Columns

કઠપૂતળી કલા: લાકડાની પૂતળી બોલે,ચાલે, નાચે ને ગાઈ

સમગ્ર વિશ્વની રીતે જોવા જઈએ તો કઠપૂતળી ઘણી જૂની કલા છે. જેનાં પ્રમાણ ઈ. સ. પૂર્વે પાંચમી સદીનાં પ્રાચીન ગ્રીસમાં જોવા મળે છે. ઈ. સ. પૂર્વે 2000 હજિપ્તમાં પણ દોરીથી સંચાલિત કઠપૂતળીના અવશેષો જાણવા મળે છે. એ ઉપરાંત ઇન્ડોનેશિયા, જાપાન, કોરિયા વગેરે એશિયાના દેશોમાં હજારો વર્ષ પહેલાં કઠપૂતળી હોવાના પુરાવા મળે છે. મીના નાયક નામની વર્તમાન પપેટ નિષ્ણાંતના જણાવ્યા મુજબ કઠપૂતળીની શોધ ભારત અથવા ચીનમાં થઈ હોવાનું મનાય છે.

ભારતમાં કઠપૂતળીકલાનો ઉદ્દભવ કહેવાય છે કે 4000 વર્ષ પહેલાં થયેલો. કઠપુતળીકલા આપણા પાડોશી દેશ ચીનમાં પણ હજારો વર્ષ પહેલાં અસ્તિત્વ ધરાવતી હતી. સિંધુ ખીણની પ્રાચીન સંસ્કૃતિના અવશેષોમાંથી પણ તે કાળે કઠપૂતળી હોવાના પુરાવા સાંપડે છે. ત્યાંના ખોદકામમાંથી ટેરેકૉટામાંથી બનાવેલી પૂતળી મળી આવેલી જેના હાથપગ અને માથું હલાવી શકાય એ પ્રકારે બનાવવામાં આવ્યાં છે. ઈ.સ. બીજી સદીમાં રચાયેલાં નાટ્યશાસ્ત્રમાં પણ ભરતમુનિએ કઠપૂતળીકલાનો ઉલ્લેખ કર્યો છે. એ ઉપરાંત 500થી 1500 વર્ષ પહેલાંના પ્રાચીન સાહિત્યમાં પણ કઠપૂતળી હોવાની સાબિતીઓ મળે છે. આપણાં પ્રસિદ્ધ મહાકાવ્ય મહાભારત, નાટ્યશાસ્ત્ર, કામસૂત્ર ઉપરાંત અશોકના શિલાલેખોમાં પણ કઠપૂતળીના સંદર્ભ જોવા મળે છે.

ભારતીય કઠપૂતળી(Puppetry)ની કલા અત્યંત પ્રાચીન કાળથી ચાલી આવે છે. મુખ્યત્વે લાકડામાંથી બનાવવામાં આવતી હોવાથી આ પૂતળીઓને કાષ્ટ-કાઠ-કઠપૂતળી નામે ઓળખવામાં આવે છે. અલબત્ત, આજે તો જાત જાતની સામગ્રીઓમાંથી આધુનિક પૂતળીઓ બનાવવામાં આવતી હોવા છતાં તેને બોલચાલની ભાષામાં હજુય કઠપૂતળી અથવા અંગ્રેજીમાં પપેટ્સ(puppets) કહેવાય છે. આ કલામાં જીવંત માનવકલાકારોને બદલે નિર્જીવ કઠપૂતળીઓની મદદથી લોકોને મનોરંજન મળે એ પ્રકારની જાણીતી પૌરાણિક કે ઐતિહાસિક કથાઓ ભજવવામાં આવે છે.

ઈશ્વરે સર્જેલી આ સંસારરૂપી રંગભૂમિ નહીં પણ માનવસર્જિત રંગભૂમિના સંચાલક કે દિગ્દર્શકને સૂત્રધાર કહેવામાં આવે છે. કારણ કે તેમાં અભિનય કરતાં તમામ પાત્રોનાં સૂત્રો, તેમને સંચાલિત કરનાર સૂત્રધારને હસ્તક હોય છે. જેમ આપણાં જીવનનાં સૂત્રો ઈશ્વરના હાથમાં છે તેમ આપણે સર્જેલાં પાત્રોનાં સૂત્રો રંગમંચના સૂત્રધારના હાથમાં હોય છે. આ કલાનો રોમાંચ એ જોવામાં છે કે આ નિર્જીવ કઠપૂતળીઓને તેનો સૂત્રધાર તેની આંગળીઓનાં કેવાં અદ્ભુત કૌશલ વડે ચેતનવંતી કરી દઈને એક નાનકડા રંગમંચની અંદર હરતીફરતી, નાચતીકુદતી, ગાતીબોલતી કરી દે છે ! એક કાબેલ સૂત્રધાર આ કઠપૂતળીઓમાં પ્રાણ પૂરી તમારી નજર સમક્ષ એક આખી માયાવી સૃષ્ટિ ખડી કરી દે છે. આ એટલો મનભાવન ભ્રમ છે કે પ્રયોગ શરૂ થતાંની થોડીક જ વારમાં પ્રેક્ષકો ભૂલી જાય છે કે તેની નજર સામે કોઈ સાચેસાચાં પાત્રો નથી પણ માત્ર બેજાન, નિષ્પ્રાણ લાકડાંની પૂતળીઓ માત્ર છે !

