સંજય દત્તને ‘શમશેરા’ ની નિષ્ફળતાથી દુ:ખ થયું છે અને દર્શકોએ તેમની મહેનતની કદર કરી ન હોવાની લાગણી વ્યક્ત કરી છે. સંજય દત્તની નકારાત્મક ભૂમિકાવાળી ‘શમશેરા’ ને નકારી કાઢવામાં આવી છે તેથી એવો પ્રશ્ન થઇ રહ્યો છે કે તેની ક્યાં ભૂલ થઇ છે? અસલમાં દર્શકોએ સંજયના અભિનયના વખાણ કર્યા હતા પરંતુ નિર્દેશક કરણ મલ્હોત્રા એક સારી ફોર્મ્યુલા ફિલ્મ બનાવવામાં થાપ ખાઇ ગયા છે. આ અગાઉ સંજયને ‘KGF 2’ માં વિલન તરીકે પસંદ કરવામાં આવ્યો જ હતો અને તેની ભૂમિકા માટેના સમર્પણની પ્રશંસા થઇ હતી. ‘શમશેરા’ માં સંજય દત્તની ભૂમિકા માટે કહેવામાં આવ્યું હતું કે તેણે 3 કલાકની ફિલ્મમાં અઢી કલાક સુધી અભિનયથી રાજ કર્યું છે.
સંજયના પાત્રે પોતાના દિમાગથી ડર ફેલાવ્યો હતો. તેણે ‘ખલનાયક’ ના દિવસોની યાદ અપાવી દીધી હતી એટલે સંજય દત્તે દર્શકોને દોષ આપવાને બદલે નિર્દેશક અને લેખક સામે નારાજગી વ્યક્ત કરવી જોઇએ કે તે દર્શકોની અપેક્ષા પ્રમાણે ફિલ્મ બનાવી શક્યા નથી. ફિલ્મને ફ્લોપ જાહેર કરવામાં આવ્યા પછી બોલિવૂડ પણ વિચાર કરતું થઇ ગયું છે કેમ કે અત્યારે એકમાત્ર ‘શમશેરા’ એવી ફિલ્મ હતી જે દક્ષિણની ફિલ્મોની સફળતા સામે જવાબ આપી શકે એમ હતી. ‘શમશેરા’ ની નિષ્ફળતાના કારણો શોધવામાં આવી રહ્યા છે. જે બોલિવૂડની બધી જ ફિલ્મોને લાગુ પડે છે. સંજય દત્ત જેવા અભિનેતાઓએ ફિલ્મ સ્વીકારતાં પહેલાં પોતાની ભૂમિકા ઉપરાંત આખી ફિલ્મની વાર્તા અને બીજી બાબતો પણ ચકાસવી જરૂરી બની છે.
‘શમશેરા’ ની વાર્તા સદીઓ પહેલાંની હોવાથી પસંદ કરવામાં આવી નથી. ફિલ્મમાં સંજયનું ‘શુધ્ધ સિંહ’ નું પાત્ર 25 વર્ષ સુધી કિલ્લામાં જ રહે છે અને કોઇ પ્રગતિ કરી શક્યું હોતું નથી. એ જ રીતે ગુલામોમાંથી એક પણ મૃત્યુ પામ્યા ન હતા એ પણ માની ના શકાય એવું છે. અગાઉ જે બાબત બોલિવૂડની ફિલ્મોનું સૌથી મોટું જમા પાસું ગણાતી હતી એ લોકપ્રિય ગીત-સંગીત અત્યારે ગાયબ છે. સંજયની ‘ખલનાયક’ને ગીતોને કારણે જ વધુ લોકપ્રિયતા મળી હતી. ‘શમશેરા’ નું સમ ખાવા પૂરતું એક પણ ગીત લોકપ્રિય થયું નથી.
જ્હાનવી કપૂરને સ્ટારપુત્રી હોવાનો લાભ મળી રહ્યો છે?!
