અણગમાનું સધ્ધર કારણ નથી હોતું, છે એટલું કે એ અણગમો છે! એ માણસને જોઈને હું તરત મોઢું ફેરવી લઉં. એના પર નજર પડે ત્યાં જ થઈ જાય કે અરે યાર આજે કેવો દિવસ ઊગ્યો કે માણસનો ચહેરો નજરે પડયો. હું એનો ચહેરો જોઉં છું ત્યારે દિવસ સારો નથી જતો એવી મારી માન્યતા હતી. જે દિવસે એને જોઉં ત્યારે કશું ને કશું એવું બને કે મને એ માણસ પ્રત્યે નફરત થઈ જાય. કોઈક ને કોઈક ઘટના ઘટે એથી હું એ માણસને જોવાનું પસંદ નથી કરતો પણ કોણ જાણે એને મારી ઉપેક્ષાની પડી નથી કે પછી એ જાણી જોઈને મને ચીડવવા માટે જ સામે આવતો હશે રામ જાણે! પણ જેટલી વાર એ મળે એટલી વાર અચૂૂક મને ગુડ મોર્નિગ કહે. મારે શિષ્ટાચાર માટે પણ એને જવાબ આપવો પડે. એના કોલગેટ સ્માઇલની સામે હું જરાતરા મોં મલકાવીને કહી દઉં, ‘ગુડ મોર્નિંગ!’
હું મારા રસ્તે અને એ એના રસ્તે. એક મિનિટ, હું તમને કહેતાં ભૂલી ગયો કે એ માણસ મને ક્યાં મળે છે! મારા ઘરની સામેની સોસાયટીમાં એ રહે છે. મારા ઘરેથી એનું ઘર દેખાતું નથી પણ એની સોસાયટીના બીજા ઘરો દેખાય. મારે ઓફિસ જવાના સમયે એ માણસ એના સોસાયટીના ગેટ પરથી હાથમાં થેલી લઈને નીકળે. મારો ઘરેથી નીકળવાનો સમય સવા નવની આસપાસ. ક્યારેક બે-ત્રણ મિનિટ આમતેમ થાય. કદાચ એ માણસનો પણ ઘરેથી નીકળવાનો સમય સવા નવ જ હશે કારણ કે અમે રોજ નહીં પણ અઠવાડિયામાં 2-3 વાર તો મળી જ જઈએ. હું આ ઘરે રહેવા આવ્યો ત્યારે શરૂઆતમાં તો મને બહુ ખ્યાલ ન હતો કે આ માણસ અહીં રહે છે. મારી મમ્મીનો સ્વભાવ બહુ મિલનસાર એથી અમે અહીં રહેવા આવ્યા અને તરત આજુબાજુના લોકો સાથે ઓળખાણ કરી લીધી. એમાં આ માણસના પત્ની મારી મમ્મીને મંદિરમાં મળી ગયા. મારા મમ્મીના સ્વભાવ મુજબ તરત બન્ને વચ્ચે દોસ્તી થઈ ગઈ. મને આ બધી બાબતમાં રસ ઓછો કારણ કે મારી નવી નવી જોબ તેમ જ જિંદગીમાં આગળ વધવાની ઇચ્છા એટલે બધું ફોકસ કરિયર બનાવવા પર. એટલે મને ફાલતુ સંબંધો બાંધવામાં રસ ન હતો.
મારાં મમ્મી આ માણસને ઓળખે છે તેની જાણ પણ મને બહુ મોડે મોડે થઈ હતી. એક દિવસ હું ઓફિસથી થાક્યોપાક્યો ઘરે આવ્યો અને ઓફિસમાં કલીગ્સ જોડે થોડી ગરમાગરમી થઈ હતી એટલે મેં ઘરે આવીને મમ્મી પર બળાપો કાઢયો, ‘તને ખબર છે મા, આપણા ઘરની સામેની સોસાયટીમાં એક કદરૂપો માણસ રહે છે, આઈ હેટ હીમ! એ જ્યારે પણ મને મળે છે ને ત્યારે મારો દિવસ ખરાબ જાય છે!’ ‘પેલા ભાઈ જેને આખા શરીરે મસાં છે તે?’ ‘હા…!’ મારો ચહેરો રોષથી તમતમી ગયો હતો. મમ્મી મારી નજીક આવી અને બોલી, ‘એવા વહેમબહેમ નહીં રાખવાના.
