નવી દિલ્હી: IPL 2023ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) નવા મુખ્ય કોચની (Coach) નિમણૂક કરી છે. ટીમે ચંદ્રકાંત પંડિતને KKRના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા છે. ચંદ્રકાંત પંડિતનું સ્થાનિક ક્રિકેટમાં (Cricket) ઘણું નામ છે. આ જ વર્ષે તેમણે મધ્યપ્રદેશની ટીમને પોતાની દેખરેખ હેઠળ રણજી ચેમ્પિયન બનાવી હતી. મળતી માહિતી મુજબ આ જ વર્ષે, KKR ના ભૂતપૂર્વ મુખ્ય કોચે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા તેમની ટેસ્ટ ટીમના કોચ તરીકે નિમણૂક કર્યા પછી કેકેઆરના કોચ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી આ જગ્યા ખાલી હતી. હવે ટીમને ત્રીજી વખત ચેમ્પિયન બનાવવાની જવાબદારી ચંદ્રકાંત પંડિત પર રહેશે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 2012 અને 2014માં આઈપીએલ ચેમ્પિયન બની છે.
સ્થાનિક ટીમો સાથે શાનદાર પ્રદર્શન કરનાર ચંદ્રકાંત માટે, આ આંતરરાષ્ટ્રીય સ્તરે માટે સૌથી મોટું અસાઈમેન્ટ હશે. KKRના CEO વેંકી મૈસૂરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે ખૂબ જ ઉત્સાહિત છીએ કે ચંદ્રકાંત નાઈટ રાઈડર્સ પરિવાર સાથે જોડાઈ રહ્યા છે અને અમારી સફરના આગલા તબક્કામાં અમારુ નેનૃત્વ કરશે. સ્થાનિક ક્રિકેટમાં સફળતાનો તેમનો ટ્રેક રેકોર્ડ બધાની સામે સ્પષ્ટ રૂપે છે. વઘારામાં તેઓએ જણાવ્યું હતું કે અમે અમારા નવા કેપ્ટન શ્રેયસ અય્યર સાથેની નવી શાનદાર ભાગીદારીની રાહ જોઈ રહ્યા છીએ. અમને આશા છે કે કેપ્ટન અને પ્લેયર વચ્ચેની આ જોડી સફળ અને હીટ થશે. નવા પડકારને સ્વીકારતા, ચંદ્રકાંત પંડિતે કહ્યું – મેં આ ટીમ સાથે સંકળાયેલા ખેલાડીઓ અને સ્ટાફ તરફથી આ ટીમના ઘણા વખાણ સાંભળ્યા છે. મેં આ ટીમના પારિવારિક વાતાવરણ અને પરંપરા વિશે ઘણું સાંભળ્યું છે. હું સપોર્ટ સ્ટાફ અને ટીમના ખેલાડીઓને મળવા માટે ઉત્સુક છું. હું સંપૂર્ણ નમ્રતા અને સકારાત્મક વલણ સાથે ટીમમાં જોડાવા માટે આતુર છું.
વાત કરીએ ચંદ્રકાંત પંડિતની તો 60 વર્ષીય ચંદ્રકાંત પંડિતે 1980 થી 1995 વચ્ચે ભારત માટે પાંચ ટેસ્ટ અને 36 ODI રમી હતી. એક ઈન્ટરવ્યુ દરમિયાન ચંદ્રકાંત પંડિતે કહ્યું હતું કે આઈપીએલના શરૂઆતના વર્ષોમાં તેમની એકવાર KKRના માલિક શાહરૂખ ખાન સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ શાહરૂખે તેને આસિસ્ટન્ટ કોચની ભૂમિકા ઓફર કરી. ત્યારે ચંદ્રકાંતે સ્પષ્ટ કહ્યું હતું કે તેને સપોર્ટ સ્ટાફ તરીકે ટીમમાં જોડાવામાં રસ નથી.
જણાવી દઈએ કે ચંદ્રકાંત પંડિતની દેખરેખ હેઠળ મધ્યપ્રદેશની રણજી ટીમે આ વર્ષે બેંગલુરુમાં ઈતિહાસ રચ્યો હતો. તેઓએ 2021-22 રણજી ટ્રોફીની ફાઇનલમાં 41 વખતની ચેમ્પિયન મુંબઈને હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું હતું. પ્રમાણમાં નબળી ગણાતી મધ્યપ્રદેશની ટીમે મુંબઈને હરાવતા પહેલા પંજાબ અને બંગાળ જેવી મજબૂત ટીમોને હરાવીને ઉલટફેર કરી નાંખી હતી. ચંદ્રકાંત પંડિતને સ્થાનિક ક્રિકેટના દ્રોણાચાર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. મધ્યપ્રદેશ ઉપરાંત ચંદ્રકાંતે પોતાના કોચિંગમાં મુંબઈને ત્રણ વખત અને વિદર્ભને રણજી ચેમ્પિયન બનાવ્યું છે. તેમને બે વર્ષ પહેલા મધ્યપ્રદેશ દ્વારા મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા. જો કે હવે તે IPLમાં જોવા મળશે. મળતી માહિતી મુજબ ચંદ્રકાંત માટે આ કામ આસાન રહેવાનું નથી. રણજી ટેસ્ટ ફોર્મેટમાં રમાય છે, જ્યારે IPL T20 ફોર્મેટમાં રમાય છે. હવે જોવાનું એ રહેશે કે KKRના કેપ્ટન શ્રેયસ અય્યર અને નવા કોચ ચંદ્રકાંત પંડિતની જુગલબંધી કેવી ચાલે છે.