પલસાણા: પલસાણાના (Palsana) ગાંગપુર ગામની સીમમાંથી પસાર થતી લક્ઝરી બસની (Bus) સામે કૂતરું (Dog) આવી જતાં બસના ચાલકે બ્રેક (Break) મારી હતી. અચાનક બ્રેક મારતાં બસમાં મજૂરીકામ અર્થે ગયેલ અને ડ્રાઈવરની (Driver) બાજુમાં સીટ પર બેસેલા 45 વર્ષીય આધેડ બસમાંથી બહાર પટકાતાં ગંભીર ઈજા સાથે 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આધેડને મૃત (Death) જાહેર કર્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ ત્વિશા પંડ્યા ટ્રાવેલ્સની લક્ઝરી બસ નં.(GJ-05-Z-2112) ગત તા.7 તારીખના રોજ ડાંગના કોસમાડા ખાતે મુસાફરો સાથે ગઈ હતી. જે બસમાં રસોઈયા સાથે મજૂરીકામે ગયેલા 45 વર્ષીય બળવંત રણજિત રાઠોડ ટૂર પૂરી થયા બાદ બસ સુરત ફરી રહ્યા હતા. એ દરમિયાન બારડોલીથી સુરત તરફ જતા ગાંગપુર ગામની સીમમાં કાવ્યા હોટલની સામે અચાનક બસની આગળ કૂતરું આવી ગયું હતું. કૂતરાને જોઈ બસના ચાલક રામસિંગભાઈએ અચાનક બ્રેક મારી હતી. દરમિયાન ડ્રાઇવરની બાજુની સીટ પર બેસેલા બળવંત રાઠોડે પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતું અને તેઓ બસની બહાર રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં બળવંતભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક 108ની મદદથી બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કરતાં પલસાણા પોલીસે બસચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પાસોદરા પાટિયા પાસે બાઇક સ્લિપ ખાઈ ડિવાઈડર સાથે અથડાતાં ચાલકનું મોત
કામરેજ: મૂળ ઉત્તરપ્રદેશના સુલતાનપુરા ગણેશપુરા કેથોલીના રહેવાસી અને હાલ સરોધી ઓમ એન્ટરપ્રાઈઝ, જિ.વલસાડ મીર્જા નૌસાદ બૈગ કલીમ બૈગ (ઉં.વ.22) રવિવારે કામરેજના કઠોર ગામ, માન સરોવર રેસિડન્સીમાં ગામના જ રહેતા મીર્જા આમીર ઉર્ફે અનશ બૈગને મળી બંને મોટરસાઈકલ નં.(જીજે 05 એફબી 3379) લઈને સુરત મોબાઈલ રિપેરિંગ કરાવવા જઈ રહ્યા હતા. સવારે આશરે 11 કલાકે કામરેજ સુરત રોડ પર બીઆરટીએસ રોડ પર પાસોદરા પાટિયા પાસે મોટરસાઈકલના ચાલક મીર્જા નૌસાદથી સ્લિપ મારી જતાં મોટરસાઈકલ ડિવાઈડર સાથે અથડાતાં ચાલકને માથામાં ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા આમીરને સામાન્ય ઈજા થઈ હતી. જે અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.