15 ઓગસ્ટે દેશની આઝાદીના 75 વર્ષ પુરા થવા જઈ રહ્યાા છે. તેને લઈને આઝાદીકા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અંતર્ગત સમગ્ર સુરત શહેર દેશ ભક્તિના રંગે રંગાઈ રહ્યું છે. શહેરમાં વિભિન્ન જગ્યાઓ પર દેશ ભક્તિનો માહોલ રચાઈ રહ્યાો છે. આપણા સુરતીઓની ખૂબી જ એ છે કે કોઇપણ તહેવાર હોય પછી એ દિવાળી હોય, હોળી હોય, ઉતરાયણ હોય કે સ્વતંત્રતા દિવસ હોય કે અન્ય કોઇપણ ઉજવણી તો ખૂબ ઉત્સાહથી તેઓ કરે જ છે. ચાલો આજે આપણે એવા સુરતીઓને મળીએ જેઓ ન માત્ર પોતે આ 75મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યાાં છે પરંતુ વિવિધ કાર્યક્રમોના આયોજન થકી બીજાને પણ આ ઉજવણીમાં સામેલ કરી રહ્યાાં છે.
ઘરને તિરંગા બલુનથી સજાવ્યું : રીતુ રાઠી
એક N.G.O. ના ફાઉન્ડર રીતુ રાઠી ના ઘરનું વાતાવરણ છેલ્લાં 4 દિવસથી આઝાદી કા અમૃત મહોત્સવના રંગે રંગાઈ ગયું છે. રીતુ રાઠીએ જણાવ્યું કે, અમારું જોઈન્ટ ફેમિલી છે. વેસુ વિસ્તારમાં ફ્લોરેન્સ અપાર્ટમેન્ટમાં અલગ-અલગ ફ્લેટમાં અમારા નીકટના સગા-સંબંધી રહે છે. 6 ઓગસ્ટથી તેમના નિકટના સગા-સંબંધી એક છત હેઠળ આવી ગયાં છે. અને રોજ દેશભક્તિ જગાડતાં કાર્યક્રમો કરી રહ્યા છે. પહેલાં દિવસે સમગ્ર પરિવારે ડ્રોઈંગ રૂમમાં બેસીને દેશભક્તિ જગાડતી ફિલ્મ “બોર્ડર” સાથે બેસીને જોઈ. ડ્રોઈંગ રૂમ, ઘરની લોબી અને એન્ટ્રન્સને તિરંગા બલૂનથી સજાવ્યું છે. જેથી ઘરનું માહોલ દેશભક્તિમય બની ગયું છે. બીજા દિવસે પરિવારના બાળકોને ગેમ રમાડવામાં આવી બાળકોને આપણા દેશને આઝાદ કરવા માટે મહત્વની ભૂમિકા ભજવનાર નેશનલ લીડર વિશે શોર્ટમાં માહિતી આપીને તેમના વિશેના પ્રશ્નો બાળકોને પૂછવામાં આવ્યા હતા. ત્રીજા દિવસે ઘરમાં તિરંગા બર્ફી બનાવવામાં આવી. અંતાક્ષરી રાખવામાં આવેલ જેમાં દેશભક્તિના ગીતો ગાવામાં આવ્યા. કારાઓકે પર ગીત ગાયા. ચોથા દિવસે 9 તારીખે પણ એક્ટ પ્લે કરવામાં આવેલું. જ્યારે 15મી ઓગસ્ટે પરિવાર માટે વ્હાઇટ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. કેક પણ કાપવામાં આવશે આ રીતે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. રીતુ રાઠીએ જણાવ્યું કે, તેમના એક N.G.O. દ્વારા સોસાયટીઓમાં, એપાર્ટમેન્ટમાં, બાળકોમાં ફ્લેગનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમના N.G O. દ્વારા આર્મીના જવાનોને તિરંગા રાખી પણ બાંધીવામાં આવી હતી. આ રાખી સુરતમાં દિવ્યાંગ બાળકો પાસેથી બનાવવામાં આવેલ.
