છે. સ્થિતિ એવી છે કે પગ ઊંચા કરી લેવાથી પણ આપણે પગોને ભીંજાતા બચાવી શકતા નથી. મેડિકલના ઊંચા ડોનેશન સામે તમને ગમે તેટલો તીવ્ર વિરોધ હોય તો પણ તમને તાવ આવ્યો હોય તો તમારા ખિસામાંથી થોડાક વધારે પૈસા ડોક્ટરના ડોનેશન પેટે ચૂકવવા જ પડે છે. કલ્પી લો હર્ષદ મહેતા કરિયાણાનો વેપારી છે.
એણે રાજકારણીઓને ચૂંટણીફંડ રૂપે કરોડો રૂપિયા ચૂકવવા પડ્યા હોય તો એની દુકાને મળતું નમક (મીઠુ) પણ એણે બમણા ભાવે વેચવું પડે. (ભલે ગ્રાહક તરીકે સામે ગાંધીજી ઊભા હોય..!) આને નમકહરામી કહો કે નમકહલાલી.. પણ કરોડોના ભ્રષ્ટાચારની રિકવરી માટે બજાર પણ મોટું જોઈએ..! દુર્ભાગ્યે આપણે સૌ તે બજારની ભૂમિકામાં છીએ..! એક વાત છાતી ઠોકીને કહી શકાય કે ખાનગી શાળામાં પોતાના પુત્રને પ્રવેશ અપાવવા ગયેલા કોઈ ગરીબ માણસે એંશી નેવુ હજારનું ડોનેશન રડતા હ્રદયે ચૂકવવું પડ્યું હોય અને ઘરે આવતીવેળા માર્ગમાંથી એને કોઈનું પૈસા ભરેલું પાકીટ મળે તો એ પરત નહીં કરે.
આપણી ભ્રષ્ટાચારી સમાજવ્યવસ્થાના વાયરસની સૌથી વધુ અસર સમાજના છેવાડાના માણસને થાય છે. આમેય મધ્યમવર્ગના માણસોની સ્થિતિ ધોબીઘાટના પથ્થર જેવી હોય છે, જ્યાં આખા ગામનો મેલ નિચોવાય છે. પોતાના ઘરમાં કામવાળી, ટેલિફોન કે A.C. ન રાખીને કરકસર કરતો માણસ સાંસદોના ભાડા ભથ્થા કે વધારે ઊંચા ટેલિફોન બિલોની ચુકવણીમાંથી છટકી શકતો નથી. દિલ્હીમાં એક સાંસદ કરોડો રૂપિયામાં વેચાય છે ત્યારે એ સોદાની ચૂકવણી કોઈને કોઈ રીતે છેવાડાના માણસોએ કરવી પડે છે.
સમાજમાં વકરતા અનિષ્ટો હનુમાનજીના પૂછડે લાગેલી આગ જેવા છે. હનુમાનજીના પૂછડે લાગેલી આગ આખી લંકાએ સહન કરવી પડે છે. એક શરાબી ડ્રાઈવરના પ્રત્યેક પૅગની કિંમત ઘણા બધા નિર્દોષ મુસાફરોએ પોતાનો જીવ આપીને ચૂકવવી પડે છે. સમાજમાં કોઈ પણ અનીતિનો વંટોળિયો ગતિમાન થાય ત્યારે તે બહુજન સમાજને લપેટમાં લેતો આગળ વધે છે. તેલની તકરાર સદ્દામ હુસેન કે બુશનો ખાનગી મામલો નથી બની રહેતી. હનુમાનજીનું સળગતું પૂછડું બની તે આખી દુનિયાના તેલબજારને ભડકે બાળે છે. (રશિયા અને યુક્રેન વચ્ચે જે સાઠમારી થઈ તેની સમગ્ર વિશ્વ પર અસર થઈ)
ભગવાનથીય ન સુધારી શકાય એ રીતે અહીં બધું બગડ્યું છે. આપણે બધા જ ન ઈચ્છીએ તોય કોઈ ને કોઈ રીતે ભ્રષ્ટાચારી જીવનવ્યવસ્થાના શિકાર યા વાહક બની રહીએ છીએ. કોઈ સરકારી કચેરીના સો માણસોના સ્ટાફમાંથી નવ્વાણુ માણસો લાંચ લેતા હોય અને કોઈ એકાદ પ્રામાણિક માણસ લાંચ ન લેવાનો નિર્ણય કરે તો તેની દશા વરુઓ વચ્ચે ફસાયેલી બકરી જેવી થઈ જાય છે. મનમાં સુસંસ્કારનો મોરલો ગમે તેટલી કળા કરતો હોય તોય માહોલ એટલી હદે બગડી ચૂક્યો છે કે પ્રામાણિક બની રહેવાનું કામ હરિશ્ચંદ્રનાય હાંજા ગગડાવી દે એટલું કઠીન બની ચૂક્યું છે. એથી કોઈ ગરીબ રિક્ષાચાલક કે બસ કન્ડક્ટર હજારો રૂપિયાથી ભરેલું પાકિટ પરત કરે છે ત્યારે તેની આદરપૂર્વક નોંધ લેવાવી જોઈએ. પણ અફસોસ આપણે હર્ષદ મહેતાનો ક્લોઝપ ફોટો છાપીએ છીએ પણ સમાજના છેવાડેનો માણસ નમુનેદાર પ્રામાણિક્તા દાખવે તોય તેનો માત્ર નામોલ્લેખ કરીને સંતોષ માનીએ છીએ.
ધૂપછાંવ
ગાંધીજીએ કહેલું: ‘દરેક માણસ પોતાનું આંગણું ચોખ્ખું રાખે તો આખું ગામ ચોખ્ખું રહી શકે. દેશનો દરેક માણસ જ્યાં ઊભો છે ત્યાં ભ્રષ્ટાચારથી શક્ય એટલો વેગળો રહે તો આખા દેશને “સ્વચ્છ ભારત”બનાવી શકાય.