National

સુનીલ બંસલ બન્યા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી

નવી દિલ્હી: (New Delhi) ગૃહમંત્રી અમિત શાહના નજીકના ગણાતા સુનીલ બંસલને (Sunil Bansal) ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ (National General Secretary of the BJP) બનાવવામાં આવ્યા છે. તેઓ એક કુશળ વ્યૂહરચનાકાર તરીકે ઓળખાય છે. અત્યાર સુધી તેઓ યુપીમાં ભાજપના પ્રદેશ મહાસચિવ સંગઠન તરીકે કામ કરતા હતા. યુપીમાં ભાજપને એક પછી એક સફળતા અપાવવાને કારણે તેઓનું પ્રમોશન કરાયું હોય તેવી ચર્ચા છે. યૂપીમાં પ્રદેશ મહાસચિવ સંગઠન સુનીલ બંસલને રાષ્ટ્રીય મહાસચિવ બનાવવાની સાથે જ ઝારખંડમાં ભાજપના પ્રદેશ મહાસચિવ ધરમપાલને ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રદેશ સંગઠન મહાસચિવ તરીકે નિમણૂંક આપવામાં આવી છે. જ્યારે રાજ્યના સહ-સંગઠન મંત્રી કર્મવીર સિંહને રાજ્ય મહાસચિવ સંગઠન ઝારખંડ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભાજપના પાર્ટી હેન્ડલ પરથી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે સુનીલ બંસલ પ્રદેશ મહાસચિવ (સંગઠન) ઉત્તર પ્રદેશને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા છે. સુનિલ બંસલને પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તેલંગાણાના રાજ્ય પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

યૂપીમાં 2014ની ચૂંટણી દરમ્યાન સારો દેખાવ કરનાર સુનીલ બંસલને ભાજપે પ્રમોશન આપ્યું છે. સુનીલ બંસલ ગૃહમંત્રી અમિત શાહના નજીકના માનવામાં આવે છે. યુપીમાં તેમણે 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 73 બેઠકો પર જીત અપાવીને ઇતિહાસ રચ્યો હતો. ત્યારબાદ 2017ની યુપી વિધાનસભા ચૂંટણીમાં લગભગ 14 વર્ષ પછી ભાજપ રાજ્યમાં સત્તામાં પરત ફરી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં એસપી-બીએસપી ગઠબંધન હોવા છતાં તેઓ યુપીમાં ભાજપને 65 સીટો જીતવામાં સફળ રહ્યા હતા. જ્યારે 2022ની યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 35 વર્ષનો રેકોર્ડ તોડીને સત્તામાં પાછી ફરી.

Most Popular

To Top