જગતના તમામ સમાજોમાં કઠપૂતળીકલા લોકપ્રિય છે. તેનો ઉપયોગ ઉત્સવો, ઉજવણીઓ, ધાર્મિક પ્રસંગો વગેરે સમયે લોકોને મનોરંજન આપવા થાય છે. ખાસ કરીને બાળકોને આ કલા સૌથી પ્રિય છે કારણ કે નિર્જીવ પૂતળીઓને ગાતી-નાચતી નિહાળીને બાળપ્રેક્ષકો આશ્વર્યચકિત રહી જાય છે. આમેય વયસ્કોની સરખામણીમાં બાળકોને ફેન્ટસી કે ભ્રમણામાં વધારે રસ પડે છે. સાહિત્યમાં ‘સૂત્રધાર’ શબ્દ જ અહીંથી કઠપૂતળીકલામાંથી આવ્યો છે. તાત્ત્વિક રીતે પણ વિચારીએ તો એમ કહી શકાય કે ઈશ્વર આપણો સૂત્રધાર છે અને આપણે તેની કઠપૂતળીઓ છીએ!

કઠપુતળીના ખેલ કરનારાઓ તેમનો સાધનસરંજામ લઈને ગામેગામ ફરે છે અને લોકોને આ ખેલ દેખાડે છે. વળી આ કઠપૂતળીઓને વાતને અનુરૂપ રંગબેરંગી સુંદર પોશાકો પહેરાવવામાં આવે છે. પુરુષ કે મહિલા પાત્ર અનુસાર આ પૂતળીઓને આકર્ષક ઢબે સજાવવામાં આવે છે. દરેક પૂતળીનું નોખું, આગવું વ્યક્તિત્વ સર્જવામાં આવે છે જેથી અનેક પૂતળીઓ વચ્ચે પણ કથાનાં મુખ્ય પાત્રોને પ્રેક્ષકો આસાનીથી ઓળખી શકે. સદીઓ પુરાણાં આ ભારતીય કલાસ્વરૂપ ઉપર આજ સુધીમાં ઇતિહાસ, સાહિત્ય, ચિત્રકલા, શિલ્પકલા, વેશભૂષા વગેરેનો પ્રભાવ પડ્યો છે. વળી કઠપૂતળીની આ કલા ભારતના દરેકેદરેક પ્રદેશમાં પોતપોતાની રીતે વિકસેલી છે. તે જે જે પ્રદેશની હોય તે તે પ્રદેશની લોકવાર્તાઓ, દંતકથાઓ, લોકસંગીત, વેશભૂષા, લોકબોલી, ખાનપાન કે રહેણીકરણી વગેરે વિશેષતાઓ તેમાં પ્રતિબિંબિત થયાં વગર રહેતી નથી. આને પરિણામે દરેક પ્રદેશની કઠપૂતળીકલાનું પોતાનું અલગ આકર્ષણ રહેવા પામ્યું છે.

કઠપૂતળીઓની તમામ રસપ્રદ મનોરંજક ક્રિયાઓનો યશ સૂત્રધારને ફાળે જાય છે. જેટલો કુશળ-કાબેલ સૂત્રધાર એટલો ચેતનવંતો અને મજેદાર કઠપૂતળીઓનો અભિનય! સમગ્ર ખેલનું સંચાલન સૂત્રધારના હાથમાં છે. વધુમાં તે કઠપૂતળી નચાવવાની સાથે સાથે તેનો અવાજ પણ આપતો જાય છે. પોતાનાં મોંથી ‘મોરચંગ’ નામનું વાદ્ય વગાડે, તેનો એકાદ સાથી ઢેલ વગાડે, સ્ત્રીઓના અવાજો પણ કાઢે અને આમ જાત જાતના ધ્વનિ અને ગીતસંગીતથી ખેલને જીવંત બનાવે. ઘણી વાર ખેલમાં એકથી વધારે સૂત્રધારો પણ હોય છે જેઓ પરસ્પરની સમજ સાથે ખેલમાં એકરૂપતા જાળવે છે અને કઠપૂતળીની ક્રિયામાં વધારે વૈવિધ્ય પૂરું પાડે છે.

