સુરત(Surat): 30 જાન્યુઆરી-2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)એ સુરત એરપોર્ટ(Airport)ના 353 કરોડના વિકાસનાં કામોનો પ્રારંભ કરાવ્યો હતો. એ 2022ના અંત સુધીમાં પણ પૂર્ણ થવાની શક્યતા જણાતી નથી. કોરોના(Corona) ને લીધે કામોની મુદતમાં વારંવાર વધારો છતાં કોન્ટ્રાક્ટર ટર્મિનલ બિલ્ડિંગ(Contractor Terminal Building), એપ્રન (વિમાન પાર્કિંગ એરિયા) અને ટેક્સી-વે(Taxi-way)નાં કામો પૂર્ણ કરવામાં નિષ્ફળ(Fail) ગયા છે.
એપ્રન અને ટેક્સી-વેનાં 69 સુધીના વર્ક ટાર્ગેટ સામે માત્ર 46 ટકા જ કામ થયું
ટર્મિનલ બિલ્ડિંગ ડિસેમ્બરના અંત સુધી પૂર્ણ થયા પછી પણ એપ્રન અને ટેક્સી-વેનાં કામો 2022ના અંત સુધીમાં પૂર્ણ નહીં થાય તો ફ્લાઈટ સંખ્યા નહીં વધે, નવી એરલાઈન્સ નહીં આવે અને વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ બની ગયા પછી પણ ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી નહીં વધે. કારણ કે, સુરત એરપોર્ટ પર એપ્રન અને ટેક્સી-વેનું કામ મુદત વધારા પછી પણ ખૂબ વિલંબથી ચાલી રહ્યું છે એવો ખુલાસો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એક આરટીઆઇ અરજીના ઉત્તરના ખુલાસામાં કર્યો છે. કોન્ટ્રાક્ટર આશિષ ઇન્ફ્રાકોન પ્રા.લિ. એપ્રિલ-2022 સુધી જ્યાં 69 ટકા કામ પૂર્ણ થવું જોઈતું હતું ત્યાં માત્ર 46 ટકા જ કામ પૂર્ણ થયું હતું. એપ્રન પર વિમાન પાર્કિંગની અધૂરી સુવિધા હોવાથી એરલાઈન્સ સુરત એરપોર્ટથી નવી કનેક્ટિવિટી આપવા અચકાઇ રહી છે. અત્યારે માત્ર બે પાર્કિંગ બેયથી કામ ચલાવવું પડી રહ્યું છે.
કામ વિલંબથી કરવા માટે કોન્ટ્રાક્ટરે હાસ્યાસ્પદ, વિચિત્ર કારણો આપ્યાં
- સુરત એરપોર્ટ પર સીઆઈએસસેફનો બંદોબસ્ત ગોઠવાયા પછી જવાનો કામદારોનો મોબાઈલ ફોન લઈ લેતા હોવાથી કારીગરો કામ છોડી જતાં રહ્યા હતા.
- ટ્રાન્સપોર્ટર અને ક્વોરી માલિકોની હડતાળને લીધે કપચી સહિતની પીટીટી કોન્ક્રીટની લેયરની સામગ્રીની અછતને લીધે કામમાં વિલંબ થયો હતો.
- કોન્ક્રીટની કામગીરી માટેની મશીનરી બીજી સાઈટથી લાવવામાં વિલંબ થયો હતો.
- એસએમસી સ્ટોર્મ વોટર ડ્રેનેજ કલવર્ટનું કામ ફેસ વનમાં પણ થયું નથી એને લીધે પણ વિલંબ થઈ રહ્યો છે.
23 વિમાન પાર્કિંગની સુવિધા વર્ષના અંતે પણ પૂર્ણ નહીં થાય
સુરત એરપોર્ટ પર અત્યારે 5 વિમાન પાર્કિંગની સુવિધા છે. એ પૈકી એક ઇમરજન્સી સાથે 3 પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે. બે પાર્કિંગ બેયની બંને તરફ બીજું કામ ચાલી રહ્યું હોવાથી એ સદંતર બંધ છે. એ કારણોસર એરલાઈન્સ સુરત આવવા ટાળી રહી છે. અને એર કનેક્ટિવિટીની સંખ્યા ઘટી રહી છે. એ સ્થિતિમાં 353 કરોડના ખર્ચે ચાલી રહેલા પ્રોજેક્ટમાં 23 પાર્કિંગ-બેય બનાવવાનું કામ ડિસેમ્બર-2022 સુધી પૂર્ણ થાય એમ નથી. ચાલુ વર્ષે ચોમાસાને લીધે પણ કામને અસર થઈ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેને તાજેતરની મુલાકાત દરમિયાન ટિપ્પણી કરી હતી કે દેશભરનાં 20 એરપોર્ટ પર ડેવલપમેન્ટનાં કામ ચાલી રહ્યાં છે. માત્ર સુરતમાં વિલંબ થઈ રહ્યો છે. એમણે અધિકારીઓને કોન્ટ્રાક્ટ સક્ષમ ન હોય તો બ્લેક લિસ્ટ કરવાની ચેતવણી પણ આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
એરપોર્ટ ઓથોરિટી પાસે ખુલાસો માંગી કાર્યવાહી કરીશું : સી.આર.પાટીલ
સુરત એરપોર્ટ મેનેજમેન્ટ ઓથોરિટીના ચેરમેન, પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, એપ્રન અને ટેક્સી-વેનાં કામો વિલંબમાં કેમ ચાલી રહ્યાં છે એનો ખુલાસો એરપોર્ટ ઓથોરિટી પાસે માંગવામાં આવશે. કામ વિલંબથી થવા માટે કોન્ટ્રાક્ટરે હાસ્યાસ્પદ કારણો આપ્યાં હશે તો એની સામે કાર્યવાહી કરીશું. 31 ડિસેમ્બર-2022 સુધીમાં તમામ કામો પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. એરપોર્ટને લગતાં કામો માટેની આગામી બેઠકમાં તમામ કામોનો અધિકારીઓ પાસે ખુલાસો માંગીશું.