Columns

ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ગુગલ આપણી જાસૂસી કરે છે

ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ગુગલ અને વ્હોટ્સ એપ જેવાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ આપણને તેમની સેવાઓ મફતમાં આપે છે, પણ તેઓ તેની કેવી અને કેટલી કિંમત વસૂલ કરે છે, તેની આપને કલ્પના પણ નથી. આપણે ગુગલની જીપીએસ સિસ્ટમ વાપરતા હોઈએ અને આપણે લોકેશનનો વિકલ્પ બંધ રાખ્યો હોય તો પણ ગુગલ આપણી દરેક હિલચાલ પર નજર રાખે છે. ચોક્કસ મહિના દરમિયાન આપણે ક્યાં સ્થળોની મુલાકાત લીધી, કઈ દુકાનોમાં શોપિંગ કર્યું, ક્યાં ભોજન કર્યું અને કઈ હોટેલમાં રાત ગાળી તેનો બધો ડેટા ગુગલના સર્વરમાં સ્ટોર થતો હોય છે. આ ડેટા તેઓ આપણી જાણ બહાર ધંધાદારી સાહસોને વેચતા પણ હોય છે. દાખલા તરીકે તમે કોઈ દુકાનમાં જઈને શોપિંગ ન કર્યું હોય તો પણ તેનો ડેટા ગુગલના માધ્યમથી દુકાનના માલિક પાસે પહોંચી જાય છે અને તે તમને લલચામણી ઓફર પણ આપી શકે છે. મહિનાના અંતે ગુગલ તમે કેટલા કિલોમીટરનો વાહનમાં પ્રવાસ કર્યો, કેટલા કિલોમીટર ટ્રેનમાં ફર્યા અને કેટલા કિલોમીટર ચાલ્યા તેનો સરવાળો કરીને તમને ઈ-મેઈલના માધ્યમથી પરફેક્ટ જણાવી દે છે.

ગુગલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યૂબ પણ એકબીજાના સહયોગમાં કામ કરે છે. થોડા દિવસ પહેલાં મારા એક મિત્રે ગુગલના ક્રોમ બ્રાઇઝરનો ઉપયોગ કરીને પોતાની જૂની મોટર કાર વેચવા માટે એક વેબસાઇટ પર પોતાની વિગતો આપી હતી. થોડા સમય પછી તેણે યુટ્યૂબ ખોલ્યું તો તેમાં તે કંપનીની જાહેરખબર જોવા મળી હતી. તેણે ફેસબુકનું પેજ ખોલ્યું તો પણ તે કંપનીની જાહેરખબર ટોપ પર જોવા મળી હતી. હવે તે મિત્ર ફેસબુક કે યુટ્યૂબ પર જાય કે તરત તેને સૌથી પહેલાં પેલી કાર ખરીદનાર કંપનીની જાહેરખબર જોવા મળે છે. થોડા દિવસ પછી તો તેને કાર ખરીદનારી કંપનીનો ફોન પણ આવી ગયો કે તમારે કાર વેચવી છે? તેના ઈમેઈલમાં પણ કાર ખરીદનારી કંપનીની જાહેરખબરો આવવા લાગી છે. હવે તેણે કાર કદાચ વેચવી જ પડશે.

