બારડોલી : બારડોલી (Bardoli) તાલુકાના ખરવાસા ગામ નજીક ઉભેલા ટેમ્પોની પાછળ (Behind the tempo) મોટરસાઇકલ અથડાતાં બાઇકસવાર (bike Rider)યુવકનું મોત નીપજ્યું હતું. રક્ષાબંધનની પૂર્વ રાત્રિએ (Raksha Bandhan) યુવક બહેનને મળીને પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ કરુણાંતિકા સર્જાઈ હતી.
યુવક કાળનો કોળિયો થયો
આ ઘટનાની મળતી માહિતી અનુસાર કામરેજ તાલુકાના નગોડ ગામે રહેતો વિપુલ મોહનભાઇ પરમાર (ઉં.વ.27) ગંગાધરા ખાતે આવેલી સિમેન્ટની ફેક્ટરીમાં નોકરી કરતો હતો. બુધવારે રાત્રે નોકરી પરથી પરત ફર્યા બાદ બાબેન રહેતી તેની બહેનને મળવા ગયો હતો. બહેનને મળીને રાત્રીના 11 વાગ્યાની આસપાસ તે નગોડ જવા નીકળ્યો હતો.
ટેમ્પોમાં રિફ્લેટર કે લાઈટ લગાવી જ ન હતી
મૃતક યુવક વિપુલ ખરવાસા ગામની સીમમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે રસ્તા પર ઉભેલા ટેમ્પોમાં રિફ્લેટર કે લાઈટ લગાવેલી નહીં હોવાથી તે ટેમ્પાને જોઇ શક્યો ન હતો અને તેની મોટરસાઇકલ ટેમ્પોની પાછળ ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં વિપુલને ગંભીર ઇજા થતાં તેનું સ્થળ પર જ મોત થયું હતું. મોડી રાત્રે પોલીસ પેટ્રોલિંગમાં નીકળી ત્યારે વિપુલની લાશ રોડ પર પડેલી જોતા પરિવારજનોને જાણ કરી હતી.
બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો
બે ભાઈ-બહેન પૈકી બહેને રક્ષાબંધનના દિવસે જ એકનો એક ભાઈ ગુમાવતાં પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહનો કબજો પરિવારને સોંપ્યો હતો. આ ઘટના અંગે પોલીસે ટેમ્પોચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રક્ષાબંધનના દિવસે જ યુવકનું મોત થતાં પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો.
હાઇવે ઉપર મોટા વાહનોમાં રીફ્લેક્ટરનો અભાવ
મોટા ભાગે હાઇવે ઉપર રીફ્લેક્ટરના અભાવને કારણે અકસ્મતોની કરુણાંતિકા સર્જાતી હોઈ છે.મોટા ભાગે રાત્રી દરમયાન જ અકસ્માતો સર્જાતા હોઈ છે.મોટા વાહનો પૈકી ટ્રક,ટેમ્પો,જેવા માલ વાહક વાહન ચાલકોની લાપરવાહીને કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બની જતા હોઈ છે.ખરવાસા નજીક ઉભેલા ટેમ્પો ચાલકે પણ રિફ્લેક્શન લગાવ્યું ન હતું જેથી મોટરસાયકલ સવાર કાળનો કોળિયો બની ગયો હતો.હાઇવે ઓથિરીટીની આળસને કારણે પણ નિર્દોસ લોકોના જીવ ગયા હૉવાના અનેક દાખલઓ સામે આવ્યા હતા.