આઝાદીના 75 વર્ષની થીમ પર રંગોળી બનાવવામાં આવી : અખ્તર ટેલર
રંગોળી એન્ડ પેઈન્ટીંગ કલાકાર અખ્તર અહમદભાઈ ટેલરે જણાવ્યું કે હું ટેક્સટાઇલ ડિઝાઇનર છું પણ મને કેનવાસ પેઈન્ટીંગ, રંગોળી એન્ડ પેઈન્ટીંગનો શોખ છે. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત બાળકોમાં દેશભક્તિની ભાવના જગાડવા માટે મેં સૈયદપુરામાં વ્હાઇટ, બ્લ્યુ, ગ્રીન અને ઓરેન્જ કલરમાં 12 ફુટ લાંબી રંગોળી બનાવી છે. આ રંગોળી આઝાદીના 75 વર્ષનો આનંદ આ થીમ પર રંગોળી બનાવી છે. રંગોળીમાં આઝાદીકા અમૃત મહોત્સવનો 75 વર્ષનો લોગો અને તેની નીચે રંગોળીથી સૈનિકો બનાવાયા છે. બાળકોમાં દેશભક્તિની ભાવના જગાડવા અને રંગોળી આર્ટ તરફ બાળકોની રૂચી જગાડવા આ રંગોળી 10 કલાકની મહેનત બાદ તૈયાર કરાઈ છે. તેમણે અત્યાર સુધીમાં 8થી 10 એવોર્ડ મેળવ્યા છે. અનેક કોમ્પિટિશનમાં પારિતોષિક વિજેતા બન્યાં છે. તાપી ઉત્સવ વખતે પણ તેમણે ઐતિહાસિક રંગોળી બનાવી હતી ચાર બાય 12 ફૂટ લાંબી રંગોળીમાં હોપ બ્રિજ અને કિલ્લો બનાવેલ. S.M.C.ની મેઈન ઓફિસ બનાવી હતી.
પારણું ઝૂલાવવાના કાર્યક્રમમાં દેશભક્તિ : સમીર ચોકસી
સીટીલાઈટ વિસ્તારમાં બાળકને પારણું ઝુલાવવાના કાર્યક્રમમાં દેશભક્તિની ભાવના જગાડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. જેના વિશે જણાવતાં સમીરભાઈ ચોકસીએ જણાવ્યું કે તેમના દીદી સીમાબેન જરીવાલા સિટીલાઈટ એરિયામાં આશીર્વાદ પેલેસમાં રહે છે. તેમના જમાઈ શ્યામભાઈ મારવાલા અને દીકરી ખુશ્બૂ ન્યૂ જર્સી થી અહીં તેમના દીકરા પુરવના પારણું ઝૂલવાના કાર્યક્રમ માટે આવ્યા છે. ગતરોજ પારણું ઝૂલાવવાના કાર્યક્રમમાં દેશભક્તિની ભાવના જગાડતો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સમીરભાઈએ જણાવ્યું કે આ કાર્યક્રમ દરમિયાન અમારા મિત્રોનું જયકીશન ગ્રુપ દ્વારા મટકી ફોડવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. મટકી ફોડ ગ્રુપે ચાર લેયર બનાવેલા ચોથા લેયર પર તિરંગા લહેરાવ્યો હતો. કાર્યક્રમમાં ભેગા થયેલા લોકોના હાથમાં પણ તિરંગા હતા. અમારો આ પ્રયાસ લોકોમાં દેશભક્તિ જગાડવાનો હતો. હવે 15મી ઓગસ્ટે અમે 100 બાઇકની રેલી ભાગળ મેન રોડથી કાઢીશું અને આ રેલી સિટીમાં ફરશે એ દરમિયાન અમે લોકોને એ સંદેશો આપીશું કે પોતાના કામની સાથે દેશ માટે કામ કરો. રાષ્ટ્રભક્તિની ભાવના પ્રબળ બનાવો.
ટગ (નાની શીપ)ને દેશપ્રેમના રંગે સજાવવામાં આવી: કેપ્ટન દિપક સચદેવા
એસ્સાર પોર્ટના C.E.O. કેપ્ટન દિપક સચદેવાએ જણાવ્યું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગાની થીમ પર એસ્સાર પોર્ટ હજીરાની ટગ એડલ-2 (નાની શીપ) ને દેશપ્રેમના રંગે સજાવવામાં આવી છે. તિરંગા બલૂન અને તિરંગા કલરની રિબનથી આ ટગને સજાવવામાં આવી છે અને 75વર્ષનું ડેકોરેટિવ વર્ક કરવામાં આવ્યું છે. આ ટગનું કામ દેશ-વિદેશથી આવતા જહાજને પોર્ટ સુધી લાવવાનું હોય છે. વિદેશથી આવતા જહાજ જ્યારે આ ટગને જોશે ત્યારે તે તેમના દેશ સુધી આ સંદેશો લઈ જશે કે ભારતમાં દેશપ્રેમની ભાવના કેટલી પ્રબળ છે કે ત્યાં ટગ (નાની શિપ)ને પણ દેશપ્રેમનો રંગ આપવામાં આવ્યો છે. એસ્સાર પોર્ટ પાસે આવી ચારથી 5 ટગ છે. આ શીપ દ્વારા ભારતીયોની દેશભાવના બતાવવામાં આવી છે.