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સ એપ જેવા પ્લેટફોર્મની માલિકી મેટા નામની કંપનીની છે. આ ત્રણ પ્લેટફોર્મ પર તમે જે કાંઈ કરો તેનો વર્ષો સુધી રેકોર્ડ આ કંપની રાખતી હોય છે. દાખલા તરીકે તમે ત્રણ વર્ષ પહેલાં આજના દિવસે કોઈ હિલ સ્ટેશન પર ગયા હો અને તમે તેના ફોટા પાડ્યા હોય તો તમને તેની યાદ કરાવવા તેઓ ફોટા મોકલી આપે છે. ઘણી વખત તો જે ઘટના આપણા માનસપટ પરથી ભૂંસાઈ ગઈ હોય અને જે ફોટા આપણા મોબાઈલમાં પણ ન હોય તે ફોટા ફેસબુક આપણને શોધીને આપે છે. તમે વિચાર કરો કે ભારત સરકારમાં મહત્ત્વના હોદ્દા પર કામ કરી રહેલી કોઈ વ્યક્તિ હોય, સુપ્રિમ કોર્ટના કોઈ જજ હોય કે સૈન્યના કોઈ જનરલ હોય; તેનો આવો ડેટા કોઈ દુશ્મન દેશના હાથમાં જઈ ચડે તો કેટલું નુકસાન થાય? આટલું ઓછું હોય તેમ આપણે મેટા કંપનીની કોઈ પણ એપનો ઉપયોગ કરીને કોઈ બહારની વેબસાઇટની મુલાકાત લીધી હોય તો તેનો ટ્રેક પણ મેટામાં રાખવામાં આવે છે. ક્રોમ અને સફારી જેવા બ્રાઉઝરમાં તેવી ગોઠવણ હોય છે કે તેના વડે જે વેબસાઇટનું ટ્રેકિંગ થતું હોય તેનો ડેટા થર્ડ પાર્ટીના હાથમાં ચાલ્યો જાય નહીં. મેટા દ્વારા આ સેટિંગ તોડીને ટ્રેકિંગનો ડેટા સ્ટોર કરવામાં આવે છે. તેમાં ક્રેડિટ કાર્ડના નંબરનો અને પાસવર્ડનો પણ સમાવેશ થઈ જાય છે. આપણે કઈ કઈ વેબસાઇટની મુલાકાત લઈએ છીએ, ક્યાં ક્યાં ફોટો કે વીડિયો જોઈએ છીએ, ક્યા સ્ક્રીન શોટ લઈએ છીએ, તેની માહિતી મેટા પાસે પહોંચી જાય છે.

મેટાના માલિકો દાવો કરે છે કે તેઓ તેમના ગ્રાહકને પૂછ્યા વિના કે તેમની સંમતિ વિના કોઈ ડેટાનો ઉપયોગ કરતા નથી. હકીકતમાં ગ્રાહક જ્યારે તેમની કોઈ પણ એપ ડાઉનલોડ કરે છે ત્યારે તેમાં એક સંમતિપત્રક પર સહી કરવાની હોય છે. તેમાં ગ્રાહક પાસે તેનો ડેટા ટ્રેક કરવાની અને તેને સ્ટોર કરવાની સંમતિ લઈ લેવામાં આવે છે. એપ ડાઉનલોડ કરનારા મોટા ભાગના ગ્રાહકો તેના નિયમો વાંચતા નથી, જે ઝીણા અક્ષરમાં લખવામાં આવ્યા હોય છે. મેટાના દાવા મુજબ ગ્રાહકના બ્રાઉસિંગના અનુભવને સમૃદ્ધ બનાવવા તેમના દ્વારા ટ્રેકિંગ કરવામાં આવતું હોય છે. તેનો ઉપયોગ કરીને તેઓ ગ્રાહકની ચોઈસ જાણી જાય છે અને પછી તમારી પર તે મુજબની જાહેરખબરોનો મારો ચલાવવામાં આવે છે. દાખલા તરીકે તમારે માથેરાન ફરવા જવું હોય અને તમે ગુગલનો ઉપયોગ કરીને કોઈ હોટેલની વેબસાઇટની મુલાકાત લેશો તો તમારી પર તે હોટેલની જાહેરખબરોનો મારો કરવામાં આવશે. તેને તેઓ ટાર્ગેટેડ જાહેરખબરો કહે છે. મેટા અને ગુગલ જેવી કંપનીઓ મફતમાં સેવા આપે છે, પણ જાહેરખબરોની કંપનીને ડેટા વેચીને અઢળક કમાણી કરી લે છે.

