યુક્રેન અને રશિયાના યુદ્ધને પગલે વિશ્વભરમાં આવેલી ભયંકર મંદીમાં વિશ્વના તમામ શેરબજારો પટકાયા હતા. જેમાં ભારતીય શેરબજારનો પણ ધબડકો થઈ ગયો હતો. ત્યાં સુધી કે સેન્સેક્સ તેના હાઈ 64000થી ઘટીને 50000ની આસપાસ આવી ગયો હતો. ભારતના શેરબજારમાં વિદેશના રોકાણકારો દ્વારા વેચવાલી કરીને પોતાનું ફંડ પરત લઈ લેવામાં આવતાં ભારતીય શેરબજારમાં શેરના ભાવો તૂટી ગયા હતા. મંદીના આ માહોલમાં બજારને ટકાવી રાખવા માટે રિઝર્વ બેંક દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
ત્યાં સુધી કે ત્રણ વખત રેપોરેટ અને રિવર્સ રેપોરેટ વધારવામાં આવ્યા. સીઆરઆરમાં વધારો કરવામાં આવ્યો. બજારમાં નાણાંનો ફ્લો આવે તે માટે રિઝર્વ બેંક દ્વારા પગલાઓ લેવામાં આવ્યા. જોકે, હવે યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ તેના અંત તરફ છે અને બીજી તરફ ભારતના બજારોમાં તહેવારોની ચમક દેખાવા માંડી છે. જેની સીધી અસર શેરબજારમાં જોવા મળી રહી છે. બુધવારે સેન્સેક્સ 60 હજારને ટચ કરી આવતા હવે બજારમાં સુધારો જોવા મળશે તેવી રોકાણકારોને આશા જાગી છે. અગાઉ 5મી એપ્રિલના રોજ શેરબજારમાં સેન્સેક્સ 60000થી વધારે જોવા મળ્યો હતો. બે જ મહિનામાં ચિત્ર બદલાઈ ગયું અને હવે બજાર સુધારા તરફ જઈ રહ્યું છે.
પહેલા એવું મનાતું હતું કે જે રીતે અમેરિકામાં મંદીનો માહોલ છે તે ભારતને પણ મોટી અસર કરશે. અમેરિકાની મંદીને કારણે ભારતના શેરબજારોમાં પણ વેચવાલી નીકળી હતી અને બજાર તૂટ્યું હતું. પરંતુ માત્ર 60 જ દિવસમાં શેરબજારે ફરી રિકવરી કરી છે. 60 દિવસમાં સેન્સેક્સમાં 9250 પોઈન્ટનો વધારો આવ્યો છે. શેરબજારમાં આવેલો આ ઉછાળો બે-ચાર શેર પર આધારીત નથી પરંતુ સેન્સેક્સના 30માંથી 13 શેર એવા છે કે જે 20 ટકા કરતાં પણ વધુ વધ્યાં છે. બે મહિના પહેલા સેન્સેક્સ 50000ની એક વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. ત્યાંથી સેન્સેક્સ ફરી 60 દિવસમાં 18 ટકા વધ્યો છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે અમેરિકાની મંદી ઘેરી બનશે પરંતુ હવે એવું મનાઈ રહ્યું છે કે અમેરિકાની મંદી એટલી ગંભીર નહીં હોય. યુએફ ફેડ દ્વારા રેટ પણ હવે વધુ નહીં વધે. બની શકે કે રેટ ઘટશે. શેરબજારમાં મંદીના માહોલ બાદ જો કોઈ શેર સૌથી વધુ વધ્યો હોય તો તે એશિયન પેઈન્ટ્સનો છે. બજાજ ફિનસર્વનો શેર પણ ખૂબ વધ્યો છે. અન્ય શેરમાં પણ વધારાનો માહોલ દેખાયો છે. શેરબજારનો આ વધારો આગામી દિવસોમાં પણ જારી રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.
શેરબજારમાં એવું મનાય છે કે રોકાણ કરનારા 10 પૈકી 9 નાણાં ગુમાવે છે. કારણ કે શેરબજાર ધીરજનો ધંધો છે. જો શેરબજારમાં ઉતાવળ કરવામાં આવે તો 100 ટકા નાણાં ગુમાવવા પડે છે. શેરબજાર ઉપર કે નીચે થતું જ રહે છે પરંતુ ધીરજ રાખીને લાંબાગાળાનું રોકાણ કરનાર શેરબજારમાં હંમેશા ફાવે જ છે. એવું કહેવાય છે કે જ્યારે પણ શેરબજાર તૂટે ત્યારે ખરીદી કરો. જ્યાં સુધી જરૂરિયાત ઊભી નહીં થાય ત્યાં સુધી શેરને વેચો નહીં.
શેરબજારમાં હાલમાં જેની પાસે કરોડો રૂપિયાના શેર છે તેણે પણ જે તે સમયે કંપનીના શેરનો ભાવ ઓછો હતો ત્યારે રોકાણ કરેલું હોય છે અને બાદમાં તેના ભાવો વધતાં વધતાં હાલમાં તેની કિંમત કરોડોમાં અંકાતી હોય છે. ભારતમાં આગામી દિવસો તહેવારના છે. આ સંજોગોમાં ભારતમાં ખરીદી નીકળવાની સંભાવના છે. જેની અસર શેરબજારોમાં દેખાઈ રહી છે. શેરબજારમાં સુધારાની અસરે ભારતના રોકાણકારોના મોંઢા પર હાસ્ય લાવી દીધું છે. સરેરાશ રોકાણકાર ખુશ થયો છે પરંતુ તેમ છતાં શેરબજારમાં ટ્રેડિંગ એ સમજીને કરવાનો ધંધો છે.
શેરબજાર મોટાભાગે ફન્ડામેન્ટલને બદલે સેન્ટિમેન્ટલ પર ચાલે છે. જેથી રોકાણ સમજીને કરવું જોઈએ. લાંબા ગાળાનું રોકાણ ફન્ડામેન્ટલ આધારીત હોવું જોઈએ અને ટૂંકા ગાળાનું રોકાણ સેન્ટિમેન્ટના આધારે કરી શકાય. ભારતીય શેરબજારમાં સુધારો ભલે હકારાત્મક છે પરંતુ સાથે સાથે તેની પર સતત નજર જરૂરી છે. ભારત સરકાર પણ શેરબજાર પર ચાંપતી નજર રાખે. કારણ કે હાલનો સુધારો ફરી માર્કેટ તોડવા માટે તો નથીને તે બાબતનું ધ્યાન રાખવું હિતાવહ છે. રોકાણકારો શેરબજારમાં વધારાનો લાભ જરૂર લઈ શકે છે પરંતુ જો એલર્ટ નહીં રહે તો નાણાં ગુમાવવાનો વારો આવી શકે છે તે નક્કી છે.