નડિયાદ: બોટાદ-બરવાળાના લઠ્ઠાકાંડ બાદ દારૂબંધીના ફિયાસ્કા અંગે ખાસ્સી ચર્ચાઓ ચાલી રહી છે. આ વચ્ચે રાજ્યભરમાં ઠેર-ઠેર ગ્રામ્ય વિસ્તારોમાંથી સરપંચો સહિતના આગેવાનો દારૂનું દૂષણ અટકાવવા માટે આગળ આવ્યા છે. હવે મહુધાના શેરી ગામના સ્થાનિકો પોલીસ અધિકારી સમક્ષ પહોંચ્યા છે, જ્યાં આવેદન આપી દારૂબંધીની ચુસ્ત અમલવારીની માગ કરી છે. શેરી ગામના નાગરીકોએ આપેલા આવેદનમાં જણાવ્યુ છે કે, દારુ પીને યુવાનોના યુવાવસ્થામાં જ મોત થઈ રહ્યા છે. જેથી આવા કેસમાં બાળકો અને મા-બાપનો સહારો છીનવાઈ જાય છે અને નાની ઉંમરે સ્રીઓને પણ વિધવા થઈ જીવન પસાર કરવુ પડે છે.
ગ્રામજનોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતુ કે આ અગાઉ પણ 2018માં દારૂબંધી થાય તે અંગે પોલીસને જાણ કરી હતી. પરંતુ પોલીસતંત્ર દ્વારા કોઈ સાથ સહકાર આપવામાં આવ્યો ન હતો. આ વખતે નક્કર કાર્યવાહી થાય તે દિશામાં પગલા ભરવા ગ્રામજનોએ માગ કરી છે. દારુના વેચાણ સામે પગલાં લેવા અને દારુના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યુ છે. આ આવેદન આપવા ખુદ ગામના સરપંચ અને ડે.સરપંચ સહિત સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.