અમદાવાદ: આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે ત્યારે ખેલાડીઓને શાબાશી આપવાના બદલે કોંગ્રેસના એક મહિલા નેતાએ પ્રાંતવાદનું રાજકારણ શરૂ કરી દેતાં વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસની મહિલા નેતાએ ગુજરાત પર કટાક્ષ કરતા એવું ટ્વીટ કર્યું છે કે ‘કોઈ ગુજરાતમાંથી પણ ગોલ્ડ મેડલ લાવ્યું છે કે પછી…’ કોંગ્રસની મહિલા નેતાના આ પ્રકારના બેહૂદા અને પ્રાંતવાદને ઉત્તેજન આપનારા ટ્વીટથી ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી ક્રોધે ભરાયા છે.
બર્મિંઘમમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં (CWZ2022) ભારતના ખેલાડીઓએ (Indian Players) પોતાનું શાનદાર પ્રદર્શન કરતા કુલ 61 મેડલ જીત્યા છે, જેમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ વખતે સૌથી વધુ 43 ખેલાડી હરિયાણાના હતા, જેમાંથી 17 ખેલાડીઓએ મેડલ જીતીને દેશ અને પ્રદેશનું નામ રોશન કર્યું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા દેશના ગૌરવની વાત કરવાના બદલે પ્રાંતવાદનું રાજકારણ શરૂ કરી દેવાયું છે. કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમના ઇન્ચાર્જે કોમનવેલ્થ મામલે ગુજરાત પર કટાક્ષ કર્યો છે. કોંગ્રેસના મહિલા નેતા નતાશા શર્માએ વિવાદાસ્પદ ટ્વીટ કરીને વિવાદનો મધપૂડો છેડ્યો છે.
કોંગ્રેસ નેતા નતાશા શર્માએ ગુજરાતનું અપમાન કરતા ટ્વિટ કર્યું હતું કે, ‘કોઇ ગુજરાત સે ભી ગોલ્ડ મેડલ લાયા હૈ ખેલો મે, યા ફિર બેંક લૂંટકર ભાગને મેં હી ગોલ્ડ મેડાલિસ્ટ હૈ…’. નતાશા શર્માના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયામાં ભડકો થયો છે. ભાજપના સમર્થકોએ ટ્વીટર પર નતાશા શર્માને ટ્રોલ કરાનું શરૂ કરી દીધું છે. ગુજરાતીઓ નતાશા શર્માને સોશિયલ મીડિયાના માધ્યમથી સણસણતો જવાબ આપી રહ્યાં છે. આ સાથે જ ટ્વીટર યુઝર્સે નતાશાના જ્ઞાનને લઈને પણ સવાલો ઊભા કર્યા હતા. લોકોએ નતાશા શર્માને ન્યૂઝ પેપર વાંચી અપડેટ રહેવા માટે પણ સલાહ આપી હતી. લોકોએ ટ્રોલ કરતા નતાશા શર્માએ ટ્વીટર પરથી પોતાનું વિવાદાસ્પદ ટ્વીટ હટાવી લીધું હતું.
કોમનવેલ્થમાં ભારતના ખેલાડીઓના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરવાના બદલે કોંગ્રેસે પ્રાંતવાદનું રાજકારણ શરૂ કર્યું
નતાશા શર્માના ટ્વીટના લીધે રાજકારણ પણ ગરમાયું છે. ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટર પર જ નતાશા શર્માને વળતો જવાબ આપ્યો છે. હર્ષ સંઘવીએ ઉપરાછાપરી ત્રણથી ચાર ટ્વીટ કર્યા હતા. સંઘવીએ ટ્વીટ કરી લખ્યું કે, આવું પહેલીવાર નથી થયું કે કોંગ્રેસે દેશ કે ગુજરાતની નિંદા કરી હોય. વિભાજનની ગંદી રાજનીતિ તમારા લોહીમાં છે. અખંડ રાષ્ટ્રનો વિચાર અમારી નસોમાં છે. આખરે કોંગ્રેસ ગુજરાત માટે આટલી નફરત ક્યાંથી લાવો છો. અહીં ફરી એકવાર તેમનું પાત્ર ગુજરાતની જનતા સમક્ષ આવ્યું છે! ખેલાડીઓનું અપમાન કરવાનું બંધ કરો.
ગુજરાતના ખેલાડીઓએ #CommonwealthGames માં 5 મેડલ જીત્યા છે. ભારતે 61 મેડલ સાથે વિશ્વમાં ટોચના 5માં સ્થાન આપ્યું છે. કોંગ્રેસની આ માનસિકતા માટે તેઓએ ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓની માફી માંગવી જોઇએ. આ પ્રકારના અપમાનજક શબ્દોથી રમતગમતના ક્ષેત્રમાં દેશને તોડવો એ ખૂબ જ નીંદનિય છે. જ્યારે સત્તામાં હતા ત્યારે અને આજે પણ કોંગ્રેસ દેશને તોડવાનું જ કામ કરી રહી છે.’ ‘દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે અને સાથે મળીને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરીને આવનારા 25 વર્ષને સુવર્ણ બનાવવાના પ્રયાસો કરી રહ્યાં છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ “ટીમ સ્પિરિટ” સાથે આપણા મહાન દેશ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.’