ડભોઇ : ઉપરવાસમાં ભારે વરસાદ તેમજ ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીથી નર્મદા ડેમમાં પાણી આવક વધતા સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે નર્મદા નદી ભયજનક સપાટી પર વહી રહી છે. જે જોતા નર્મદા કિનારાના ગામોની મુશ્કેલીમાં વધારો થયો છે. સાથે જ વડોદરા જિલ્લાના કરજણ, ડભોઇ, શિનોર તાલુકાઓના નર્મદા કાંઠાના ગામોમાં સાવચેતી તેમજ સતર્કતા રાખવા તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. સરદાર સરોવર ડેમની 134. 32 મીટર પર આવેલ 23 દરવાજા ખોલવામાં આવતા તબક્કાવાર 7.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના કારણે ડભોઈ તાલુકાના 7 સહિત વડોદરા જિલ્લાના કુલ 30 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
આ સાથે જ ચાણોદ ખાતે આવેલ નર્મદા નદીનું સ્તર વધતા મલ્હારરાવ ઘાટના 108 પૈકી 90 જેટલા પગથિયાં પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. જો પાણી સ્તર નિરંતર વધતું રહેશે તો તમામ પગથિયાં પાણીમાં પાણી મા ગરકાવ થઈ જશે તેમજ આગામી કલાકો માં ચાંદોદ ગામમાં પાણી ફરી વળે તેવી શકયતા વર્તાઈ રહી છે. દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઢાઢર નદીના કિનારે આવેલ ડભોઇ તાલુકાના ગામોને સતર્ક રહેવા તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે.એક મહિનામાં સતત બીજી વાર નર્મદા તેમજ ઢાઢર ગાંડી તુર બનતા ડભોઇ તાલુકા 19 જેટલા ગામો મુશ્કેલીમાં મુકાયા છે.
ચાણોદ મલ્હારરાવ ઘાટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા તકેદારીના પગલાં રૂપે ચાણોદ ખાતે પોલીસ દ્વારા મલ્હારરાવ ઘાટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.તેમજ નાવિકો તથા ગ્રામજનો સાથે તંત્ર દ્વારા મિટિંગ યોજી પુરની સ્થિતિમાં નાવિકોને નાવડી ન ખેડવા તેમજ ગ્રામજનોને એલર્ટ રહેવા તેમજ સલામત સ્થળે ખસી જવા જણાવ્યું હતું.પુરની સ્થિતિમાં તંત્ર ખડે પગે સમયસર માહિતી આપવામાં આવી રહી છે તેમજ આવનાર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે તે હાલની કામગીરી દરમિયાન જોવા મળી રહ્યું છે.