આપણી ભૂલનો દોષ બીજા પર ન ઢોળાય.’ મમ્મીની વાત કદાચ સાચી હતી પણ મને સ્વીકારવી ગમી નહીં. ‘આપણા ઘરે પેલા નીલાબહેન આવે છે ને એના પતિ છે એ!’ નીલાઆન્ટીના પતિ? મને એમની દયા આવી ગઈ. આવા ખૂબસૂરત મહિલાએ આવા કદરૂપા માણસ સાથે કેમ લગ્ન કર્યા હશે? મમ્મીનો નીલાઆન્ટી સાથે વાટકીવ્યવહાર બહુ સારો ચાલતો. જેને કારણે મને ભાત ભાતની વાનગીઓ ખાવા મળતી. ખરેખર નીલાઆન્ટીને ત્યાંથી આવતી વાનગીઓ બહુ સ્વાદિષ્ટ રહેતી. એમની પૂરણપોળીથી લઈને દાળ-ઢોકળી સુધીની દેશી વાનગીઓ મન બહુ ભાવતી. એ માણસ નીલાઆન્ટીનો પતિ છે એ જાણ્યા પછી મારો એમની પ્રત્યેનો રોષ ઓછો થયો પણ અણગમો રહ્યો.
મને પૂરણપોળી બહુ ભાવે. એમાં પણ મારી મમ્મી ચણાદાળની બનાવે તેનો ટેસ્ટ લાજવાબ. મારો બર્થ ડે ઓગસ્ટની 11 તારીખે. તે દિવસે મારા ઘરે ફિક્સ મેનુ હોય. પૂરણપોળી, દહીંવડા સાથે ટીંડોરા બટેકાનું શાક અને દાળ-ભાત. હું તો શાક અને પૂરણપોળી પર જ જમાવટ કરું. આ વર્ષે મારો પ્લાન હતો કે ઓફિસમાં કેટલાંક કલીગ્સ જે મારા દોસ્ત બન્યા છે તેમને હું મારા જમ્નદિવસે ઘરે જમવા બોલાવું. જેથી કરીને દોસ્તી ગાઢ બને. મમ્મીને મેં જાણવી દીધું હતું કે મારા 4-5 દોસ્ત જમવા આવશે. તે દિવસે રક્ષાબંધન પણ છે એટલે ઘરેથી દૂર રહેતાં મારા મિત્રોને હોમલી ફીલ થશે.
પણ બરાબર આગલે દિવસે જ મમ્મીના જમણા હાથમાં ચપ્પુ વાગી ગયું. 2-3 સ્ટીચ લેવા પડ્યા. મેં મમ્મીને કહી દીધું કે હું પાર્ટી કેન્સલ કરી દઇશ પણ મમ્મી માને? રક્ષાબંધન જેવા દિવસે દોસ્તોને ના પડાય. બહારથી કશું મંગાવી લેશું. મને દોસ્તોને બહારનું ખવડાવવાની ઈચ્છા ન હતી કારણ કે એ લોકો એકલા રહે છે એટલે બહારનું જ ખાતા હોય. પણ મારી પાસે ઓપ્શન ન હતો. બધા સાથે જમીએ એ મહત્ત્વનું હતું એટલે મેં મન મનાવી લીધું. મારા બર્થ ડેના દિવસે સવારથી બધાં રિલેટીવ્સ અને સ્કૂલ- કોલેજના ફ્રેન્ડસ સાથે વાતચીત ફોન પર ચાલુ હતી. 12 વાગે હું નાહી સરસ તૈયાર થઈને મમ્મીને પગે લાગવા નીચે આવ્યો ત્યારે મેં મારા ઘરમાં નવાઈ પામતું દ્રશ્ય જોયું.
પેલો માણસ પૂરણપોળી બનાવતો હતો. નીલાઆન્ટી અને મમ્મી ડાઈનિંગ ટેબલ પર બધું ગોઠવતાં હતાં. હું કશું બોલું એ પહેલાં તો મારા દોસ્તો આવી ગયા. અમને બધાને મમ્મી અને પેલા માણસે ગરમાગરમ પૂરણપોળી અને દહીંવડા સાથે મારું ફેવરીટ ટીંડોરા બટેકાનું શાક ખવડાવ્યું. બધાને જમવાની ખૂબ મજા પડી ગઈ. બધાને જમાડીને મમ્મી, નીલા ન્ટી અને પેલો માણસ જમવા બેઠાં. આખી બપોર અમે બધા દોસ્તોએ મારા રૂમમાં વાતો કરતા, ગેમ રમતા પસાર કરી. બધા બપોરની ચા પીને ગયા. તે પછી હું નજીકની દુકાનેથી એક સરસ મજાની ગિફ્ટ લઈને નીલાઆન્ટીના ઘરે ગયો. પેલા માણસને મેં પગે લાગીને કહ્યું, ‘થેન્કયુ…મારા જન્મદિવસને યાદગાર બનાવવા માટે….. અંકલ!’