જ્હાનવી કપૂરને અભિનય માટે પ્રશંસા મળી રહી ન હોવા છતાં મુખ્ય ભૂમિકાવાળી નવી ફિલ્મો સતત મળી રહી હોવાથી તેને શ્રીદેવીની પુત્રી હોવાનો લાભ મળી રહ્યો છે એ વાત માનવી જ પડશે. આજના સમયમાં સતત 3 ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા કરનારી તે પહેલી અભિનેત્રી બની છે. ફિલ્મો મેળવવામાં નસીબદાર રહેલી જ્હાનવીએ સફળ થવું હશે તો આ તકનો ઉપયોગ બરાબર કરવો પડશે. 2018 માં ‘ધડક’ થી કારકિર્દી શરૂ કરનાર જ્હાનવીની ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ, રૂહી અને ‘ગુડલક જેરી’ ને પણ પસંદ કરવામાં આવી નથી.
તેનું એક કારણ એ છે કે જે તમિલ ફિલ્મ પરથી બની છે એમાં મુખ્ય ભૂમિકા નયનતારાએ ભજવી હતી. જ્હાનવી હજુ એટલી ક્ષમતા ધરાવતી નથી. તેણે પ્રયત્ન જરૂર કર્યો છે. સમીક્ષકોનું માનવું છે કે તે હાવભાવ ઝડપથી બદલી શકતી નથી. ફિલ્મમાં તે પાત્ર મુજબ ભોળી લાગે છે પરંતુ જ્હાનવીને ઇન્ટરનેટ ઉપર ગ્લેમરસ અંદાજમાં જોનારા દર્શકોને સાદગીભરી ભૂમિકામાં સ્વીકારવાનું સરળ નથી. તેણે પોતાના અભિનયમાં થોડો સુધારો કર્યો છે પરંતુ સંવાદ બોલવામાં નબળી પડે છે. જ્હાનવી પર નિર્દેશકો ભરોસો કરી રહ્યા છે.
શરણ શર્માની કોમેડી ફિલ્મ ‘મિ.ઔર મિસિસ માહી’ માં તે રાજકુમાર રાવ સાથે એક ક્રિકેટર તરીકે દેખાવાની છે. પોતાની ક્રિકેટરની ભૂમિકા માટે તે 6 માસથી ક્રિકેટની તાલીમ લઇ રહી છે. નિર્દેશક નિતેશ તિવારીએ જ્હાનવીને ‘બવાલ’ માં વરુણ ધવનની હીરોઇન બનાવી છે. જ્યારે લવ રંજનની આગામી ફિલ્મમાં રણબીર કપૂર સાથે તેની જોડી બનવાની છે. જેમાં જ્હાનવીના પિતા બોની કપૂર પહેલી વખત એક નિર્માતાના રૂપમાં અભિનય કરતા દેખાશે. શ્રીદેવીનો આખો પરિવાર ધીમે ધીમે અભિનયમાં જોવા મળશે.
જ્હાનવીની નાની બહેન ખુશી કપૂર ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ થી પ્રવેશ કરી રહી છે. જેમાં શાહરૂખ ખાનની પુત્રી સુહાના ઉપરાંત શ્વેતા બચ્ચનનો પુત્ર અગત્સ્ય પણ હશે. બોની કપૂરે જ્હાનવી માટે ફિલ્મ ‘મીલી’ નું નિર્માણ પણ હાથ ધર્યું છે. દક્ષિણના નિર્માતાઓ જ્હાનવીને વિજય દેવરકોંડા અને જુનિયર NTR સાથે સાઇન કરવાની તૈયારી કરી રહ્યા છે. જ્હાનવી વધારે કામનું દબાણ અનુભવી રહી છે પરંતુ ઉત્સાહથી કામ કરી રહી છે. તેનું નામ ‘ધડક’ પછી ઇશાન ખટ્ટર સાથે ચર્ચાતું રહ્યું છે. તે સમય મળે ત્યારે ઇશાનને મળતી હોવાનું કબૂલી રહી છે.