Columns

જળોમાં સૌથી ઉત્તમ વરસાદનું જળ, મઘા નક્ષત્રના વરસાદના પાણીના આટલા ફાયદા

જૈન ધર્મના એક સૂત્ર પ્રમાણે જગતમાં જેટલા પ્રકારના જળ જોવા મળે છે, તે પૈકી ઉત્તમ જળ વરસાદનું જળ છે. નદી, કૂવા, તળાવ કે બોરના પાણીમાં જાતજાતની અશુદ્ધિઓ ભરેલી હોય છે, પણ વરસાદનું જળ ૧૦૦ ટકા શુદ્ધ હોવાથી તેને ઉત્તમ જળ ગણવામાં આવ્યું છે. જેમને વરસાદના જળની કિંમત ખબર નથી હોતી તેઓ બોટલમાં પેક કરેલું પેયજળ ૨૦ રૂપિયે લિટરના ભાવે ખરીદીને પીએ છે. બોટલ્ડ વોટરનું ઉત્પાદન કરવા માટે તેમાંના બધા ક્ષારો RO સિસ્ટમનો ઉપયોગ કરીને કાઢી નાખવામાં આવે છે.

તેમાં શરીર માટે જરૂરી ક્ષારો પણ નીકળી જાય છે, જેને કારણે સાંધાના દુ:ખાવાના રોગો વધી રહ્યા છે. આજે ૪૦ વર્ષની ઉંમર વટાવી ગયેલી મહિલાઓમાં મોટા પાયે સાંધાના દુ:ખાવા જોવા મળે છે, તેનું કારણ RO વોટર છે. સુપ્રિમ કોર્ટ દ્વારા RO વોટર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતા તે છૂટથી વેચાય છે. વરસાદનું જળ જ્યારે વાદળામાંથી નીકળી ધરતી પર પહોંચતું હોય છે તે દરમિયાન હવામાં રહેલા રસાયણો તેમાં ઓગળી જતા હોવાથી વરસાદના પાણીમાં તમામ આવશ્યક ક્ષારો કુદરતી રીતે જ હાજર હોય છે.

વર્ષાઋતુમાં સૂર્યનું મઘા નક્ષત્રનું ભ્રમણ ખુબજ મહત્ત્વનું છે. મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે ‘મઘા કે બરસે, માતુ કે પરસે’ એટલે કે ‘મા જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય’એમ મઘા નક્ષત્રના વરસાદથી ધરતી માતાની પાણીની તરસ બૂઝાઈ જાય છે, જેનાથી પાક પણ ખૂબ જ સારો થાય છે. મઘા નક્ષત્રનું વરસાદનું પાણી ગંગાજળ સમાન છે, જેનો ઉપયોગ રોજીંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ કરી શકાય છે. કહેવાય છે કે જો મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાની તોલે ગણવામાં આવે છે.

આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં કીડા પડતા નથી. આ મઘા નક્ષત્રનું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કચરો હોય તો તે સાફ થઈ જાય છે. મઘાનું પાણી ગંગાજળના સમાન છે. તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઇ પણ રીતે તે બગડતું નથી. જો તમારા ઘરમાં ભૂગર્ભ ટાંકું ન હોય તો પણ હજાર કે બે હજાર લિટરની પાણીની ટાંકી વસાવીને તેમાં વરસાદનાં પાણીનો સંગ્રહ કરી શકાય છે. તેમાં દૈનિક રસોઈ રાંધવાથી રસોઈ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનશે.

