Entertainment

નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યા બાદ આમિર આખરે પાઠ શીખ્યો

હમણાંના મહિનાઓમાં રજૂ થયેલી એકેય હિન્દી (મુંબઇની) ફિલ્મો સફળ નથી થઇ ત્યારે બહુપ્રતિસ્થિત ‘લાલાસીંઘ ચઢ્ઢા’ અને ‘રક્ષાબંધન’ રજૂ થઇ રહી છે. પ્રેક્ષકો માટે આમીર ખાનની ફિલ્મ વધારે ખાસ છે કારણ કે છેલ્લા થોડા વર્ષમાન બોકસ ઓફિસ પર ત્રણે ખાનોમાંથી એકેય સફળતા સાથે હાજર નથી. સલમાનની ‘રાધે’ અને ‘અંતિમ’ ગયા વર્ષે રજૂ થયેલી પણ માર ખાઇ ગયેલી. શાહરૂખ ખાનની છેલ્લી રજૂ થયેલી ફિલ્મનું નામ ‘ઝીરો’ હતું જે ઝીરો પૂરવાર થયેલી અને તે રજૂ થયાનું વર્ષ 2018 છે. હકીકતે તો એમ કહેવું જોઇએ કે અજય, અક્ષય સિવાય કોઇ મોટા સ્ટાર બોકસ ઓફિસ પર હાજર નથી રહ્યા.

ઋતિક રોશનની ‘વોર’ પણ 2019માં રજૂ થયેલી ને રણબીર કપૂરની ‘શમશેરા’ પણ ચાર વર્ષથી વધુ સમય પછી આવી અને ટાંય ટાંય ફિસ્સ થઇ છે. આમીર ખાન તો દર વર્ષે ફિલ્મો રજૂ કરવામાં માનતો ય નથી અને તેની છેલ્લી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ 2018માન રજૂ થયેલી અને આમીર માટે દુ:સ્વપ્ન પૂરવાર થયેલી. તેની છેલ્લી સફળ ફિલ્મ ‘દંગલ’ કહી શકો જે 2016માં રજૂ થયેલી. અલબત્ત એક ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ સિવાયની તેની આગલી ફિલ્મો ‘દંગલ’ (2016), પી.કે. (2014) અને ‘ધૂમ-3’ (2013) બ્લોક બસ્ટર્સ પૂરવાર થયેલી. લાલસીંઘ ચઢ્ઢા તો હકીકતે તેના વિત્યા ચૌદ વર્ષનું સ્વપ્ન સમી ફિલ્મ છે. આમીર હવે બીજા નિર્માતાઓની ફિલ્મોથી બને તો દૂર રહે છે કારણ કે તે સંજોગોમાં આખી ફિલ્મ પર પૂર્ણ નિયંત્રણ રાખી શકતો નથી. ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ યશરાજ ફિલ્મ્સની હતી ને ભારે પછડાયેલી તે તેનું ઉદાહરણ છે.

આમીર ખાન માટે ‘લાલસીંઘ ચઢ્ઢા’ એક પ્રકારની કસોટી છે કારણ કે હમણાં મુંબઇની હિન્દી ફિલ્મો પૂરતી સફળ નથી થતી અને સાઉથના સ્ટાર્સ જોર મારી ગયા છે. આમીરે મુંબઇ સ્ટાર્સની તાકાત શું છે તે દેખાડી આપવાની થશે. જો કે તે એવા કોઇ બજારુ દબાણ વિના પોતાની ફિલ્મ રજૂ કરશે. તેને તેની ફિલ્મની દરેક બાજુઓ પર પૂરો વિશ્વાસ હોય તો જ થિયેટર સુધી ફિલ્મ લાવે છે. આમીરની ફિલ્મ રજૂ થયા પછી જ આ વર્ષની બીજા ખાનોની ફિલ્મ રજૂ થશે. 30મી ડિસેમ્બરે સલમાનની ‘કભી ઇદ કભી દિવાલી’ અને તે પહેલાં આવતા મહિને ઋતિક રોશનની ‘વિક્રમવેધા’ અને ‘ફાઇટર’ રજૂ થવાની છે.

આમીરની ‘લાલસીંઘ ચઢ્ઢા’ ભલે ‘ધ ફોરેસ્ટ ગમ્પ’ની ઓફિશયલ રિમેક હોય પણ આમીરે તેના લેખક અતુલ કુલકર્ણી સાથે એવી મહેનત કરી છે કે તે ઓરીજિનલ લાગશે. આમીર ‘ઓરીજિનાલિટી’ ક્રિયેટ કરવા માટે જાણીતો છે અને દિગ્દર્શક અદ્વૈત ચંદન સાથે પૂરી ધીરજ અને ક્રિયેટિવિટી સાથે ફિલ્મ બનાવી છે. આમીરની આ ફિલ્મથી ઓછામાં ઓછા બે નવા અભિનેતાનો હિન્દીમાં નવોદય થશે. આમીર આ ફિલ્મને એટલો સમર્પિત રહ્યો છે કે વચ્ચે એક પણ અન્ય ફિલ્મ લીધી નથી. આમીર દરેક ફિલ્મે પોતાના લુક પર પણ જબરદસ્ત ધ્યાન આપે છે. આ ફિલ્મની તેની દાઢી એકદમ ખાસ છે. આમીર ઉતાવળે ફિલ્મ બનાવતો નથી એટલે અનેક પાસા પર ખૂબ મહેનત કરી શકે છે. અત્યારે આખી ફિલ્મને ટોટાલિટીથી વિચારનારા ત્રણ જ છે. એક તો આમીર, બીજો સંજય લીલા ભણશાલી ને ત્રીજા રાજકુમાર હીરાની. તેમની પર ફિલ્મની ઉત્તમતા સર્જવા સિવાય કોઇ દબાણ થઇ શકતું નથી.

હા, અત્યારે તેનો જૂના વિવાદાસ્પદ બયાનને ફરી યાદ કરાવી ફિલ્મની રજૂઆત ઘોંચમાં પાડવાનો પ્રયત્ન થઇ રહ્યો છે અને પ્રેક્ષકો આ ફિલ્મનો બોયકોટ કરે એવો ય આગ્રહ એ તત્વો રાખી રહ્યા છે. આમીર આ બધું જાણે છે અને એ પણ જાણે છે કે પ્રેક્ષકોને એ બધું યાદ નથી એટલે યાદ કરાવવાના પ્રયત્નો ચાલે છે. જે સ્ટાર્સ મોટા હોય ને તેની ફિલ્મ મહત્વાકાંક્ષી હોય તો આવું બધું થતું હોય છે. પ્રેક્ષકો તો જોશે કે આમીર ખાને કેવી ફિલ્મ સર્જી છે. આમીર કાંઇ રાજનેતા નથી, ફિલ્મ સર્જક છે એલટે પ્રેક્ષકો સામે ફિલ્મ જ રજૂ કરી શકે. •

Most Popular

To Top