મેટા જેવી કંપનીઓ આ રીતે થર્ડ પાર્ટીને ડેટા વેચીને અબજો ડોલરની કમાણી કરે છે, તેને કારણે ગુગલ, એપલ અને ફાયરફોક્સ જેવી કંપનીઓનો પિત્તો ગયો છે. ગુગલ પાસે ક્રોમ બ્રાઉઝર છે તો એપલ પાસે તેનું પોતાનું સફારી બ્રાઉઝર છે. જો આપણે કોઈ પણ બ્રાઉઝરનો ઉપયોગ કરીને મેટાની કોઈ એપનો ઉપયોગ કરતા હોઈએ તો મેટા આપણો ડેટા કલેક્ટ કરે છે. ગયા વર્ષે એપલે પોતાના સફારી બ્રાઉઝરમાં એવું સેટિંગ કર્યું તેના ગ્રાહકની સ્પષ્ટ પરવાનગી વિના મેટાના માલિકો તેમનો ડેટા ભેગો કરી શકે નહીં. સફારી બ્રાઉઝરમાં ડિફોલ્ટ સેટિંગ દ્વારા ત્રીજી પાર્ટીની જાહેરખબરો બ્લોક કરવામાં આવે છે. તેને કારણે મેટાને વાર્ષિક ૧૦ અબજ ડોલરનું નુકસાન થાય છે. જો એક બ્રાઉઝર દ્વારા ટ્રેકિંગ બ્લોક કરવાને કારણે આટલું નુકસાન થતું હોય તો ડેટા વેચવા દ્વારા મેટાને થતી કમાણીની કલ્પના કરી શકાશે. આ કમાણી કરવા જ આપણને મફત સેવા આપવામાં આવે છે. મેટાને આ રીતે કમાણીમાં ખોટ જતી હોવાથી હવે તે પોતાનું જ બ્રાઉઝર વિકસાવી રહ્યું છે.

આજથી ૧૮ વર્ષ પહેલાં જેનો પ્રારંભ થયો હતો તે ફેસબુક કંપનીના દુનિયામાં ૨૯૧ કરોડ માસિક સક્રિય વપરાશકારો છે. દુનિયાની વસતિના લગભગ અડધા લોકો ફેસબુકના માધ્યમથી એકબીજા સાથે જોડાયેલા છે. મેટા કંપનીનો ત્રણ મહિનાનો વકરો જ ૩૦ અબજ ડોલર જેટલો હોય છે. દુનિયાના ઘણા દેશોના જીડીપી કરતાં મેટાનું ટર્નઓવર વધારે છે. મેટા દ્વારા આપવામાં આવતી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સેવાઓ મફત હોય છે, પણ તેમની આવકનો મુખ્ય સ્રોત જાહેરખબરોની કમાણી છે. જે કંપની રોજના ૧૯૩ કરોડ લોકો સુધી પહોંચતી હોય તેમાં જાહેરખબરો આપવા સૌ કંપનીઓ આતુર હોય તે સ્વાભાવિક છે. મેટા કંપની પાસે આશરે ૩૦૦ કરોડ ગ્રાહકોનો ડેટા છે, જેને આધારે તેઓ કઈ ચીજ ખરીદી શકે તેમ છે, તેનો કંપનીને ખ્યાલ હોય છે. જે કંપની તે ગ્રાહકને પોતાનો માલ વેચવા માગતી હોય તેને તેઓ ડેટા વેચે છે.

જો યુરોપના દેશો ફેસબુકનો ડેટા બહારના દેશમાં ન લઈ જવાય તેવો કાયદો ઘડે તો તેમની ટેક્સની આવકમાં પણ ધરખમ વધારો થાય છે. અત્યારે મેટા કંપની પોતાનો ડેટા એવા દેશોમાં સ્ટોર કરે છે, જેમાં ડેટા સ્ટોર કરવાની સેવાઓ પર ઓછામાં ઓછો ટેક્સ હોય છે. મેટા કંપની આ નીતિ પ્રમાણે યુરોપના ડેન્માર્ક, સ્વિડન અને આયર્લેન્ડ જેવા દેશોમાં ડેટાનો સંગ્રહ કરે છે. જો જર્મની, ફ્રાન્સ અને બ્રિટન જેવા દેશો કાયદો કરે કે તેમનો ડેટા દેશની બહાર ન જવો જોઈએ, તો મેટા કંપનીએ તે દેશોમાં પણ સેન્ટરો ખોલવાં પડે. તેને કારણે તેમનો ટેક્સ વધી જાય અને નફો ઘટી જાય તેમ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top