અસલ સુરતીઓ નાળિયેરી પૂનમના બીજે દિવસે બળેવની ઉજવણી કરે છે.પહેલા સુરત, કોટ વિસ્તાર પૂરતું સીમિત હતું.પડવાના દિવસે રક્ષાબંધનના તહેવારનો માહોલ કંઈક અનેરો હોય.વર્ષો પહેલાં ૬૦ મા દાયકાથી ૮૦ મા દાયકા સુધી સલાબતપુરા,ચોકી શેરી ખાતે વર્ષ ૧૯૪૭ માં સ્થાપિત સામાજિક સંસ્થા’જન સેવા સંઘ’દ્વારા સુરતી બળેવના દિવસે ‘રમતગમત’નું આયોજન થતું.જેમાં સલાબતપુરા અને તેની આજુબાજુના વિસ્તારના છોકરાઓ,છોકરીઓ ભાગ લેતા.આ દિવસે ત્યાં માનવ મહેરામણ ઉમટી પડતો.જેમાં ઝડપી દોડ,ધીમી દોડ,માટલી ફોડ,લીંબુ ચમચી,દોરડા કૂદ,સંગીત ખુરશી,લંગડી કૂદ વિ.રમતો રમાતી.
આ રમતોમાં એક અનોખી રમત હતી ‘અકાળીયો દકાળીયો’દોડ રમાતી, જેમાં બે છોકરાઓ ભાગ લેતા,અકાળીયા છોકરાને લાલ ચાંદલો અને દકાળીયાને કાળો ચાંદલો કરી પોલીસ ચોકીથી લાલ તબેલા સુધી દોડાવતા,જેમાં અકાળીયો પ્રથમ આવે તો ખેતી સારી થાય અને દકાળીયો પ્રથમ આવે તો દુકાળ પડે એવી લોકમાન્યતા હતી.પણ તાપી માતાની મહેર થી ‘અકાળીયો’જ જીતે.રમતગમતની લાઈવ કોમેન્ટ્રી હાસ્ય કલાકાર સ્વ.દાસબહાદુર વાઈવાલા આપતા. (ખત્રી સમાજના દાસબહાદુર વાઇવાલા એક પ્રસિદ્ધ અસલ સુરતી હાસ્ય કલાકાર હતા.સુરત અને સુરતની બહાર તેઓના હાસ્યના કાર્યક્રમો યોજાતા હતા.)સુરતમાં રમતગમતનું આવું મોટું આયોજન માત્ર સલાબતપુરામાં જ થતું હતું એ એક ગર્વની બાબત છે.આજે ટી.વી.,મોબાઈલના આધુનિક યુગમાં પરંપરાગત રમતો વિસરાઈ ગઈ છે.
સુરત – કિરીટ મેઘાવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.