કેટલાક એવો મત ધરાવે છે કે ભારતમાં કઠપૂતળી સૌપહેલાં રાજસ્થાનમાં પ્રચલિત થઈ. ઈ.સ. 10મી સદીનો ઈતિહાસ જણાવે છે કે કઠપૂતળીકલાને હંમેશા રાજામહારાજાઓ તરફથી સહાય મળતી રહેતી. કોઈ પણ પ્રસંગની ઉજવણી કરતી વખતે લોકો કઠપૂતળીના કલાકારોને ખેલ બતાવવા આમંત્રિત કરતા. બાદમાં કહેવાય છે કે દુષ્કાળ પડવાને કારણે મહારાષ્ટ્રમાં કઠપૂતળીકલાનાં કેન્દ્ર જેવાં ગામ ચંદ્રાપુરથી કેટલાય કલાકારો આંધ્રપ્રદેશ અને કર્ણાટકના વિસ્તારોમાં સ્થળાંતર કરી ગયા. એવી પણ એક વિગત જાણવા મળી છે કે 18મી સદીમાં કઠપૂતળીના કેટલાક કલાકારો છત્રપતિ શિવાજીના ગુપ્તચર તરીકે કામ કરતા હતા.

એ ઉપરાંત એક તબક્કે મહારાષ્ટ્રમાં કઠપૂતળી કલાના કેટલાય કલાકારો જીવનનિર્વાહ ન થઈ શકવાથી આ વ્યવસાયને છોડી ખેતી કરવા તરફ વળી ગયેલા. કઠપૂતળી-કલાસ્વરૂપનો ઉપયોગ ભારતનાં સ્વતંત્રતા આંદોલન વખતે સામાન્ય પ્રજાને જાગૃત અને શિક્ષિત કરવા માટેનાં એક મહત્ત્વના સામૂહિક જાહેર માધ્યમ તરીકે પણ થયો હોવાનાં પ્રમાણ મળે છે. કઠપૂતળી કલાની કેટલીય અનોખી વિશેષતાઓને કારણે તેના યોગ્ય ઉપયોગની અપાર સંભાવનાઓ રહેલી છે. અને એટલે ભારતની આ અત્યંત પ્રાચીન કલાને જાળવી રાખવી આપણો ધર્મ છે.

1977માં કલાપ્રેમી, સ્વાતંત્ર્યસૈનિક અને સામાજિક સુધારક એવા કમલાદેવી ચટ્ટોપાધ્યાયે કઠપૂતળી કલાને વિકસાવવા તરફ ખૂબ ધ્યાન આપ્યું. તેણે આ કલા પ્રતિ શહેરી શિક્ષિત કલાકારોને જાગૃત કરવા એ વિષય પરના પરિસંવાદો યોજ્યા, સમકાલીન કઠપૂતળી કલા પ્રદર્શિત કરી શકાય તે માટે આર્થિક અનુદાન સહિતની બીજી વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકી. આમ ભારતની આ પ્રાચીન કળાની ધરોહરને સાચવવા, ટકાવવા અને આગળ વિકસિત કરવા અંગેના ઘણા પ્રયાસો કર્યા.

ઈ. સ. 1950થી 1970 દરમિયાન આધુનિક કઠપૂતળીના જાણકારો મહેર કૉન્ટ્રાક્ટર અને તેમના પછી તેમના શિષ્ય દાદી પદમજી બહાર આવ્યા જેમણે ભારતમાં કઠપૂતળી ક્ષેત્રે પરંપરાથી હટીને જાત જાતના પ્રયોગો કરી આ કલાનો વિકાસ સાધ્યો. આ બંને કલ્પનાશીલ કલાકારોએ કઠપૂતળીની બનાવટ, તેનું સંચાલન અને તેની મદદથી ભજવાતી વાર્તાઓ અને વિષયો પર આજના સમય અને પ્રેક્ષકોને અનુરૂપ અનેક નવા પ્રયોગો કર્યા. ખાસ કરીને તેમણે સમાજમાં પ્રવર્તતાં દૂષણો અને લોકજાગૃતિના વિષયો પર અનેક પ્રયોગો કર્યા. તેમાંય બાળ પ્રેક્ષકોને લક્ષ્યમાં લઈને તેમણે ગમ્મત સાથે જ્ઞાનને લગતા જાત જાતના પ્રયોગો કર્યા.

Most Popular

To Top