SURAT

સુરત: વરાછામાં રહેતા વૃદ્ધાનું સ્વાઇન ફ્લુમાં મોત

સુરત : છેલ્લાં કેટલાક સમયથી કોરોનાના (Corona) કેસની સાથે સ્વાઇન ફ્લુના (Swine flu) કેસ પણ નોંધાઇ રહ્યાં છે ત્યારે આજે વધુ 7 કેસ નોંધાયા હતાં. સ્વાઇન ફ્લુમાં સપડાયેલા વધુ 7 દર્દી સહિત અત્યાર સુધીમાં કુલ કેસ 88 ઉપર પહોંચી ગયો છે. આજે વધુ એક દર્દીનું મોત (Death) થતાં મૃતાંક 5 થયો છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી વિગતો મુજબ વિતેલા 20-25 દિવસથી શહેરમાં સ્વાઇન ફ્લુએ માથુ ઊંચક્યું છે. પ્રતિ દિવસ નવા કેસ નોંધાઇ રહ્યાં છે. દરમિયાન બુધવારે નવા 7 કેસ નોંધાયા છે. વરાછા યોગીચોક ખાતે રહેતી 65 વર્ષિય વૃદ્ધાનું આજે સ્વાઇન ફ્લુની સારવાર હેઠળ મોત નિપજ્યું છે. વૃદ્ધાને ગત 18મી જુલાઇએ ફ્લુનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. મૃતકને ડાયાબિટીસની બીમારી હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્યમાં કોરોનાથી વધુ 4નાં મૃત્યુ , નવા 678 કેસ
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં વધુ ચાર દર્દીઓનાં મોત થયાં છે. જ્યારે કોરોનાના નવા 678 કેસ નોંધાયા છે. હાલમાં 5,321 એક્ટિવ કેસ છે. જેમાંથી 12 દર્દી વેન્ટિલેટર ઉપર છે. બીજી બાજુ આજે 1082 કોરોના દર્દીઓ સાજા પણ થયા છે. રાજ્યમાં વધુ ચાર દર્દીઓનાં મૃત્યું થયાં છે. તેમાં અમદાવાદ શહેર, ગાંધીનગર શહેર, ભરૂચ અને અમદાવાદ ગ્રામ્યમાં એક- એક દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી 10,985 લોકોનાં મોત થયાં છે.

નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 189, વડોદરા શહેરમાં 61, ગાંધીનગર ગ્રામ્યમાં 41, સુરત શહેરમાં 35, વડોદરા ગ્રામ્યમાં 33, ગાંધીનગર શહેરમાં 28, અમરેલી, રાજકોટ શહેરમાં 26, મોરબીમાં 25, રાજકોટ ગ્રામ્યમાં 24, મહેસાણામાં 23, સુરત ગ્રામ્યમાં 22, કચ્છ, સાબરકાંઠામાં 17, ભરૂચમાં 15, નવસારીમાં 13, પંચમહાલમાં 10, વલસાડમાં 9, પોરબંદરમાં 8, બનાસકાંઠા, જામનગર શહેરમાં 7, અમદાવાદ ગ્રામ્ય, ભાવનગર શહેર, ખેડામાં 6, આણંદ, જામનગર ગ્રામ્યમાં 4, અરવલ્લી, મહીસાગરમાં 3, ભાવનગર ગ્રામ્ય, ગીર સોમનાથ, પાટણમાં 2, દાહોદ, જુનાગઢ શહેર, સુરેન્દ્રનગર, તાપીમાં એક નવો કેસ નોંધાયો છે.

Most Popular

To Top