ખંભાત જેવા પ્રાચીન નગરોમાં દરેક ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે મોટા ટાંકાઓ હતા અને હાલમાં પણ અમુક ઘરોમાં આ ટાંકાઓ જોવા મળે છે, જેમાં ખંભાતવાસીઓ વરસાદી પાણીનો સંગ્રહ કરતા અને આખું વર્ષ તેનો ઉપયોગ કરતા આવ્યા છે. સુરતમાં જેમાં કોઈ વસવાટ ન કરતા હોય તેવાં જૂનાં મકાનો તોડવામાં આવે ત્યારે તેના ભૂગર્ભમાં વરસાદનાં પાણીના ટાંકા મળી આવે છે. તેમાં દાયકાઓ જૂનું પાણી પણ શુદ્ધ અને પીવાલાયક જોવા મળે છે. મુંબઈ નજીક આવેલી બે હજાર વર્ષ જૂની કાન્હેરી ગુફામાં પણ વરસાદના પાણીના ટાંકા જોવા મળે છે. આ ટાંકામાં પાણી ભરવા માટે પહાડના ઢાળ પર નીકો બનાવવામાં આવી હતી. આ ટાંકાનું કોઈ ધ્યાન ન રાખતું હોવા છતા તેમાં આપોઆપ પાણી ભરાય છે, જેનો ઉપયોગ પીવા માટે પણ કરી શકાય છે.

એક પૌરાણિક માન્યતા પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘાના વરસાદનું જ પાણી પીવે છે. ઘણા લેખોમાં ચંદ્રના નક્ષત્રનું મઘાનું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે. હકીકતમાં ચંદ્ર નહિ પણ સૂર્ય જયારે મઘા નક્ષત્રમાં ભ્રમણ કરે ત્યારે જે વરસાદ વરસે તે પાણીનું મહત્વ છે. આ વર્ષે મઘા નક્ષત્રમાં સૂર્યનું ભ્રમણ તા. ૧૭/૦૮/૨૦૨૨ એ સવારે ૭.૨૩ થી તા. ૩૦/૦૮/૨૦૨૨ એ રાત્રિના ૩.૧૯ સુધી રહેશે. આ ૧૪ દિવસમાં આપ જેટલા પણ વરસાદી પાણીનો સંગ્રહ કરી શકતા હોવ તેટલો કરી લેજો. અગાસીમાં કે ખુલ્લા મેદાનમાં તાંબા, પિત્તળ, કાંસા અથવા તો માટલા એવી રીતે મૂકો કે આ મઘાનો મોંઘો વરસાદ સીધો જ આપના મૂકેલા પાત્રોમાં ભરાઈ જાય. આ પાણીનો ઉપયોગ શું શું કરી શકાય? આંખોના કોઈપણ રોગમાં આખોમાં બે-બે ટીપા નાખી શકાય. પેટના કોઈ પણ દર્દમાં આ મઘાનું પાણી પીવું ઉત્તમ છે. જો આપ કોઈ આયુર્વેદિક દવા લેતા હોવ તો તે આ મઘાના પાણી સાથે લેવાથી તેનો લાભ વધી જવા પામે છે.

ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા ૨૨થી ૨૯ ઓગસ્ટ દરમિયાન વિશ્વ જળ સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. આ સપ્તાહ દરમિયાન ભારતની પરંપરાગત જળ સંગ્રહ પદ્ધતિ બાબતમાં અનેક કાર્યક્રમો યોજાવાના છે. જો વરસાદનું પાણી જે જમીન પર પડે છે, ત્યાં જ તેનો સંગ્રહ કરવામાં આવે અને ઉપયોગ કરવામાં આવે તો કુદરતનું સંતુલન જળવાઈ રહે છે અને વિરાટ બંધો પાછળ ખર્ચવામાં આવતા કરોડો રૂપિયા બચાવી શકાય તેમ છે.આજે રાજપીપળા નજીક બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમનું પાણી છેક કચ્છ સુધી પહોંચાડવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવાને બદલે કચ્છના દરેક ઘરમાં વરસાદનાં પાણીના ટાંકા બાંધવામાં આવે તો કચ્છની પાણીની સમસ્યા સહેલાઈથી હલ થઈ જાય તેમ છે. જો દરેક ઘરમાં પાણીના ટાંકા ન બાંધી શકાય તેમ હોય તો ઠેકઠેકાણે રિચાર્જ કૂવા બનાવીને તેમાં વરસાદનું પાણી ઊતારી દેવું જોઈએ. તેનો ફાયદો એ થશે કે બોરિંગમાં પાણીનું લેવલ ઊંચે આવશે અને પાણીની ગુણવત્તા પણ સુધરશે.

Most Popular

To Top