સુરત: નાનપુરાના યુવકે સાયણના એક મકાન પર સુરત બહારની સાત ગાડી પાર્સિંગ (Carriage parsing)કરાવી લીધી. યુવકે સાયણમાં આવેલા એક મકાનના એડ્રેસનો ઉપયોગ કરીને સુરતની બહારની સાત મોટરસાઇકલને (Seven motorcycles) પોતાના નામ ઉપર સુરતના પાલ આરટીઓમાં પાર્સિંગ કરાવી લીધી હતી. મકાન માલિકે પોતાના સસરાની ઇન્ડિકા ગાડી પાર્સિંગ કરાવવા સુરતના એજન્ટનો ઉપયોગ કરી ઘરે આરસીબુક મંગાવી ત્યારે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. આ બાબતે અડાજણ પોલીસે નાનપુરામાં રહેતા યુવકની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વડોદરા પાર્સિંગની ઇન્ડીકા ગાડી ટ્રાન્સફર કરવાની હતી
પ્રાપ્ત વિગતો મુજબ અમરોલી છાપરાભાઠા રોડ ઉપર રૂષિકેશ રેસીડેન્સીમાં રહેતા મયુર ધરમશીભાઇ ફાળકીયા છાપરાભાઠા રોડ ઉપર અક્ષર મોબાઇલની નામે દુકાન ચલાવી પરિવારનું ગુજરાન કરે છે. તેઓએ સાયણ રોડ ઉપર અટોદરા ચોકડી પાસે સ્વર્ગ રેસીડેન્સીમાં એક મકાન ખરીદ્યું હતું. જેમાં તેઓએ બે ભાડુઆતને રાખ્યા હતા, પરંતુ બંને ભાડુઆત સમયસર ભાડુ આપતા નહીં હોવાથી તેઓને ખાલી કરાવી નાંખ્યું હતું. અને સને-2018થી આ મકાન ખાલી જ હતું. બીજી તરફ મયુરભાઇએ તેમના સસરા ચંદ્રકાંત નાગજીભાઇ પટેલની વડોદરા પાર્સિંગની ઇન્ડીકા ગાડી ટ્રાન્સફર કરવાની હતી. આ માટે તેઓએ પોતાના ઘરનું એડ્રેસ આપ્યું હતું પરંતુ સુરતના આરટીઓ એજન્ટે સુરત બહારનું એડ્રેસ માંગ્યું હતું. ત્યારબાદ મયુરભાઇએ પોતાની માલિકીનું સાયણના સ્વર્ગ રેસીડેન્સીનું એડ્રેસ પ્રુફ આપ્યું હતું. આરસીબુક ટ્રાન્સફર થયા બાદ મયુરભાઇએ સ્વર્ગ રેસીડેન્સીમાં આરસીબુક લેવા માટે ગયા ત્યારે ત્યાં આરસીબુક ડિલીવરી થઇ નહીં હોવાનું જાણવા મળ્યું હતું.
ઘરનું એડ્રેસ આપીને અનેકવાર આરસીબુક લઇ ગયા
બાદમાં તેઓએ સુરતની પોસ્ટ ઓફિસમાં જઇને તપાસ કરતા ત્યાં રાજુભાઇ નામના એક કર્મચારી મળ્યા હતા. તેઓએ મયુરભાઇને કહ્યું કે, આરસીબુક તો નિમેશભાઇ લઇ ગયા છે. આ સાંભળીને મયુરભાઇ ચોંકી ઉઠ્યા હતા. તેઓએ પોસ્ટઓફિસના કર્મચારીને કહ્યું કે, ઘરનો માલિક હું છું, તો તમે બીજાને કેવી રીતે આરસીબુક આપી શકો છો..? ત્યારે રાજુભાઇએ કહ્યું કે, હું તમને સાંજ સુધીમાં આરસીબુક આપી જાઉ છું, પરંતુ નિમેશભાઇ તમારા ઘરનું એડ્રેસ આપીને અનેકવાર આરસીબુક લઇ ગયા છે. બાદમાં મયુરભાઇએ આ અંગે સુરતના સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપમાં એક ફરિયાદ અરજી કરીને તપાસ કરવા માટે કહ્યું હતું. જેમાં નિમેષભાઇએ બોગસ ચૂંટણીકાર્ડ આપીને તેમાં એડ્રેસ આપ્યા બાદ પોતાના નામે સુરત બહારની સાત મોટરસાઇકલ પાર્સિંગ કરાવી હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે મયુરભાઇએ નિમેષ બિપીનચંદ્ર ગાંધીની સામે અડાજણ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બોગસ ડોક્યુમેન્ટ બનાવીને ઠગાઇ કરી બહાર આવ્યું
સુરત એસઓજીએ પાલ આરટીઓ તેમજ કલેક્ટર કચેરીમાં તપાસ કરતા નિમેષ ગાંધીનું નામ બહાર આવ્યું હતું
મયુરભાઇએ પોતાની માલિકીના મકાનના એડ્રેસનો દૂરઉપયોગ કરાયો હોવાની ફરિયાદ આપતા જ સુરત એસઓજીએ તપાસ શરૂ કરી હતી. સૌપ્રથમ પોલીસે પાલ આરટીઓમાં તપાસ કરતા સુરતની બહારની સાત જેટલી મોટરસાઇકલના પાર્સિંગ માટે નિમેશ બિપીનચંદ્ર ગાંધી આવ્યો હતો અને તેણે ગાડી પાર્સિંગ કરાવી છે. જેમાં તેણે અટોદરા ચોકડી પાસે સ્વર્ગ રેસીડેન્સી મકાન નં. 479નું એડ્રેસ એક ચૂંટણીકાર્ડ ઉપર દર્શાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ બાબતે સુરતના કલેક્ટર કચેરીની ચૂંટણી અધિકારીની કચેરીમાં તપાસ કરી હતી, પરંતુ ત્યાં નિમેશ ગાંધી નામનો કોઇ વ્યક્તિ જ નહીં હોવાનો રેકોર્ડ નીકળ્યો હતો. જેના આધારે નિમેશ ગાંધીએ બોગસ ડોક્યુમેન્ટ બનાવીને ઠગાઇ કરી બહાર આવ્યું હતું. આ બાબતે એસઓજીએ મયુરભાઇને બોલાવીને તેમના એડ્રેસનો ભવિષ્યમાં કોઇ આતંકવાદી પ્રવૃતિમાં ઉપયોગ થાય તે પહેલા જ ફરિયાદ કરવા જણાવ્યું હતું. જેના આધારે મયુરભાઇએ અડાજણ પોલીસમાં નિમેશ ગાંધી નામના યુવકની સામે ફરિયાદ આપી હતી.