સુરત : રાંદેર વિસ્તારમાં કાપડનો ધંધો કરતા યુવકે મહોલ્લામાં જ રહેતા સલમાનને ‘સલમાન ભાઈ તુ યહા કા ભાઈ હો ગયા હૈ’ તેમ કહ્યું હતું. જેથી સલમાને યુવકને મોઢા અને નાકના ભાગે ફેટ મારતા યુવકનું મોત (Death) નીપજ્યું હતું. રાંદેર પોલીસે (Police) હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. રાંદેર પીપરડીવાલા સ્કુલ પાસે ભરૂચી ભાગળ ખાતે રહેતો 22 વર્ષીય સુફીયાન મનાન મલેક કપડાનો વેપાર કરે છે. સુફીયાને તેના મોટા ભાઈ રહેમાનની હત્યાના વિરોધમાં સલમાન ઉર્ફે સરફરાજ યાકુબ પટેલની સામે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગઈકાલે રાત્રે સુફીયાનનો મિત્ર સૈફ ખાન તેના ઘરે આવ્યો હતો અને તારા ભાઈ રહેમાનનો સલમાન સાથે ઝઘડો થયો છે તેમ કહ્યું હતું. જેથી સુફીયાન અને સૈફ ભરૂચી ભાગળ અમરીન પાર્ક એપાર્ટમેન્ટની સામે પહોંચ્યા હતા. જ્યાં સલમાન અને રહેમાન ઉભા હતા. સલમાને રહેમાનનો કોલર પકડીને તેના મોઢા અને નાકના ભાગે ફેટો મારી હતી. જેથી રહેમાન નીચે પડી ગયો હતો.
સુફીયાન અને તેના મિત્રએ રહેમાનને બેભાન હાલતમાં મોહસીન ખાનની બાઈક પર ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. બાદમાં સલમાને તેના ઘરે પહેલા માળેથી સુફીયાનને ચપ્પુ બતાવી ઇશારો કરી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં જાણવા મળ્યું હતું કે, રહેમાને સલમાન ઉર્ફે સરફરાજને “સલમાન ભાઈ તુ યહા કા ભાઈ હો ગયા હૈ” તેમ કહીને બોલાવ્યો હતો. સલમાન એકદમ ઉશ્કેરાઈ જઈ રહેમાનને ગંદી ગાળો આપી હતી. અને બાદમાં નીચે આવીને બંને વચ્ચે ઝઘડો થતા સલમાને મોઢાના નાકના ભાગે ફેટો મારતા રહેમાનને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબે તેને સારવાર દરમિયાન મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ અંગે હત્યાનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી આરોપીની અટકાયત કરી હતી.
‘તમારા રૂપિયા પડી ગયા છે’ કહી ગઠિયો ટેમ્પામાંથી રૂા.1.46 લાખ ચોરી ભાગી ગયો
સુરત : પૂણાગામમાં ટેમ્પો ચાલકને ભેટી ગયેલા એક અજાણ્યો જૂની તરકીબ અજમાવીને ટેમ્પોમાં પડેલા રોકડા રૂા.1.46 લાખ ચોરીને ફરાર થઇ ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ વેડરોડ રામજીનગર સોસાયટી પાસે મૃગશિશ એપાર્ટમેન્ટમાં રહેતા કલારામ સખારામ માળી (ઉ.વ.૪૨) ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે. તે ગત તા ૪થીના રોજ મોડી સાંજે સાતેક વાગ્યે વરાછા રિજિયન ખાતે આવેલી અલગ અલગ દુકાનમાંથી કરિયાણાના સામાનની ઉઘરાણી કરવા ગયો હતો. તેણે બિલના કુલ રૂપિયા ૧,૪૬,૩૭૫ની ઉઘરાણી કરી હતી. આ રૂપિયાને ટેમ્પોના ગીયરબોક્ષની બાજુના પેસેજમાં મુક્યા હતાં. ત્યારબાદ તે પૂણા સ્થિત આઇમાતા રોડ ઉપર પૂજા ટ્રેડર્સ પાસે કરિયાણાનો સામાન ડિલીવરી કરીને કંપનીમાં જવા નીકળ્યો હતો ત્યારે એક અજાણ્યો તેમની પાસે આવ્યો હતો. અને કહ્યું કે, ભાઇ તમારા રૂપિયા ટેમ્પોની પાછળ પડ્યા છે. એટલે તે ટેમ્પોની પાછળ રૂપિયા જોવા માટે ગયો ત્યારે અજાણ્યો ગીયરબોક્ષની બાજુમાં રૂપિયા 1.46 લાખ લઇ ફરાર થઇ ગયો હતો. ટેમ્પોની પાછળ રૂપિયા જોવા નહીં મળતી ડિલિવરી બોય પરત આવ્યો ત્યારે ટેમ્પોમાં મૂકેલા રૂપિયા દેખાયા ન હતાં. તેણે ટેમ્પોમાંથી નીચે ઉતરીને આમ-તેમ જોયું પરંતુ અજાણ્યો ભાગી ગયો હતો. આ બાબતે પોલીસને ફરિયાદ કરવામાં આવતા પૂણા પોલીસે અજાણ્યાની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.