નબળી ગુણવત્તાના પ્રેશર કૂકરના (Pressure Cooker) વેચાણની મંજૂરી આપવા બદલ ફ્લિપકાર્ટને (Flipkart) 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફ્લિપકાર્ટ પર તેના પ્લેટફોર્મ દ્વારા ગુણવત્તાના માપદંડોને પૂર્ણ ન કરતા ઘરેલુ પ્રેશર કૂકરના વેચાણને મંજૂરી આપવા બદલ દંડ લાદવામાં આવ્યો છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ વોલમાર્ટની (Walmart) માલિકીની ફ્લિપકાર્ટ પર 1 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. ફ્લિપકાર્ટ દ્વારા તેના પ્લેટફોર્મ દ્વારા ગુણવત્તાના ધોરણોને પૂર્ણ ન કરતા અને ઓછા ગુણવત્તાયુક્ત હોમ પ્રોડક્ટ એવા પ્રેશર કૂકરના વેચાણને મંજૂરી આપવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. ઓથોરિટીએ વધુમાં જણાવ્યું હતું કે ફ્લિપકાર્ટે તેના પ્લેટફોર્મ પર આવા પ્રેશર કૂકરના વેચાણ દ્વારા કુલ 1,84,263 રૂપિયાની કમાણી કરી છે.
- ફ્લિપકાર્ટને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો
- ગુણવત્તાના ધોરણોને પૂર્ણ ન કરતા અને ઓછા ગુણવત્તાયુક્ત હોમ પ્રોડક્ટ એવા પ્રેશર કૂકરના વેચાણને મંજૂરી આપી
- સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ વિરૂદ્ધ કરી કાર્યવાહી
સીસીપીએના ચીફ કમિશનર નિધિ ખરેએ પીટીઆઈને જણાવ્યું કે ઈ-કોમર્સ કંપનીને તેના પ્લેટફોર્મ પર નબળી ગુણવત્તાના પ્રેશર કૂકરના વેચાણની મંજૂરી આપવા અને ગ્રાહકોના અધિકારોનું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ખરેએ જણાવ્યું હતું કે ફ્લિપકાર્ટને તેના પ્લેટફોર્મ પર વેચાયેલા તમામ 598 પ્રેશર કૂકરના ખરીદદારોને જાણ કરવા ખામીયુક્ત પ્રેશર કૂકરને પાછા લઈ લેવા અને ગ્રાહકોને પૈસા પરત કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સિવાય કંપનીને 45 દિવસમાં કમ્પ્લાયન્સ રિપોર્ટ જમા કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2021 થી સરકારે ગ્રાહકોને અકસ્માતોના જોખમથી અને મોટા પાયે જનતાના હિતમાં ઘરેલું પ્રેશર કૂકર પર પ્રમાણભૂત અને ગુણવત્તાયુક્ત ઉપયોગ ફરજિયાત કર્યો છે. તમામ ઘરેલું પ્રેશર કૂકરને ‘IS 2347:2017’ માનકને અનુરૂપ હોવું જરૂરી છે. CCPAએ ગ્રાહકોમાં ઉત્પાદનોની ગુણવત્તાની જાગૃતિ વધારવા માટે દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે. હેલ્મેટ, ઘરગથ્થુ પ્રેશર કૂકર અને એલપીજી સિલિન્ડર એ ત્રણ ઉત્પાદનો છે જેના પર CCPA તેના અભિયાનમાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
CCPA અનુસાર Flipkart તેની ઉપયોગની શરતોમાં પ્રોડક્ટના દરેક ઇન્વૉઇસ પર ‘Flipkart દ્વારા સંચાલિત’ નો ઉલ્લેખ કરે છે. વિવિધ લાભોના વિતરણ માટે વેચાણકર્તાઓને ‘ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ’ તરીકે વર્ગીકૃત કરે છે. આ પ્લેટફોર્મ પર પ્રેશર કૂકરના વેચાણમાં ઈ-કોમર્સ કંપની દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાને સમજાવે છે.